કરચલી પથારીની રાત આખી જાગી,
કે બટકેલી ઈચ્છાઓ પડખામાં વાગી.
વિવેક મનહર ટેલર

પ્રવાસમાં ! – ગની દહીંવાળા

મને થતું : ઢળી પડીશ હું અમુક શ્વાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

હસી રહી’તી મંજિલો, તજી ગયો’તો કાફલો
થઇ રહ્યો’તો રાત-દિન દિશાઓનો મુકાબલો
ઊઠી ઊઠીને આંધીઓ તિમિ૨ હતી પ્રસારતી
રહી રહીને જિંદગી કોઇને હાક મારતી

મને થતું કે કોણ એને લઇ જશે ઉજાસમાં?
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

ખરી જતાં ગુલાબને હવે ઝીલીશું ખોબલે
ઊડી જતી સુવાસને સમાવી લેશું અંતરે
ખડા થઇ જશું, વહી જતાં સમયની વાટમાં
ભરીશું હર્ષનો ગુલાલ, શોકના લલાટમાં

મને થતું કે ફેર કંઇ પડે હ્ર્દયની પ્યાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

વિકીર્ણ સોણલાંઓને વિવિધ રીતે સજાવશું
ઠરી ગયેલ ઊર્મિને હ્રદય-ઝૂલે ઝુલાવશું
હવે કદી પવિત્ર જળ ધરા ઉપર નહિ ઢળે
નયન-સમુદ્રથી જગતને મોતીઓ નહિ મળે

મને થતું : વસાવું આ સુવર્ણને સુવાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

તમે જ રાહ ને તમે જ રાહબર હતા ભલા ?
તમે જ શું દશે દિશા? તમે જ તૃપ્તિ ને તૃષા ?
ખરું પૂછો તો ‘આદિ’થી હતી તમારી ઝંખના
અદીઠને અનેકવાર મેં કરી છે વંદના

મને થતું કે એ જ છે હ્રદયની આસપાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

– ગની દહીંવાળા

3 Comments »

 1. ધવલ said,

  February 23, 2015 @ 11:01 am

  મને થતું : ઢળી પડીશ હું અમુક શ્વાસમાં
  ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

  મને થતું કે એ જ છે હ્રદયની આસપાસમાં
  ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

  – સરસ !

 2. ketan yajnik said,

  February 24, 2015 @ 12:51 am

  આ-ભાર માનવાની અભિવ્યક્તિ કેવી રીતે વ્યક્ત કરું?
  દુવા કુંબુલ હો!

 3. Shah Pravinachandra Kasturchand said,

  February 24, 2015 @ 2:32 pm

  ગનીભાઈતો મારા પ્રિય ગઝલકાર અને આ ગઝલતો મારી પ્રિય ગઝલ.

  શોધતો’તો હું તને દૂર દૂર દિવસના ઉજાશમાં
  અને કરી બંધ આંખ તો તું હતી મારી પાસમાં

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment