મને લૂંટી જ લે છે, જ્યારે જ્યારે આવે છે
આ તારી યાદ છે કે ગામનો તલાટી છે ?
વિવેક મનહર ટેલર

નેણ ના ઉલાળો – હરીન્દ્ર દવે

નેણ ના ઉલાળો તમે ઊભી બજાર
અહીં આવે ને જાય લાખ લોક,
મરકે કો ઝીણું, કોઈ ઠેકડી કરે ને વળી
ટીકીટીકીને જુએ કોક.

અમથા જો ગામને સીમાડે મળો તો તમે
ફેરવી લિયો છો આડી આંખ,
આવરો ને જાવરો જ્યાં આખા મલકનો
ત્યાં આંખ્યુંને કેમ આવે પાંખ !
લાજને ન મેલો આમ નેવે કે રાજ
અહીં આવે ને જાય લાખ લોક.

નેણના ઉલાળામાં અવું કો ઘેન
હું તો ભૂલી બેઠી છું ચૌદ લોક,
પગલાં માંડું છું હું તો આગળ, ને વળીવળી
પાછળ વંકાઈ રહે ડોક,
આવી ફજેતી ના હોય છડેચોક
અહીં આવે ને જાય લાખ લોક.

-હરીન્દ્ર દવે

ઘણીવાર એમ થાય કે અમુક કવિઓ જો થયા જ હોત તો આવા રળિયામણા ગીત કોણ લખતે !!!!!

9 Comments »

 1. Mukesh Vora said,

  February 2, 2015 @ 3:07 am

  અમથા જો ગામને સીમાડે મળો તો તમે
  ફેરવી લિયો છો આડી આંખ,

  વાહ વાહ હરિન્દ્ર ભાઇ!

  મન ૨૫ વરસ નુ જુવાન થૈ ગયુ.
  મુકેશ વોરા

 2. Rajnikant Vyas said,

  February 2, 2015 @ 3:12 am

  હરીન્દ્રભાઇના ગીતો માણવા એ લ્હાવો છે. આભાર તીર્થેશભાઇ.

 3. kishoremodi said,

  February 2, 2015 @ 8:21 am

  સ્વાભવિક ગીત. કટોકટી વેળા લખેલ ગઝલો પ્રેમપૂર્વક “જનશક્તિ” માં પ્રકટ કરીને મને ખૂબ જ ઉપકૃત કરેલો.એમને મારા નમન.

 4. હરીન્દ્ર દવે (ચતુર્શબ્દ મુક્તક) | Girishparikh's Blog said,

  February 2, 2015 @ 2:49 pm

  […] http://layastaro.com/?p=12530 […]

 5. Jayshree said,

  February 2, 2015 @ 3:55 pm

  હરીન્દ્ર દવેના આમ તો મોટાભાગના ગીતો ગમતીલા… પણ આ તો એકદમ ખાસ..!!

  આવું જ એક બીજું મઝાનું – માંડ રે મળી છે અલ્યા ઉજ્જડ આ સીમ, આમ અળગો અળગો તે શીદ ચાલે… એનું સ્વરાંકન પણ પરેશ ભટ્ટે ખૂબ જ મઝાનું કરું છે.

  આ ગીત કોઇ સ્વરબધ્ધ કરે એની વર્ષોથી રાહ જોઉં છું!

 6. Harshad said,

  February 2, 2015 @ 7:46 pm

  સરસ ! કાવ્ય ખૂબ જ ગમ્યુ.

 7. M.D.Gandhi, U.S.A. said,

  February 2, 2015 @ 11:34 pm

  બહુજ સુંદર ગીત….
  ૧૯૬૦-૧૯૬૫ આસપાસ મુંબઈની ભવન્સ કોલેજના હોલમાં, ગુજરાતી સુગમ સંગીતના કાર્યક્રમમાં એક ગાયિકાએ ગાયેલું, ત્યારનો વાગોળતો હતો, આ ગીત ક્યાં મળે….!!! અને લો મળી ગયું….!!! ગાયિકાબહેને એટલું ભાવપુર્વક અને માધુર્યથી ગાયેલું, હજીયે મનમાં યાદ છે…. બહુજ સુરીલું ગીત….

  જો સ્વરબધ્ધ હોય તો જરૂરથી ફરીથી મુકશો….

 8. Darshana bhatt said,

  February 3, 2015 @ 1:57 pm

  હરીન્દ્રભાઈ તો પ્રેમના કવિ ! મજાનું ગીત.
  ” તમે થોડું ઘણું સમજો તો સારું “…કૌમુદી મુનશીના મધુર
  સ્વરમાં ગવાયેલુ તેમના બીજા ગીતની યાદ અપાવી ગયું.

  Sent from http://bit.ly/fpsmm6

 9. Shah Pravinachandra Kasturchand said,

  February 3, 2015 @ 3:00 pm

  બહુ સુંદર્,ખૂબ સુંદર, અતિ સુંદર, સુંદર,સુંદરતર,સુંદરતમ.
  આપને બીજા વિશેષણો સૂઝે તો આમાં ઉમેરવાનું આ મારું નિમંત્રણ છે.
  હમણાં સામે મળે તો કોટે વળગી પડું.પણ હવે તો થોડા વર્ષોમાં ઉપર જાઉં ત્યારે કોટે વળગી પડીશ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment