એક ક્ષણ જો યુધ્ધ અટકાવી શકો -
ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં…
માધવ રામાનુજ

ગઝલ – મનોજ ખંડેરિયા

તેજના રસ્તા ઉપર દોર્યો મને,
શગની માફક આપે સંકોર્યો મને.

મંજરીની મહેકના ભારે લચું
એક આંબો જાણે કે મ્હોર્યો મને.

ના નીકળતું આંસુ ભમરો થઈ ગયું,
એણે અંદરથી સખત કોર્યો મને.

આ બધા શબ્દોનું ચિતરામણ કરી
મેં જ આ કાગળ ઉપર દોર્યો મને.

ઠોઠને ઠપકો નજાકતથી દીધો,
તેં ગઝલ આપીને ઠમઠોર્યો મને.

– મનોજ ખંડેરિયા

કેવી અદભુત ગઝલ ! શગને યોગ્ય રીતે સંકોરવામાં ન આવે તો દીવો બરાબર પ્રગટી જ ન શકે. દરેકે-દરેક શેરનું નક્શીકામ એવું બારીક થયું છે કે આખી ગઝલ વારંવાર વાંચતા જ રહેવાનું મન થાય.

11 Comments »

 1. Ninad Adhyaru said,

  November 5, 2015 @ 12:54 am

  ના નીકળતું આંસુ ભમરો થઈ ગયું,
  એણે અંદરથી સખત કોર્યો મને.

  Waah

 2. Kaila Vikas said,

  November 5, 2015 @ 2:31 am

  વાહ સાહેબ

 3. KETAN YAJNIK said,

  November 5, 2015 @ 3:18 am

  “દોર્યો ” જે અર્થમાં લેશો તેની તેથી ગઝલ માનવ્વ્ન્ત મજા જ જુદી આવશે, વ્યથાજ જુદી હશે.
  અને હા, દીવો/ વાટ સળગે નહી પ્રગટે

 4. manish acharya said,

  November 5, 2015 @ 3:52 am

  સરસ ગઝલ છે.

 5. nirupam chhayay said,

  November 5, 2015 @ 6:32 am

  મનોજભાઈની ગઝલો અર્થગામ્ભીર્ય ધરાવે છે એની વધુ એક પ્રતીતિ આ ગઝલમાં પણ થાય છે.
  કવિ શબ્દો દ્વારા પોતાની સંવેદના વ્યક્ત કરે છે. પણ આખરે તો એક ચિતરામણ જ બની રહે છે. પણ એ ચિતરામણમાં વ્યક્ત થાય છે તો કવિ જ. અને કવિતા વાંચી , એનું ભાવન કરતો ભાવક એની સાથે જોડાઈ પોતાનું પણ દર્શન કરે છે.
  આ બધા શબ્દોનું ચિતરામણ કરી
  મેં જ આ કાગળ ઉપર દોર્યો મને
  કેવું સુંદર નકશીકામ છે !

 6. વિવેક said,

  November 5, 2015 @ 7:57 am

  @ કેતનભાઈ યાજ્ઞિક :

  આપની વાત સાચી છે. ભૂલ સુધારી લીધી છે… જો કે સુરતમાં મેં હંમેશા “દીવો સળગાવી દે” એવું જ સાંભળ્યું છે.,

 7. Mayur said,

  November 5, 2015 @ 8:11 am

  ઠોઠને ઠપકો નજાકતથી દીધો,
  તેં ગઝલ આપીને ઠમઠોર્યો મને.

  સુંદર

 8. પ્રકાશના પંથ પર … | Girishparikh's Blog said,

  November 5, 2015 @ 6:12 pm

  […] વિવેકે મનોજ ખંડેરિયાની અદભુત ગઝલ પોસ્ટ કરી છે. આખી ગઝલ ખૂબ જ ગમી — આ ત્રણ શેર વધુ ગમ્યાઃ તેજના રસ્તા ઉપર દોર્યો મને, શગની માફક આપે સંકોર્યો મને. આ બધા શબ્દોનું ચિતરામણ કરી મેં જ આ કાગળ ઉપર દોર્યો મને. ઠોઠને ઠપકો નજાકતથી દીધો, તેં ગઝલ આપીને ઠમઠોર્યો મને. મનોજ ગજબ ગઝલ-શિલ્પી છે — ઉત્કૃષ્ટ ગઝલકાર છે. પ્રાણ વાયુ છે એનો ગઝલ! મનોજની ગઝલોને અંગ્રેજીમાં અવતાર મળ્યા છે કે નહીં એની તો ખબર નથી પણ જો થયા હોત અને મનોજ એ વખતે જીવંત હોત તો એને નોબેલ પ્રાઈઝ મળ્યું હોત! નોબેલ પ્રાઈઝની કક્ષાની છે એની ગઝલો. ઉમેરું છું કે મનોજની ગઝલોનું અંગ્રેજીમાં ઉત્તમ અવતાર આપવાનું કામ સરળ નથી — પણ મનોજમય થઈને એ કાર્ય કરવામાં આવે તો વિશ્વસાહિત્યમાં મનોજની ગઝલો સહેલાઈથી સ્થાન મેળવે. આજે પ્રથમ શેર વિશે લખું છુંઃ મહાકવિ નાનાલાલની પંક્તિ યાદ આવીઃ ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. મનોજ કહે છે કે તેજના રસ્તા ઉપર માત્ર દોરવાથી કામ સરતું નથી — દીવાની દીવેટને જેમ સંકોરવી પડે છે જેથી દીપક ઝાંખો ન પડે એમ આપે મને સંકોર્યો છે. થોડા જ શબ્દોમાં કવિ કેવું અદભુત ચિત્ર આલેખે છે. આપણા માનસપટ પર એ અંકિત થાય છે અને આપણને પ્રકાશના પંથ પર પ્રવાસ કરવાની હામ આપે છે. શગની સંકોરાય એમ એ પ્રેરણા આપણને હુંફની ઉષ્મા આપે છે. મનોજ ખંડેરિયાની ગઝલની લીંકઃ http://layastaro.com/?p=13207 […]

 9. સર્જકના શબ્દોના ચિતરામણમાં કોણ છે ? | Girishparikh's Blog said,

  November 6, 2015 @ 11:18 pm

  […] છે. મનોજ ખંડેરિયાની ગઝલની લીંકઃ http://layastaro.com/?p=13207   ગઝલના પ્રથમ શેર વિશેના લખાણની લીંકઃ […]

 10. સુનીલ શાહ said,

  November 10, 2015 @ 9:09 am

  બહુ બારીક નકશીકામ સાથે સુંદર ગઝલ.

 11. મીઠ્ઠો ઠપકો ! | Girishparikh's Blog said,

  November 10, 2015 @ 6:49 pm

  […] માટે તો પ્રાણ વાયુ છે!… ગઝલની લીંક: http://layastaro.com/?p=13207   બન્ને શેરો વિશેના પોસ્ટની લીંક: […]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment