હવાની જેમ જવું હો જો આરપાર જરા,
તું શોધી કાઢ, હશે ક્યાંક તો દરાર જરા !
વિવેક મનહર ટેલર

લા.ઠા. સાથે – ૦૪ – કવિવર નથી થયો તું રે – લાભશંકર ઠાકર

કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?
લઘરા તારી આંખોમાંથી ખરતાં અવિરત આંસુ
આંસુમાં પલળેલા શબ્દો
શબ્દો પાણીપોચા
પાણીપોચાં રણ રેતીનાં
પાણીપોચા રામ
પાણીપોચો લય લચકીને
ચક્રવાકને ચૂમે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?

લઘરા તારા કાન મહીં એક મરી ગયું છે મચ્છર
એ મચ્છરની પાંખો ફફડે
શબ્દો તારા થરથર થથરે
ફફડાટોની કરે કવિતા
કકળાટોની કરે કવિતા
પડતા પર્વતનો ભય તારા ભાવજગત પર ઝૂમે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?

શહીદ બનતાં બચી ગયો તું ખડક શબ્દના ખોદે
વાણીના પાણીની મનમાં પરબ માંડતો મોદે
અરે ભલા શીદ પરસેવાનું કરતો પાણી પાણી?
તું તરસ્યો છે એવી સાદી વાત હવે લે જાણી.
શબ્દો છોડી ખેતરને તું ખેડ
ડી. ડી. ટી. છાંટીને ઘરમાં અનાવિલને તેડ.
શબ્દોનો સથવારો છોડી
લય લંપટના તંતુ તોડી
ઘરઆંગણીએ શાકભાજીને વાવો
કવિવર ! વનસ્પતિ હરખાય અશુ કૈં પ્રેરક સંગીત ગાઓ
અને જુઓ આ રીંગણ મરચાં ગલકાં તૂરિયાં
આંખ સમીપે લટકે લૂમે લૂમે
કવિવર નથી થવું તારે
શીદને વિષાદમાં ઘૂમે?

– લાભશંકર ઠાકર

આ કવિને ખાસ વાંચ્યા નથી. અમૂર્ત કવિતા સમજાતી નથી. પરંતુ આ કવિતા સીધીસાદી અને ચોટદાર છે. વ્યંગાત્મક કાવ્ય છે છતાં અર્થગાંભીર્ય લગીરે ન્યૂન નથી.

(પહેલી નજરે અછાંદસ ભાસતું આ કાવ્ય કટાવ છંદમાં “ગાગાગાગા”ના ચાર અનિયમિત આવર્તનોના કારણે પોતીકો લય અને રવાની ધરાવે છે, ભલે કવિ ‘પાણીપોચો લય’ શબ્દ કેમ ન પ્રયોજતા હોય !)

4 Comments »

  1. vimala said,

    January 14, 2016 @ 5:41 PM

    લા. ઠા. સિવાય કોણ રચે આવું કાવ્ય?.
    આરંભે…..
    “કવિવર નથી થયો તું રે
    શીદને ગુમાનમાં ઘૂમે?”
    અને અંતે!!!
    “કવિવર ! વનસ્પતિ હરખાય અશુ કૈં પ્રેરક સંગીત ગાઓ
    અને જુઓ આ રીંગણ મરચાં ગલકાં તૂરિયાં
    આંખ સમીપે લટકે લૂમે લૂમે
    કવિવર નથી થવું તારે
    શીદને વિષાદમાં ઘૂમે?” વાહ્……

  2. “કવિવર નથી થયો તું રે” | Girishparikh's Blog said,

    January 14, 2016 @ 6:50 PM

    […] નથી થયો તું રે” કાવ્યની લીંકઃ https://layastaro.com/?p=13429 (All writings of Girish Parikh posted on this blog (www.GirishParikh.wordpress.com), and published […]

  3. ધવલ said,

    January 15, 2016 @ 8:43 AM

    ચોટદાર વાત ! ચોટ કરતી વખતે કવિનું નિશાન બહુધા પોતાની તરફ જ હોય છે…એ ખાસ વિશેષતા છે.

  4. Harshad said,

    January 15, 2016 @ 8:52 PM

    Like the way and flow of the Poetry goes. Not understood clearly but still it is a good narration.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment