સુખ જેવું જગમાં કંઈ નથી, જો છે તો આ જ છે,
સુખ એ અમારા દુ:ખનો ગુલાબી મિજાજ છે.
જલન માતરી

સ્વચ્છ આકાશ – મનીષા જોષી

કોઈક સુસ્ત સાંજે

આકાશમાં અચાનક દેખાઈ જતા

મેઘધનુષને જોઈને

સહેજ ચીડ ચડે છે.

શું હવે આ મેઘધનુષ પર

લપસણીની જેમ સરકવાનું ?

કે આ રંગોને ઓળખવાનો ઢોંગ કરવાનો ?

રંગ સાપેક્ષ કે નિરપેક્ષ,

એ વિચાર પણ હવે વ્યર્થ લાગે છે.

અત્યારે તો હું માત્ર એટલું જ ઈચ્છું છું કે

મારી બારીની બહાર મને દેખાય

એક કોરું, સ્વચ્છ, ખાલી આકાશ.

એટલું ખાલી એટલું સફેદ

કે મારી આંખો એમાં શોધી શકે

વર્ષો પહેલાં

મારી સાવ પાસેથી થઈને

ઊડી ગયેલા

એ સફેદ પક્ષીને.

.

-મનીષા જોષી

ખૂબીપૂર્વક રૂપક વાપર્યા છે અહીં. મેઘધનુષ્ય એટલે સફેદ પ્રકાશનું સંતાન. સફેદ પ્રકાશ શાશ્વત છે,મેઘધનુષ્ય ક્ષણજીવી છે.

આ ચાવી વાપરીને કાવ્યને વિવિધ રીતે માણી શકાય…..મેઘધનુષ્ય એટલે ક્ષણજીવી સંબંધો, સફેદ પ્રકાશ એટલે એક દિલનો સંબંધ. વળી કવિયત્રીની આંખો શોધે છે સફેદ આકાશમાં ઊડી ગયેલું સફેદ પક્ષી – અહીં એક વધુ ચમત્કૃતિ છે. કોઈક કારણોસર ભૂતકાળનો એક અતિસંવેદનશીલ સંબંધ કે જેમાં ક્યાંક કોઈક કારણોસર વાચા દગો આપી ગઈ હતી, હૈયાની વાત હોઠે આવી શકી નહોતી, અને એ અમૂલ્ય ક્ષણ હંમેશ માટે લુપ્ત થઇ ગઈ હતી – તે પાત્રને,તે ક્ષણને આ તરસી આંખો શોધ્યા કરે છે…..સતત…..

4 Comments »

 1. KETAN YAJNIK said,

  August 30, 2015 @ 4:01 am

  “ઝંખના”. કોશિશ ” “વેદના ” કે ” કિનારે આવીને “” સાવ સ્વ્ચ્છ આકાશ” માં સપ્ત રંગી મેઘ્ધાનુંશનું સફેદ રંગમાં ” બદલાવવાથી” શું પ્રશ્ન બદલાવ્વવાનો છે? કે પછી एज वक्रोक्ति पुनरपि जननम् पुनरपि मरणम् !

 2. Harshad V. Shah said,

  August 30, 2015 @ 7:25 am

  good poem

 3. Rajnikant Vyas said,

  August 31, 2015 @ 1:00 am

  ખૂબ ભાવવાહિ ગીત.

 4. Dhaval Shah said,

  September 4, 2015 @ 8:37 am

  બળકટ અભિવ્યક્તિ. ‘સફેદ આકાશ’ અને ‘સફેદ પક્ષી’ રૂપકો કવિતાને ભારોભાર ધાર કાઢી આપે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment