ઈનકાર એના હોઠ ઉપર ધ્રુજતો હતો
અમને અમારી વાતનો ઉત્તર મળી ગયો.
મનહરલાલ ચોક્સી

અથાણું અને અંધકાર – મનીષા જોષી

મારા રસોડામાં ગોઠવાયેલી
જાતજાતનાં અથાણાંની બરણીઓ જોતાં
હું કંઈક વિચારે ચડી જઉં છું.
કાચી કેરીની ખટાશ, મુરબ્બાની મીઠાશ,
ગુંદાના ચીકણા ઠળિયા, કેરાની કડવાશ,
ચણા-મેથી-લસણની તીવ્ર ગંધ,
ખાંડેલું લાલ મરચું ને દળેલી પીળી રાઈ,
તમાલપત્ર ને ગોળ ને ઉપર સરસવનું તેલ.
અથાણું બરાબર મચ્યું છે,
અત્યારે, અડધી રાત્રે, આ ઘરમાં ફેલાયેલા અંધકારની જેમ જ.
મને ઊંઘ નથી આવતી
અને હું, એક પછી એક, જુદાં જુદાં અથાણાં
ચમચીમાં લઈને ચાખી રહી છું.
અગાશીએ કેરી સૂકવવા મૂકતી વેળા પગની પાનીએ લાગેલો તડકો
દઝાડી જાય છે મને, હજી અત્યારે,
અને પછી સાંજ પડ્યે
બહાર સૂકવેલી કેરી ઘરમાં લેતી વખતે
આકાશમાં ફેલાયેલી ઢળતા સૂરજની લાલાશ પણ
હું જોઈ શકું છું, અત્યારે, આ મધરાતે, મારી નિદ્રાહીન, ચોળાયેલી આંખોમાં.
આ અથાણાંને આખા વરસ સુધી સાચવી રાખતું તેલ,
મારી પણ જીવાદોરી છે.
તેલમાં ગળાડૂબ અથાણાંમાં
અકબંધ સચવાઈ રહે છે, અંધારું,
અને આ તેલ-મસાલાથી ભરપૂર
ખાટો, મીઠો, તૂરો સ્વાદ
સાચવી લે છે, મને પણ, અનેક અડધી રાતોએ.

– મનીષા જોષી

પાક્કી ગુજરાતી કવિતા. જે લોકો અથાણાંના સાચા શોખીન છે એ લોકોની સ્વાદેન્દ્રિય તો આ કવિતા વાંચતાવેંત જ સળવળાટ કરવા માંડવાની. પણ અલગ અલગ અથાણાં, અથાણાં ભરવા-સૂકવવા અને સમેટવાની કાવ્યાત્મક રીતો પતે પછી “આ અથાણાંને આખા વરસ સુધી સાચવી રાખતું તેલ, મારી પણ જીવાદોરી છે” – એમ કવયિત્રી કહે છે ત્યાંથી ખરી કવિતાની શરૂઆત થાય છે. અલગ અલગ સ્વાદનાં અથાણાં, તેલ, અંધકાર અને જીવન, જિજિવિષા, જીવાદોરી : કવિતાનો ગળચટ્ટો સ્વાદ વાંચ્યા પછી પણ લાંબો સમય જીભ પર રહી જાય એવો છે…

8 Comments »

 1. CHENAM SHUKLA said,

  November 20, 2015 @ 1:08 am

  આ તેલ-મસાલાથી ભરપૂર
  ખાટો, મીઠો, તૂરો સ્વાદ
  સાચવી લે છે, મને પણ, અનેક અડધી રાતોએ………..વાહ…
  કેટલી બારીક વાત છેલ્લી બે-ત્રણ લીટીમાં કરી નાંખી(અછાંદસની મઝા આ જ છે )

 2. સુનીલ શાહ said,

  November 20, 2015 @ 3:53 am

  waah…
  saras rachna

 3. KETAN YAJNIK said,

  November 20, 2015 @ 10:51 am

  સચવાઈ રહેવાની જીજીવેષા !

 4. Dhaval Shah said,

  November 20, 2015 @ 10:57 am

  અથાણુ ભોજન ના – અને જીંદગી ના – બંન્ને ના ફીક્કા સ્વાદને સાચવી લે છે.

  ચરબીમાં ડૂબાડીને રાખો તો જ અથાણું લાંબો સમય ટકે. અને એવું જ આપણા સંબંધોનું પણ. ચરબી ના insulation વિના બે-ચાર દિવસથી વધારે ટકે નહી.

 5. Vijay Shah said,

  November 20, 2015 @ 11:51 am

  સરસ કવિતા

 6. બે કાવ્યોની મઝા માણો !(ચતુર્શબ્દ મુક્તક) | Girishparikh's Blog said,

  November 20, 2015 @ 2:35 pm

  […] અને અંધકાર મુક્તકાવ્યની લીંકઃ http://layastaro.com/?p=13232 “મીઠાઈઓની તકરાર” બાલકથાગીતની […]

 7. pravInchandra shah said,

  November 20, 2015 @ 3:10 pm

  આતે અથાણું છે કે છે જીવનનું અમૃત?
  કદાચ અમૃત લાગે છે એક વર્ષ પુરતું.
  ના ના,એક વર્ષ નહીં.
  અથાણાં અને વરસોની હોડ લાગે છે.
  કેમ ખરુંને?

 8. Roberta said,

  December 13, 2015 @ 8:55 pm

  Well I guess I don’t have to spend the weekend finruigg this one out!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment