શબ્દને અર્થો હતાં, ઓગળી કલરવ થયાં,
મન, ઝરણ, પંખી બધું ક્યાં જુદું પરખાય છે!
રાજેન્દ્ર શુક્લ

ગઝલ – નેહા પુરોહિત

એક એરણ, કે પછી ઘણ, હોય એ આપો મને,
તોડવા સઘળાં જ સગપણ, હોય એ આપો મને.

છાતીમાં અંગાર ચાંપુ? હોઠ સળગાવું? કે શું?
આ તૃષાનું જે નિવારણ હોય, એ આપો મને.

રાતનું લઈ ચેન, આખો દિ’ જે આંસુ દઈ જતી,
એવી પ્રીતિનું વળામણ હોય એ આપો મને.

ભૂખનો મતલબ રહ્યો ના, ને તરસ કોઠે પડી,
શુષ્ક દરીયો કે સભર રણ, હોય એ આપો મને !

આજીવન દેતી રહી છું, આજીવન દેતી રહીશ,
એકદા આંસુ કે કંઈ પણ હોય એ આપો મને.

કૃષ્ણ માફક કોઇને તરછોડી દે, એ હું નથી,
ગાયધણ, વ્રજકણ કે માખણ… હોય એ આપો મને.

– નેહા પુરોહિત

સુન્દરમ્ ના ‘ઘણ ઉઠાવ મારી ભુજા’ની યાદ આપે એવા ઉઠાવ સાથે એરણ અને ઘણની માંગ સાથે ગઝલ પ્રારંભાય છે પણ અહીં કવયિત્રીને કશું જૂનું તોડી નવસર્જન અપેક્ષિત નથી. તમામ પ્રકારના સગપણથી તમામ મોરચે ત્રસ્ત થઈ ગયેલ મનુષ્યના હૈયાનો ભારોભાર આક્રોશ બીજા શેરમાં પણ તરસના નિવારણ માટે છાતી-હોઠ સળગાવવાના વિરોધાભાસ સાથે વધુ બળવત્તર બને છે. મુસલસલ કહી શકાય એવી આ રચનામાં આજીવન દેતા રહેવાની વાત અને કૃષ્ણની જેમ દગાબાજ ન હોવાની પ્રકૃતિ સ્ત્રીસહજ સંવેદન પણ ઉજાગર કરે છે.

8 Comments »

  1. નિનાદ અધ્યારુ said,

    November 6, 2015 @ 12:34 AM

    Khub saras gazal

  2. Neha said,

    November 6, 2015 @ 1:30 AM

    આભાર લયસ્તરો.

  3. Vikas Kaila said,

    November 6, 2015 @ 3:38 AM

    વાહ વાહ
    સાહજિક રીતે જ વાહ સરી પડ્યુ…

  4. CHENAM SHUKLA said,

    November 6, 2015 @ 6:14 AM

    છાતીમાં અંગાર ચાંપુ? હોઠ સળગાવું? કે શું?
    આ તૃષાનું જે નિવારણ હોય, એ આપો હવે…વાહ્..

  5. KETAN YAJNIK said,

    November 6, 2015 @ 6:36 AM

    બધું હોવા છતાં કશું ન હોવાનો વલોપાત કે વલવલાટ
    વેદનાનો જ્વાળામુખી, વડવાનલ કે iceberg
    ઈશ્વર આવું કોઈને ન આપે અને આપે તો સાથે સહનશક્તિ !

  6. Rajul said,

    November 6, 2015 @ 9:30 AM

    Sundar gazal..bija sher ma type bhul chhe.. raddif.. mane ni jagya e have..

  7. Harshad said,

    November 6, 2015 @ 10:27 AM

    Awesome creation. Thank you Neha for always giving something better.

  8. Nirupam chhaya said,

    November 6, 2015 @ 10:41 AM

    Pida ane aakroshni samantar sanvedana pragat karti GHAZAL

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment