દુ:ખોનાં દળમાં એ બળ ક્યાં કે જિંદગી અટકે!
સુખોનું સ્વપ્ન અને સાંત્વન ચલાવે છે.
રઈશ મનીઆર

એક સવાર – અનિલ જોશી

એક ઝાડને લાલ કીડીએ ચટકા એટલા ભરિયા કે તે બની ગયું ગુલમહોર !
પાંખ વીંઝતો ડાળ ઝુલાવી કાકડિયો કુંભાર ઊડ્યો કે આખેઆખા જંગલમાં કલશોર.

વાદળાં હતાં તે બધાં વરસી ગયાં હવે પાણીમાં નથી રહ્યાં જૂથ;
કાગડાના માળામાં તરણાં હતાં તે કહે : ‘સૂગરીની ચાંચ, મને ગૂંથ’
કાબરચીતરી ભોય ઉપરથી સાવ અચાનક ઊડ્યાં તણખલાં અટવાયાં જઈ થોર
એક ઝાડને લાલ કીડીએ ચટકા એટલા ભરિયા કે તે બની ગયું ગુલમહોર !

લૂગડાં માફક ક્યાંક સૂકાતું તિરાડના ચિતરામણ પહેરી કાદવિયું મેદાન;
નીલ ગગનમાં કુંજડીઓની હાર લગોલગ ધુમાડાની કેડી પાડી ઊડતું એક વિમાન…
સ્હેજ અમસ્તી ડાળ હલી કે પડછાયાના હડસેલાથી ફર્રક કરતો ખડી ગયો ખડમોર !
એક ઝાડને લાલ કીડીએ ચટકા એટલા ભરિયા કે તે બની ગયું ગુલમહોર !

– અનિલ જોશી

એક સવારનું આવુંં મજાનું લયબદ્ધ વર્ણન જડવું મુશ્કેલ છે… કવિના કેમેરામાં ઝાડ, સવારમાં ઊઠતાં પંખીઓ, વાદળ, મેદાનથી માંડીને વિમાન સુદ્ધા આવી જાય છે અને સરવાળે આપણને હાથ લાગે છે એક મજાનું ગીત… સવાર જ નહીં, આખો દિવસ અજવાળી દે એવું…

7 Comments »

 1. Rajnikant Vyas said,

  July 3, 2015 @ 3:18 am

  કવિની કલ્પનાઓ અલૌકિક, ઉપમાઓ બેમિસાલ અને રચના અદ્ભૂત!

 2. harish vyas said,

  July 3, 2015 @ 5:24 am

  ખુબ સરસ કવિતા રુપક સરસ

 3. એક સવાર – અનિલ જોશી | વિજયનું ચિંતન જગત- said,

  July 3, 2015 @ 9:00 am

  […] http://layastaro.com/?p=12878 […]

 4. ravindra Sankalia said,

  July 3, 2015 @ 10:10 am

  ઉગતા પરોઢનુ આવુ વર્ણન કશે વાચ્યુ નથી. બેમિસાલ.

 5. ketan yajnik said,

  July 3, 2015 @ 10:25 am

  ક્રૌંચ વધને કારને વાલ્મિકીએ વહેતો મુકેલો શ્લોક ફરી કવિ હૃદયને ટટોલી જાય છે કોઈ ચટકે ગુલમહોર થઇ જવાય છે આ સમી સાંજની વાત નથી.
  સવાર સવારમાં
  હરીન્દ્રભાઈ યાદ આવે છે.” લોહીનું “સ્યાહી “માં રૂપાંતર એટલે કવિતા

 6. Minky shaikh said,

  July 3, 2015 @ 11:48 am

  Fantastic.

 7. Maheshchandra Naik ( Canada) said,

  July 3, 2015 @ 10:15 pm

  સરસ……..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment