સજદામાં પડી જાઉં હું બળ દે ઓ બુઢાપા,
અલ્લાહ તરફ મારી કમર સહેજ ઝૂકી છે.
મરીઝ

જીવી ગયાં – નીતિન વડગામા

હું, તમે ને આપણે જીવી ગયાં
બંધ એવા બારણે જીવી ગયાં.

સાવ કોરા ઓરડા ને ઉંબરા,
સાવ સૂના આંગણે જીવી ગયાં !

હાડ તો થીજી ગયું’તું આખરે –
આંસુઓના તાપણે જીવી ગયા.

એમનો ભેટો ફરીથી ના થયો,
છેવટે સંભારણે જીવી ગયાં.

જે ટહુકતું એ ટપકતું આંખથી,
એમ ભીની પાંપણે જીવી ગયાં.

શ્વાસની સરહદ સુધી પ્હોંચ્યાં હતાં,
તોય પણ શા કારણે જીવી ગયાં ?

આમ અવલંબન હતું ક્યાં કાંઈ પણ ?
એક કાચા તાંતણે જીવી ગયાં !

– નીતિન વડગામા

આખેઆખી ગઝલ સંઘેડાઉતાર હોય એવું ભાગ્યે જ બનતું હોય છે. આ ગઝલ એવા સુખદ અપવાદોમાંની એક છે. બધા જ શેર ઊંડો વિચાર માંગી લે છે પણ હું મત્લાના શેરથી આગળ જઈ શકતો નથી. મત્લાનો શેર આપણામાંના કેટલા બધા લોકોની જાંઘ ઊઘાડી પાડે છે ! બંધ બારણાંની પાછળ આપણે એમ જ જીવન વગરનું જીવી જતાં હોઈએ છીએ.

2 Comments »

  1. KETAN YAJNIK said,

    January 22, 2016 @ 8:07 am

    બંધ બારણાની વાત તદ્દન સાચી છેકેમ જીવાયું તે જીવતર જાને।દિલ થી દિલ ની વાત થઇ ગઈ આહ થિ વાહ કેમ કહેવાય્

  2. Harshad said,

    January 30, 2016 @ 1:47 pm

    નિતીનભાઈ વાહ , ખૂબ જ સુન્દર રચના. મનની અન્દર ની વાત કહી. બહૂત ખૂબ !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment