ગળે મળતો રહું છે પ્રેમથી જે પણ મને અહીંયા મળે,
હું એ આલિંગનોમાં દરઅસલ આલિંગનોને શોધું છું.
વિવેક મનહર ટેલર

તમે તો ધારી લીધું છે ને – ચંદ્રા

તમે તો ધારી લીધું છે ને કે હું
માત્ર ભીના રૂમાલ, લાલ ગુલાબ અને ઉઝરડા વિશે જ લખું છું
કાં તો ડિસ્પ્રિન વિશે લખીશ
ને બહુ બહુ તો તૂટ્યાં ચંપલ, વિત્યો સમય ને અધૂરાં કાવ્યો વિશે.
જોરથી વરસાદનો એક છાંટો પડવાથી
દરિયાઈ મોજામાં પડેલ ગોબામાં ડૂબેલા વિષયને
હું ના જ લખી શકું, કેમ!?
બે દિવસ પે’લા
દાદીમાએ ત્રોફાવેલ છૂંદણામાંથી મેં એક મોર ચોરી લીધો
ને એના ગળામાંથી ટહૂકો ખેંચી કાઢીને ફંગોળ્યો
તો હવામાં ‘યુ આર સો રોમેન્ટિક’ ના ક્રિસ્ટલ ક્લિઅર પડઘા ઊડવા
માંડ્યા
હજી ગઈ કાલે રાતે જ,
કિ-બૉર્ડ પર ફરી વળેલ અક્ષરો પાછા એકઠા થઈને
કાંઈક કાવતરું કરતા રંગે હાથ પકડાયા,
મને જોતાવેંત કહે, ‘રૂમાલ આપો તો રડવું છે’
આ તો ખાલી વાત થઈ,
બાકી આજે સવારે જ પાડોશીની સંસ્કાર ચૅનલમાંથી એક હકીકત
રવેશ પર આવી ચડી, ‘વ્યક્તિ જે ધારે તે કરી શકે’
ને આમેય તમે તો ધારી જ લીધું છે ને કે હું…..

– ચંદ્રા

ચંદ્રા તળાવિયા કોલેજમાં પ્રાધ્યાપિકા છે અને વિદેશી સાહિત્યના ઊંડા ભાવક પણ. એટલે અનુઆધુનિક કવિતા અને જૉન ડૉનની મેટાફિઝિકલ પોએટ્રીની પરિકલ્પનાઓ એમના શબ્દોમાં સતત વમળાતાં અનુભવાય તો નવાઈ નહીં.

“તમે તો ધારી લીધું છે ને” ~ આ પ્રથમોક્તિ પ્રસ્તુત રચનાનો દરવાજો છે. આ દરવાજો જરા માટે ચૂક્યા નથી કે કોઈ બીજા જ ઘરમાં તમે ઘૂસ્યા નથી. કવિતા આવી હોવી જોઈએ, કવિતા તેવી હોવી જોઈએ, કવિતામાં કાવ્યતત્ત્વ તો હોવું જ જોઈએ, કવિતાનો કોઈક અર્થ તો હોવો જ જોઈએ, કવિતા આમે કે તેમ – આવી એકેય પૂર્વધારણા મનમાં રાખી નથી કે તમે આ કવિતામાંથી “આઉટ” થયા નથી.

તમામ પ્રકારના, I repeat, તમામ પ્રકારના ‘માઇન્ડ સેટ’ બાજુએ મૂકીને જ તમે કવયિત્રી શું કહેવા માંગે છે એ સમજી શકશો. આ માણસ તો આમ જ કરી શકે અને આ માણસ તો તેમ જ – એવી ધારણાઓમાં આપણે આપણી આસપાસના દરેક વ્યક્તિને તો બાંધી જ દેતાં હોઈ છીએ પણ આપણે પોતે પણ આપણા પોતાના વિશે આવા જ વાડા રચી દેતાં હોઈએ છીએ.

કવયિત્રી બહુ સિફતપૂર્વક અલગ-અલગ સંદર્ભોથી ધારણાઓની વિશાળ દુનિયા તરફ ઇંગિત કરે છે અને એક બાહોશ કલાકારની જેમ સમાંતરે જ પોતાની ખૂબી પણ છતી કરતાં જાય છે. સરવાળે આસ્વાદ્ય રચના.

6 Comments »

 1. nehal said,

  September 26, 2015 @ 8:29 am

  Beautiful, like an abstract paiting

 2. rasikbhai said,

  September 26, 2015 @ 9:45 am

  ધારવા કર્તા પન સુન્દર .અભિનન્દન્.

 3. KETAN YAJNIK said,

  September 26, 2015 @ 10:02 am

  ધારોકે એક સાંજ આપણે મળ્યા પણ આખા આયખાનું શું? આ તમે ધારી લીધું અને અમે ધરી લીધું એમાં જ એમ જ રમત પતિ ગઈ

 4. CHENAM SHUKLA said,

  September 28, 2015 @ 3:23 am

  ખુદને કેટલુય ધારી લેવું પડે તેવું લખાણ છે …ચંદ્રાને અભિનંદન

 5. kiran said,

  September 28, 2015 @ 8:35 am

  અતિ સુદર

 6. Harshad said,

  September 30, 2015 @ 7:59 pm

  Sunder. Sachu kahu to sharuatni panktio vanchata am lagyu ke Jane Kajal Oza Vaidyano koi article vanchi rahyo hou.

  Chandraben, khub j sunder.Aapani rachana mane khub j gami. Dhanyavaad.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment