આપણાથી ક્યાંય પહોંચી ના શકાયું,
આપણે અટકી રહ્યાં હોવાપણામાં.
- વિવેક મનહર ટેલર

ગઝલમાં તબીબ, હકીમ અને વૈદ -સંકલન

બે વર્ષ પહેલાં ડૉક્ટર્સ ડેનાં દિવસે આપણા એક વ્હાલા તબીબે આપણને ‘ગઝલમાં દર્દ અને દવા’ નું ખૂબ જ મજાનું પ્રિસ્કીપ્શન આપ્યું હતું. પરંતુ આજે મને થયું કે આજે આપણે જ આ બંને તબીબ-મિત્રોને સરપ્રાઈઝ-પ્રિસ્કીપ્શન આપી દઈએ તો?!!

પહેલાં થયું કે ‘ગઝલમાં દર્દ અને દવા’નો ભાગ-3 બનાવું… પછી થયું કે એ ડૉક્ટરે તો મારા માટે કોઈ પણ શેરની દવા જ નથી રહેવા દીધી, હવે નવા શેર ક્યાંથી લાવું?!! તો વિચાર આવ્યો કે તબીબ, હકીમ કે વૈદવાળા શેર શોધીએ… પરંતુ ખોજ કરતા ખ્યાલ આવ્યો કે આ તો દર્દ અને દવા કરતાં અડધા શેર પણ ના મળ્યાં… પણ કંઈ નહીં મિત્રો, આપણે સૌ ભેગા મળીને શોધીએ અને એમને અર્પણ કરીએ… તમે સૌ મને શોધવા લાગશો ને?!!

મને મળેલા તબીબ/હકીમ/વૈદ નાં આટલા શેર આપણા વ્હાલા ડૉક્ટર-મિત્રો વિવેક અને ધવલને સપ્રેમ અર્પણ તથા અન્ય સૌ ડૉક્ટર-મિત્રોને પણ… અને ખાસ કરીને તમામ તબીબ-કવિ-મિત્રોને સપ્રેમ અર્પણ…!! વળી આજે વિવેકની હોસ્પિટલની આઠમી વર્ષગાંઠ પણ છે તો એ માટે વિવેકને ખાસ અભિનંદન.

સૌથી પહેલાં એકદમ તાજા શેર, જે ગૌરાંગભાઈએ ખાસ લખી મોકલ્યો છે… (જે મને આ તબીબ-મિત્રોને ખાસ કહેવાનું મન થાય છે! 🙂 )

હું ય પાસે રહીમ રાખું છું,
દોસ્ત મારો હકીમ રાખું છું.
-ગૌરાંગ ઠાકર

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને.
-બેફામ

દર્દ દેખી જો હૃદય ગદગદ નથી,
વૈદ! તારી ભાવના ભગવદ નથી.
-અગમ કોસંબવી

તું તબીબો જેમ માપે છે હૃદયનાં ઘાવને,
તું ગમે તે કર હવે આ દર્દ પકડાશે નહીં.
-અશરફ ડબાવાલા

અય હકીમો જાવ, દુનિયામાં દવા મારી નથી,
હું ઈશ્કનો બિમાર છું, બીજી કંઈ બિમારી નથી.
-અહમદ આકુજી સુરતી ‘સીરતી’

પોતે તબીબ છું પણ મારો ઈલાજ ક્યાંથી ?
વર્ષોથી સંઘરેલા રોગો મને ગમે છે.
-રઈશ મનીઆર

તારો ને મારો મેળ નહીં ખાય ઓ તબીબ,
મુજને પડી દરદની, તને સારવારની
શૂન્ય પાલનપૂરી

તબીબ જ સમજી શકશે દર્દ જાણી એમ આવ્યા છો,
તમારી સામે બેઠો છે પરંતું માનવી કોઈ.
-વિવેક ટેલર

એ મટે ના તો તબીબનો દોષ શો,
છે ઘણા દર્દો પીએ દવા તું એકલો.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

એ દર્દ કે જેને મેં પાળ્યું છે જતનથી,
મુજને તબીબ માફ કર એની ન દવા યાદ.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

તું તબીબ મિથ્યા પ્રયાસો છોડી દે નિદાનના
વેદના જુની થઈ ગઇ એટલે ભારી નથી.
-મુહમ્મદઅલી ભૈડુ ‘વફા’

અંતે શૂન્ય પાલનપુરીનાં બે મુક્તકો…

પીડા શમી ગયાનું કદી છળ નહીં કરે,
સેવાના કોઈ યત્નને નિષ્ફળ નહીં કરે,
સુંદર તબીબ હોય તો એક વાતનો છે ડર,
સજા થવાની કોઈ ઉતાવળ નહીં કરે.
-શૂન્ય પાલનપુરી

તબીબોને કહી દો કે માથું ન મારે,
દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં હું એવો રોગી છું જેને,
બહુ સારી પેઠે દવા ઓળખે છે.
શૂન્ય પાલનપૂરી

*

…અને હા મિત્રો, આ ડૉક્ટર્સ ડે પર ‘ગાગરમાં સાગર’ પર ડૉ.મધુમતી મહેતાનું ‘વૈદ મળ્યાં’ ગીત કાવ્યપઠન સાથે માણવાનું તેમ જ ‘ટહુકો’ પર ડૉ.અશરફ ડબાવાલાની અછાંદસ રચના SCHIZOPHRENIA વાંચવાનું પણ ચૂકશો નહીં હોં…!

23 Comments »

  1. Hitesh Rawal said,

    July 1, 2008 @ 1:44 AM

    હું યે પાસે રહીમ રાખું છું,
    દોસ્ત મારો હકીમ રાખું છું.

    ખુબ સરસ………

  2. વિવેક said,

    July 1, 2008 @ 1:58 AM

    સુંદર સંકલન….

    સહુ વાચકમિત્રોને મારા તરફથી ડૉક્ટર્સ ડે તથા વિશ્વ ડાયાબિટીસ દિનની હાર્દિક શુભકામનાઓ…

  3. pragnaju said,

    July 1, 2008 @ 9:38 AM

    હું યે પાસે રહીમ રાખું છું,
    દોસ્ત મારો હકીમ રાખું છું.
    -ગૌરાંગ ઠાકરનો સુંદર શેર તથા ફરી ફરી માણવાનું મન થાય તેવા શેરોનું સંકલન
    સહુ દર્દે ઈશ્કે ગઝલ મરીઝોને ડૉક્ટર્સ ડે તથા વિશ્વ ડાયાબિટીસ દિન મુબારક

  4. ધવલ said,

    July 1, 2008 @ 10:06 AM

    Thanks ઊર્મિ…

    જવાબમાં (મોટેભાગે મુકુલભાઈનો) આ શેર… જે હું વારંવાર ટાંકુ છું…

    અચ્છી બાત હૈ અચ્છે તબીબ હોના, અચ્છે મરીઝ હોના ભી અચ્છી બાત હૈ;
    અચ્છી બાત હૈ કી ગીરતોં કો થામ લે, ગીર કે સંભલના ભી અચ્છી બાત હૈ.

  5. Lata Hirani said,

    July 2, 2008 @ 4:29 AM

    મને એક શેર યાદ આવે છે…

    બધાયે દરદની દવા યાદ આવી
    મને આજ મારી મા યાદ આવી..

    શાયરનું નામ મારી પાસે ક્યાંક લખેલું છે, અત્યારે યાદ નથી..

    સરસ સંકલન.. અભિનંદન

  6. Lata Hirani said,

    July 2, 2008 @ 4:35 AM

    વિવેકભાઇ અભિનંદન..

    અમારે માંદા પડવાની કેવી નિરાંત….

  7. Lata Hirani said,

    July 2, 2008 @ 7:39 AM

    અચાનક ફરીથી જ મા યાદ આવી
    બધાયે દરદની દવા યાદ આવી.
    અહમદ મકરાણી

  8. વિવેક said,

    July 2, 2008 @ 8:46 AM

    એક શેર આવો જ મરીઝનો પણ છે:

    મુહબ્બતના દુઃખની એ હદ આખરી છે,
    મને મારી પ્રેમાળ મા યાદ આવી

    પહેલી કડીમાં થોડી ગરબડ રહી ગઈ છે. કોઈ સુધારી આપે તો ગમશે. (નહીંતર કાલે હું જાતે જ સુધારી લઈશ!!!)

  9. RAZIA MIRZA said,

    July 2, 2008 @ 10:12 AM

    આજે હું પણ લખવા ઇચ્છીશ કે…
    “તારી પાસે મારી દવા નથી ઓ તબીબ !
    દવા તો છે મારી, મારા હબીબ પાસે”

  10. Gaurang Thaker said,

    July 2, 2008 @ 10:24 AM

    વિવેકભાઈ…
    મુહબ્બતના દુઃખની આ અંતિમ હદ છે.
    મને મારી પ્રેમાળ મા યાદ આવી.

  11. prajapari jitendra said,

    July 2, 2008 @ 10:24 PM

    nice dil ne aanand thai gayo

  12. sunil shah said,

    July 3, 2008 @ 10:08 AM

    . સરસ સંકલન..અભીનંદન.

  13. વિવેક said,

    July 4, 2008 @ 1:50 AM

    આભાર, ગૌરાંગભાઈ…

  14. Jina said,

    July 5, 2008 @ 4:07 AM

    ખૂબ ખૂબ અભીનંદન વિવેકભાઈ!!

    એક શેર મને પણ યાદ આવે છે…

    હદ થી વધ્યું જો દર્દ તો કોઠે પડી ગયું
    પીડા વધી ગઈ તો રાહત થઈ ગઈ…

    (જેવું યાદ આવ્યું તેવું લખ્યું છે.. કંઈ સુધારો હોય તો કહેજો…)
    – જીના

  15. વિવેક said,

    July 5, 2008 @ 4:54 AM

    પ્રિય જીના,

    મિર્ઝા ગાલિબનો લબ્ધપ્રતિષ્ઠ શે’ર છે:

    रंज से खूँगर हुआ ईन्साँ तो मीट जाता है रंज,
    मुश्किलें मुझ पर पडी ईतनी कि आसाँ हो गई ।

    આપે ટાંકેલો શેર હૂબહૂ આ શેરનો છાંદસ અનુવાદ લાગે છે.

    એક બીજો પણ ગાલિબનો જ શેર યાદ આવે છે:

    हसरते-कतरा है दरियामें फ़ना हो जाना,
    दर्द का हद से गुजरना है दवा हो जाना ।

  16. ઊર્મિ said,

    July 5, 2008 @ 6:41 PM

    આપની દરિયાદીલી કોઈ ના સમજ્યું ‘રમેશ’,
    ડૉક્ટરો પણ ખિન્ન થઈ બોલ્યા હૃદય પહોળું થયું.

    -રમેશ પારેખ

  17. Pinki said,

    July 6, 2008 @ 3:41 AM

    ઊર્મિ સરસ સંકલન….

    વિવેકભાઈને પણ હોસ્પિટલની વર્ષગાંઠ માટે અભિનંદન ….

  18. anil chavda said,

    July 19, 2009 @ 4:15 AM

    Raisbhai Tamari gazalo Vachta Khub maja pade 6, Suratni Kavitani Shan, Andaje Bayaan Or

  19. Ravi Nadiya said,

    October 26, 2009 @ 6:29 PM

    ઍક તબિબનિ પાછળ જાણે કેવો હુ પાગલ થયો,
    સહિસલામત હતો, છતા તેને માટે હુ ઘાયલ થયો,
    જાણ નથી મારા દર્દોની, નથી જાણ કે મારા ઘાવ છે શુ ?
    કરી તપાસ પછી ફકત એક દવાનુ હુ કાગળ થયો…

    Ravi Nadiya.

  20. જયેન્દ્ર ઠાકર said,

    March 25, 2011 @ 9:40 AM

    મરિઝે હઝલ છું કે ગઝલ તેની ખબર નથી
    જાણું એટલું કે આની કોય દવા કે દુવા નથી!

  21. VISHNU BHALIYA said,

    February 27, 2012 @ 3:39 AM

    ખુબ સુંદર છે

  22. મદહોશ said,

    March 23, 2012 @ 2:39 AM

    ખુબ ખુબ આભાર. હુઁ પણ એક ડોક્ટર છુઁ. બહુ જ સરસ સન્કલન છે.

  23. jaldhi bhatt said,

    June 27, 2016 @ 3:02 AM

    તબિબોય જાનિ ગયા રોગ મારો,,,
    દવા મા લખિ દિધેી ઝાકલ નિ પ્યાલેી…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment