ડૂબી છે જઇને નાવ અમારી ક્ષિતિજ પર,
દુનિયાનો ખ્યાલ છે કે પાર ઊતરી ગઇ.
મરીઝ

લા.ઠા. આજે નાઠા !

Labhshankar-Thakar

કવિ લાભશંકર ઠાકરનું આજે અવસાન થયું છે.

કોઇ બીજા કવિના મૃત્યુ માટે ‘નાઠા’ શબ્દ વાપરો તો ખરાબ લાગે. પણ લા.ઠા. માટે ‘નાઠા’ને બદલે બીજો કોઇ ‘ડાહ્યો’ શબ્દ વાપરો તો ખરાબ લાગે!

ખાલી ‘લા.ઠા.’ના નામથી ઓળખાતા આપણી ભાષાના તોફાની કવિ એક આગવું વ્યક્તિત્વ હતા.આધુનિક ગુજરાતી કવિતાને ઘડવામાં એમનો મોટો હાથ. ‘વહી જતી પાછળ રમ્યઘોષા’થી શરુ થયેલી એમની કાવ્યયાત્રા સમય જતા અમૂર્ત કવિતા તરફ જતી રહેલી. વીસ ઉપર કાવ્યસંગ્રહો. એક એકથી ચડિયાતા પ્રયોગો એમણે કર્યા. અમૂર્તને શબ્દમા અવતરવાની કોશિશ છેલ્લા વર્ષો સુધી ચાલુ રહી. એમની કવિતામાં એક જ નિયમઃ કવિતામાં કોઈ નિયમ ન હોય. એટલે જ એમની કવિતામાં બીજુ ભલે કંઇ સમજ પડે કે પડે, પણ ચાંદીની જેમ ચમકતી સચ્ચાઇ તરત જ દેખાઇ આવે.

આખી જીંદગી એમણે કાળજી રાખેલી કે રખેને પોતે એક સંસ્થા ન બની જાય. એ હેતુસર એમણે દરેક નિયમને તોડવાની સતત કોશિશ કરેલી. આદિલ મન્સૂરી અને બીજા મિત્રો સાથે ‘રે મઠ’માં સાહિત્યિક તોફાનોની આખી વણઝાર સર્જેલી. એક તબક્કે પુરસ્કારો સ્વીકારવાનું એમણે બંધ કરેલું. પછી લાગ્યું કે પુરસ્કારનો અસ્વીકાર કરવાની પણ પરંપરા બની જશે એટલે પુરસ્કાર સ્વીકારવાનું ચાલુ કરેલું.

કવિ ઉપરાંત અવ્વલ દરજ્જાના નાટ્યકાર. ‘પીળું ગુલાબ’ અને ‘બાથટબમાં માછલી’ એટલું જ કર્યુ હોત તો ય ઘણુ હતું. પણ લા.ઠા.એ એનાથી ઘણુ ઘણુ વધારે સર્જન કર્યુ. ઉત્તમ નવલકથાઓ અને નિબંધો પણ લખ્યા.

સદા અણીશુદ્ધ ચેતનાની શોધમાં વ્યસ્ત લા.ઠા. એ પોતાની જાત માટે એક કવિતામાં લખેલુંઃ

વધારાનું છે, સર.
દૂર કરવું છે, સર.
અતિશય અતિશય છે, સર.
ધૂન છે, ધામધૂમ છે, સર.

આમ
અર્થયુકત હોવું તે વધારાનું છે, સર.

આજે લા.ઠા. ખરેખર અર્થથી આગળ વધી ગયા છે.

*** ***

એમની કવિતાઓ લયસ્તરો પર.
– કવિને અંજલી ઃ બકુલ ટેલર (મુંબઇ સમાચાર),
– ગુજરાતી સાહિત્ય અકાદમીએ બનાવેલી એમના પરની એક નાનકડી ફિલ્મઃ

5 Comments »

 1. Girish Parikh said,

  January 6, 2016 @ 10:56 pm

  લાઠા વૈદ્ય હતા અને કવિ પણ હતા. મારા “આદિલના શેરોનો આનંદ” પુસ્તકમાં મેં આદિલનો આ શેર લીધો છે ને એના વિશે લખ્યું પણ છે;

  લાભશંકર ચિકિત્સકેય ખરા
  એ કહેશે કે ખાવ ચ્યવનપ્રાશ

 2. CHENAM SHUKLA said,

  January 7, 2016 @ 1:14 am

  જીવન-મરણના ચક્રમાંથી કોઈ બચી શક્યું નથી …પ્રભુ તેમની આત્માને શાંતિ અર્પે અને એમના સર્જનને વધુમાં વધુ લોકો માણે તેવી અભ્યર્થના ..

 3. Ketan Yajnik said,

  January 7, 2016 @ 8:00 am

  પ્રનામ્

 4. Rajendra Karnik said,

  January 7, 2016 @ 9:01 am

  લા.ઠા.આજે ના.ઠા. નાસે નહિઁ તો શુઁ કરે? ગુજરાતી ભાષાનું જે રીતે ધોવાણ થઇ રહ્યું છે, તે કોઇ પણ સર્જકને અસહ્ય વેદના ઉભી કરે છે. અરે, સર્જકને જ શા માટે મારા જેવા અદના આદમીને પણ અસહ્ય વેદના ઉભી કરે છે, અને ગુજરાતના શાશનનું પેટનું પાણીએ હાલતું નથી.? લા. ઠા.ના આત્માને શાંતી ઇચ્છવાની ન હોય તે તો મોક્ષ જ પામી ગયો છે.

 5. Chandrakant Gadhvi said,

  January 10, 2016 @ 2:28 pm

  લાભશન્કર નેી કવિતા ગુજરાતેી સાહિત્યમા ક્યારે ભુલાશે નહિ. ૧૪ જાન્યુ ઉતરાયન દિવસ- મુરબ્બેી શ્રેીિ વિનોદભાઇ હાસ્ય લેખકસાથે જન્મદિવસ . આયુર્વૈદના જાનકાર . ભગવાન ચરનો મા સ્થાન પામો.હાર્દિક પ્રાથ્રન્ના..ઓમ શાન્તિ..(૩)

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment