અમે હસીએ છીએ પણ આંસુ રોકાઈ નથી શક્તાં,
તૂટેલું સાજ હો તો સૂર પરખાઈ નથી શક્તાં
સૈફ પાલનપુરી

લા.ઠા. સાથે – ૦૬ (લઘરો) – લાભશંકર ઠાકર

ઓગળી ગયેલા
બરફ જેવા શબ્દોને
– આમ સરી જતા જોઈને
નિષ્પલક બનેલા
ભાઈ લઘરા !
જરા ઊંચું જો
આ હિમાલય પણ આવતી કાલે ઓગળી જવાનો છે.
અને સરી જવાનો છે સમુદ્ર તરફ.
છતાં એ પણ હશે.
તું પણ હશે
શબ્દો પણ હશે
શબ્દોની સ્મૃતિ પણ હશે,
હશે, ઓગળવાની ક્રિયા પણ હશે.
કેમ કે…
ભાઈ લઘરા ! ઊંઘી ગયો એટલી વારમાં ?

– લાભશંકર ઠાકર

ર.પા.ની સોનલ અને આસિમની લીલાની જેમ લા.ઠા.ની કવિતામાં અવારનવાર “લઘરો” દેખા દેતો રહે છે. એમના એક સંગ્રહનું તો નામ જ “લઘરો” છે. આ લઘરા વિશે કવિ પોતે કહે છે, “તીવ્ર તાદાત્મ્યથી આત્મસાત્ કરેલા પરંપરિત જીવન અને કવન-ના ‘નેગેશન’માંથી લઘરો જન્મ્યો છે. જીવન અને કવનના ‘આરણ-કારણ’ના ચિંતનમાં લઘરો અટવાય છે. લઘરાના નામ-કરણમાં જ ઉપહાસ, વિડંબના, હાસ્ય છે. આ હાસ્ય કોઈ સામાજિક, રાજકીય, નૈતિક ‘સેટાયર’ નથી. અહીં ‘અન્ય’નો ઉપહાસ નથી. અહીં ઉપહાસ છે ‘સ્વ’-નો. સેટાયર કહેવો હોય તો અહીં મેટાફિઝિકલ સેટાયર છે. અહીં હ્યુમર છે, પણ તે કરુણથી અભિન્ન, ઇનસેપરેબલ છે. તેથી આ હ્યુમર તે ‘બ્લેક’ હ્યુમર છે. મનુષ્યજીવન-ના નામે તથા આજ લગીના મનુષ્યના કવનના નામે જે કંઈ આત્મસાત્ થયેલી આત્મ-પ્રતીતીઓ છે તે લઘરવઘર છે, દોદળી છે, આભાસી છે. એને ધારણ કરનારો ‘લઘરો’ છે. લઘરો Abstraction છે. લઘરો વ્યક્તિવિશેષ નથી. લઘરો સ્થલ-કાલસાપેક્ષ નથી. લઘરો Clown છે. Metaphysical comicality of clownનાં રૂપોનો અહીં આવિષ્કાર છે”

4 Comments »

 1. Girish Parikh said,

  January 16, 2016 @ 11:45 am

  “લઘરો” ગુજરાતી ફીચર ફિલ્મ કેમ કોઈ નથી બનાવતું ?

 2. Harshad said,

  January 21, 2016 @ 7:19 pm

  સુન્દર રચના. સાચેજ ખૂબ ગમી.

 3. La Kant Thakkar said,

  January 27, 2016 @ 1:04 am

  “લઘરો”….એબ્સ્ટ્રેકટ…. “સ્વ” ભાવ-પ્રકૃતિ વશ મજબૂરીઓ-લાચારીઓથી અભિન્ન “કેરેક્ટર”-ચરિતાર્થ કરતું કર્તાનો અભિવ્યક્તિનો “અતિ-ગુણ વિશેષ” …… પોતે કેવા છે તેનો વિશિષ્ટ પરિચય !
  આ આત્મગ્લાની ની વાત નહીં પણ , સાચુકલી ઓળખાણ ….. એક સર્જનાત્મક દૃષ્ટિ-વિશેષ શૈલી કહી શકાય?…..
  “લઘરો” ગુજરાતી ફીચર ફિલ્મ કેમ કોઈ નથી બનાવતું ?…..”” —>>>એવું સાહસ કોણ કરે? જે ફેઈલ જવાના ચાન્સીસ વધુ, કારણકે એમાં મનગમતો મસાલો ઓછો મળે ,યથાર્થતા સમજવી અને પચાવવી એટલી સહેલી તો નથી જ ……. પોચા,લોચા જેવા સરળતાથી ગળે ઉતરે એવું “રંગીન” હલવા જેવું “વસ્તુ” જે લોકભોગ્ય બને તે ચાલી શકે વધુ…મહદ અંશે …

 4. jAYANT SHAH said,

  March 7, 2016 @ 7:19 am

  લઘરો ફિલ્મ બને તો ફૈલથવાના ચાન્સ નથી ,ટ્રાય કરો .

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment