પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં
ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વહાણોનો કાફલો !
મુકુલ ચોકસી

સાંજ હીંચકા ખાય .. – અનિલ જોશી

ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
સાંજ હીંચકા ખાય
ને ઊડતી ધૂળનું થાય વાદળું એવું તો ઘનઘોર કે જાણે ધણની ગાયું –
કણકણ થઇને ગોરજમાં વિખરાય.

સાવ અચાનક કાબર-ટોળું ડાળ ઉપરથી ઊડ્યું ને ત્યાં એક પાંદડું તૂટ્યું
વડલાનાં લીલાં પાન વચાળે લાલચટક આકાશ થઇને લાલ પાંદડું ફૂટ્યું
ધૂળની ડમરી ચડતાં એમાં ચક્કર ચક્કર ફરતાં મારા શૈશવના કણ –
પાદરમાં ઘૂમરાય.
ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
સાંજ હીંચકા ખાય.

ખડના પૂળા લઇ હાથમાં પાછા વળતા લોકવાયરે ઊડતી જાય પછેડી
ઘઉંના ખેતર વચ્ચે થઇને સીમપરીની સેંથી સરખી ગામ પૂગતી કેડી
ધીમે ધીમે ખળાવાડમાં કમોદની ઊડતી ફોતરીઓ વચ્ચે થઇને
સાંજ ઓસરી જાય.
ધણ છૂટ્યાની ઘંટડીઓનાં ઝાંઝર પહેરી વડલાની વડવાઇ ઝાલીને –
સાંજ હીંચકા ખાય…

-અનિલ જોશી

શું classic ગીત છે !!!

7 Comments »

 1. KETAN YAJNIK said,

  July 29, 2015 @ 3:36 am

  બે અન્તીમોની વચ્ચેનું ગીત તે પણ લયમાં !

 2. Sureshkumar G. Vithalani said,

  July 29, 2015 @ 12:20 pm

  What a superb ‘ Geet ‘ ! Or is it a wonderful painting of an evening in a village?

 3. Jayshree said,

  July 29, 2015 @ 4:02 pm

  મારું ખૂબ જ મનગમતું ગીત.!! અને એનું તો સ્વરાંકન પણ મજાનું થયું છે.. – ગુજરાતીઓ ‘તારી આંખનો અફીણી’ અને ‘કસુંબીનો રંગ’ સાંભળવાથી ધરાય તો કદાચ કલાકારો ને આવા મઝાના ગીતો સંભળાવવાની તક મળે…

 4. વિવેક said,

  July 30, 2015 @ 2:30 am

  અદભુત ગીત…

 5. Hitesh Topiwala said,

  August 1, 2015 @ 8:59 am

  આ ગીત ક્યા આલ્બમમા છે?

 6. Harshad said,

  August 7, 2015 @ 9:49 pm

  Beautiful creation. Like it.

 7. Shivani Shah said,

  September 16, 2017 @ 8:08 pm

  કેવું અનોખું ઝાલરટાણાનું શબ્દચિત્ર દોર્યું છે કવિએ આ રચનામાં- રેખાઓ, રંગો, ઘંટડીઓનો રણકાર અને સંતોષકારક , ઉધ્યમી દિવસને અંતે ઘર તરફ પ્રયાણ કરતાં જે આરમની લાગણી વરતાય એ બધાની અનુભૂતિ આ કાવ્ય વાંચતા થાય છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment