સ્હેજ પણ વર્તાય ના ઉષ્મા કદી નિગાહમાં,
શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં.
વિવેક મનહર ટેલર

શણગારવાની હોય છે – દેવિકા ધ્રુવ

IMG_6473

જેવી મળી આ જીંદગી, જીવી જવાની હોય છે,
સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે.

આવે કદી હોંશે અહીં,ઇચ્છા ઘણી સપના લઇ,
માનો કે ના માનો બધી, તરસાવવાની હોય છે.

ના દોષ દો, ઇન્સાન કે ભગવાન યા કિસ્મત તમે,
પળ પળ અહીં દુલ્હન સમી, સત્કારવાની હોય છે.

જુઓ તમે આ આભને કેવી ચૂમે છે વાદળી,
કોને ખબર ક્ષણ માત્રમાં, તરછોડવાની હોય છે.

બાંધી મૂઠી છે લાખની,ખોલી રહો તો રાખની,
શાંતિભરી રેખા નવી, સરજાવવાની હોય છે.

પામી ગયા, એ પથ્થરો પૂજાય છે દેવાલયે,
બાકી રહેલી વાત શું સમજાવવાની હોય છે ?

હાથો મહીં જે આવતુ, ખોબો કરીને રાખજે,
પામો ખુશી,“દેવી” બધે, એ વ્હેંચવાની હોય છે.

– દેવિકા ધ્રુવ

સરળ અને સીધી ગઝલ. દોષ કોને દેવો એ શોધવાને બદલે, એક એક પળને દુલ્હનની જેમ સત્કારવાની વાત મનને અડી ગઈ.

3 Comments »

  1. Saryu Parikh said,

    December 17, 2015 @ 2:06 PM

    બહુ સરસ. જીંદગીને શણગારીએ ત્યારે જ એનું રૂપ ખીલી ઊઠે.
    સુંદર રચના.
    સરયૂ પરીખ્

  2. શૈલા મુન્શા said,

    December 17, 2015 @ 2:44 PM

    જેવી મળે જિંદગી એને શણગારવાની જ હોય છે, અને એ આપણા જ હાથમા હોય છે. સુખને ખોબામા ભરી રાખવાને બદલે જેટલું વહેંચશુ, એટલુ જ વધશે.
    ખુબ સુંદર અને ભાવભરેલી ગઝલ.

  3. pravina a> Kadakia said,

    December 17, 2015 @ 4:14 PM

    જીંદગી શણગારી ખુશી સહુને વહેંચશું તો

    જીંદગી જીવી ગયાની વાત વહેતી હોય છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment