તારા ઉપર ન ભાર ખુલાસાનો આવી જાય
આ મૌન માત્ર એટલા ખાતર ઉપાડિયે
મનોજ ખંડેરિયા

ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ – સૌમ્ય જોશી

પઠન – સૌમ્ય જોશી

[audio:http://tahuko.org/gaagar/bhagvan_mahavir.mp3]

 

આ સ્યોરી કેવા આયો સું ન ઘાબાજરરિયું લાયો સું
હજુય દુઃખતું હોય તો લગાડ કોન પર ન વાત હોંભર મારી.
તીજા ધોરણમો તારો પાઠ આવ છ : ‘ ભગવોન મહાવીર’.
અવ ભા ના પાડતા’તા તોય સોડીન ભણાવા મેલી મોંડમોંડ.
તે ઈણે ઈસ્કૂલથી આઈને પથારી ફેવરી કાલ.
ડાયરેક્ટ ભાને જઈન કીધું
ક આપડા બાપ-દાદા રાક્ષસ તો મહાવીરના ભગવોનના કોનમાં ખીલા ઘોંચ્યા.
હવ ભાની પરશનાલિટી તન ખબર નૈ,
ઓંખ લાલ થાય એટલે શીધ્ધો ફેંશલો.
મને કે’ ઇસ્કૂલેથી ઉઠાડી મેલ સોડીન.
આ તારા પાઠે તો પથારી ફેરવી હાચ્ચન.
હવ પેલાએ ખીલા ઘોંચ્યા ઈ ખોટું કર્યું મુંય માનું સું.
પણ ઈન ઓછી ખબર હતી તું ભગવોન થવાનો
ને તીજા ધોરણમાં પાઠ આવવાનો તારો
ઈનું તો ડોબું ખોવાઈ જ્યું તો ગભરાઈ જ્યો બિચારો
બાપડાના ભા મારા ભા જેવા હશે
આ મારથી ચંદી ખોવાઈ જઈતી તો ભા એ ભીંત જોડે ભોંડું ભટકઈન બારી કરી આલી’તી ઘરમોં
તો પેલાનું તો આખું ડોબું જ્યું તારા લીધે
દિમાગ બરાબર તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલા
વોંક ઈનો શી. હાડીહત્તર વાર ખરો
પણ થોડોક વોંક તારોય ખરોક નઈ ?
અવ બચારો ચ્યોંક જ્યો
તો બે મિનિટ આંશ્યું ફાડીન ઈનું ડોબું હાચવી લીધું હોત તો શું તું ભગવોન નો થાત ?
તારું તપ તૂટી જાત ?
અવ ઈનું ડોબુંય ઈનું તપ જ હતુન ભઈ ?
ચલો એય જવા દો
તપ પતાઈન મોટો મા’ત્મા થઈન બધાન અપદેસ આલ્વા મંડ્યો પસીય તન ઈમ થ્યું ક પેલાનું ડોબું પાસું
અલાઉં ?
તું ભગવોન , માર તન બઉ સવાલ નહીં પૂસવા
મુ ખાલી એટલું કઉસું ક વોંક બેયનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીન પેલો પાઠ કઢાયન ચોપડીમથી
હખેથી ભણવા દેને મારી સોડીન
આ હજાર દેરાં શી તારાં આરસનાં તો એક પાઠ નઈ હોય તો કંઈ ખાટુંમોરું નઈ થાય.
તોય તન એવું હોય તો પાઠ ના કઢાઈસ બસ
ખાલી એક લીટી ઉમેરાય ઈમોં
ક પેલો ગોવાળિયો આયો’તો,
સ્યોરી કઈ જ્યો સ,
ન ઘાબાજરિયું દઈ જ્યો સ.

– સૌમ્ય જોશી

કદાચ આમાં કાવ્ય ક્યાં છે એમ જરૂર કોઈ પૂછી શકે, પરંતુ જે છે તેની સુંદરતા તો જુઓ…….!

23 Comments »

  1. RAKESH said,

    December 1, 2014 @ 3:07 AM

    Superb!

  2. piyush s shah said,

    December 1, 2014 @ 3:30 AM

    વાહ વાહ..

    અદભુત સૌમ્ય ભાઈ..! તળપદી ભાષામાં અત્યંત રસાળ રચના / કાવ્ય….

    દીકરી ને માંડ માંડ ભણવા મોકલનાર ગોવાળિયા ની વેદના પરોક્ષ રીતે વય્ક્ત થઇ છે… ભગવાન ને આજીજી કરી ને પણ જો છોકરી ભણાવી શકે તેવી તલપ ને હજાર વંદના..!

    મજા પડી ગઈ..!

  3. jignesh said,

    December 1, 2014 @ 5:31 AM

    જ્યારે કોઇ પણ ઐતિહાસિક બનાવો પર કંઇ પણ કહેવું હોય ત્યારે પૂરેપૂરા તથ્યો જાણી લેવા જરુરી થઇ પડે છે. જ્યાં સુધી ભગવાન મહાવીરની વાત છે ત્યા સુધી, મહાવીરે ક્યારેય ઉપર જણાવેલી ઘટના માટે ગોવાળનો વાંક કાઢ્યો નથી. તેમણે હંમેશા કર્મની જ વાત કરી છે. કરેલા કર્મનું સારુ-નરસુ ફળ દરેકને મળે જ છે. અને અહી પણ મહાવીરે પોતાના કર્મને જ કારણ માન્યુ છે. જૈન ધાર્મિક ગીતો (સ્તવનો) માં ઉપરોક્ત ઘટનાનુ વર્ણન આવે છે તેમા પણ ગીતકારોએ ધ્યાન રાખ્યુ છે કે તેમા કોઇ ગોવાળને દોષી ન માની લે. કેટલીક પંક્તિઓ આ મુજબ છેઃ
    કાનમાં ખીલા નાખ્યા જ્યારે,
    થઇ વેદના પ્રભુજીને ભારે,
    તોય પ્રભુજી શાંત વિચારે,
    ગોવાળનો નહી વાંક લગારે……..
    આ સ્પષ્ટતા કોઇ ચર્ચા માટે નથી પરંતુ હકીકતદોષ નીવારવાનો એક પ્રયાસ માત્ર છે. આભાર.

  4. Dhaval Shah said,

    December 1, 2014 @ 7:44 AM

    મધમીઠી ભાષા.. સરસ કવિતા !

  5. Chandresh Thakore said,

    December 1, 2014 @ 11:24 AM

    ભગવાન પર પણ થોડુક દોષારોપણ કરીને ગોવાળિયાને માફ કરવાનો કવિનો આદેશ (તો ભૂલચૂક લેવીદેવી કરીન પેલો પાઠ કઢાયન ચોપડીમથી) દાદ માંગી લે છે …

  6. vijay joshi said,

    December 1, 2014 @ 1:38 PM

    Thank God! A poet is not an historian otherwise we will miss
    wonderful reinterpretation such as this. Here are a few quotes…

    Poetry is the spontaneous overflow of powerful feelings: it takes its origin from emotion recollected in tranquility.
    William Wordsworth

    Poetry is finer and more philosophical than history; for poetry expresses the universal, and history only the particular.
    Aristotle

  7. Shah Pravinachandra Kasturchand said,

    December 1, 2014 @ 3:11 PM

    ગામડાની ગામઠી તળપદી ભાષા દાદ માગી લે તેવી છે.પણ હવે આ જમાનામાં કેટલાં સમજશે?
    સાથે સાથે આ યુગમાં ઘણાં બધાં સમજી શકે એ માટે અર્વાચીન ગુજરાતી શબ્દોમાં પણ લખી હોતતો કેટલું ઉત્તમ થાત? દા. તરીકેઃકાવ્યની પહેલી બે પંક્તિઓ લો અને અર્વાચીન ગુજરાતીમાં એજ વાંચી જુઓઃ

    “આ સ્યોરી કેવા આયો સું ન ઘાબાજરરિયું લાયો સું
    હજુય દુઃખતું હોય તો લગાડ કોન પર ન વાત હોંભર મારી.ઃ

    આ સોરી કહેવા આવ્યો છું અને ઘાબાજરિયું લાવ્યો છું
    હજુંયે દુઃખતું હોય તો લગાડ કાન ઉપર ‘ને વાત સાંભર મારી.

    આ કવિતા બીજા લાખો લોકોએ માણી હોત.
    ગામઠી તળપદી જે સમજે છે તેઓતો કવિ ઉપર વરસી પડશે એમાં નવાઈ નથી.

    અંતમાં, સૌમ્યભાઈ,
    વાહ કવિ વાહ કહ્યા વિના રહેવાય તેમ નથી.

  8. Shah Pravinachandra Kasturchand said,

    December 1, 2014 @ 3:33 PM

    ‘ને વાત સાંભર મારી.
    આ ‘સાંભર’ને બદલે ‘સાંભળ’ વાંચવું.

  9. kanu.jani said,

    December 2, 2014 @ 1:00 AM

    આ તો કઈ તળપદી બોલી છે? કોઈ પણ પ્રદેશમાં આવી બોલી નથી જ બોલાતી.કન્ટેન્ટ સારું છે..પણ ભાષાની આવી મશ્કરી?

  10. Dhara Dave said,

    December 2, 2014 @ 1:49 AM

    બહુ જ સરસ… ગામડા ના માણસો કેટલા નિર્દોષ હોય છે….

  11. વિવેક said,

    December 2, 2014 @ 8:36 AM

    હકીકતમાં આ વાંચવાની કવિતા છે જ નહીં… આ કવિતા ખરા અર્થમાં કાનની કવિતા છે… સૌમ્યને આ કવિતા વાંચતા સાંભળો એ ઘડી એ એના આજન્મ પ્રેમમાં પડી જવાય એની હું ગેરંટી આપવા તૈયાર છું…

  12. વિવેક said,

    December 2, 2014 @ 8:41 AM

    આ કવિતા સૌમ્ય જોશીના અવાજમાં અહીં સાંભળવા મળશેઃ

    http://tahuko.com/?p=9539

  13. Jayshree said,

    December 2, 2014 @ 9:27 AM

    I am surprised this wasn’t there on layastaro yet. When I posted this on tahuko with recitation in Saumya Joshi’s voice, it got some interesting comments in favor and against the poetry. Would you like to include the recitation here?

  14. વિવેક said,

    December 3, 2014 @ 12:31 AM

    @ જયશ્રી:

    નેકી ઓર પૂછપૂછ ?

  15. Shah Pravinachandra Kasturchand said,

    December 3, 2014 @ 1:46 PM

    કનુભાઈ,
    આ ગુજરાતી ગામઠી તળપદી ભાષા જ છે.
    મેં મારું બાળપણ ગુજરાતના એ વર્ષોમાં ફક્ત સાડાચારસો માણસોની વસ્તિ ધરાવતા ગામડામાં વિતાવ્યું છે અને તે પણ આવી બોલી બોલીને.કદાચ તમે એ સાંભળી નહીં હોય.ખાસ કરીને રબારી અને ભરવાડ કોમ બરાબર આમ જ બોલતી હતી અને એમની સાથે મારે આવી ગામઠી તળપદી ભાષામાં જ બોલચાલ થતી.
    મારો આ ખુલાસો વાંચીને કંઈ મનદુઃખ થાય તો માફી માગું છું.

  16. અમર વશી said,

    December 3, 2014 @ 10:07 PM

    મને ગમ્યું ;-
    જેઠાએ મહાવીરનેય વિચાર કરતા કરી મૂક્યા.
    હવ પેલાએખીલા ઘોંચ્યા ઇ ખોટું કર્યું; મુંય માનું સું
    પણ ઇન ઓસી ખબર હતી ક તું ભગવૉન થવાનો
    વૉંક ઇનો શી. હાડીહત્તરવાર ખરો પણ થોડોક વૉંક તારોય ખરોક નઇં?
    …… …. …….તો શું તું ભગવૉન નો થાત. તારું તપ તૂટી જાત.
    ……. ……. ……. પસીય તન ઇમ થ્યું ક પેલાનું ડોબું પાસું અલાઉં?

  17. beena said,

    December 5, 2014 @ 12:37 AM

    પ્રતિભાવ
    સુંદર કાવ્ય.
    મહાવીર ધ્યાનમાં હતા એટલે ડોબાને સાચવવાની ગોવાળની વાત એમને કાને ન પડી.
    ગોવાળે ગુસ્સો કર્યો તો મહાવીરે સ્વીકાર્યું કે તે સમય ની માંગ પ્રમાણે બધા એક બીજાના આટલા કામ કરતા હતા .એટ લે મહાવીરે એટલું કામ કર્યું જ હોત. એટલે ગોવાળે ગુસ્સમાં આવી ને કાનમાંખીલા ઠોક્યા એ ગોવાળને તો મહાવીરે તરત જ ક્ષમા આપી જ દીધી પણ મહાવીર વીરોમાં મહાન હતા માટે ગોવાળને થએલા નુકસાન બદલ પણ દીલથી ક્ષમા માંગી .મિચ્છામિ દુકડમ. માટે જ મહાવીર ગણાયા. આ ઐતિહાસિક વાત થઈ.
    કવિતા હવે આવે છે કે મહવીરની ક્ષમા અને પ્રેમ એટલા સંપૂર્ણ હતા કે હીલીંગ સહજ હતું. મહાવીર કાને બહેરા તો ના જ થયા અને તેઓને તો હીલીંગ થઈ જ ગયું. પણ સાચું હીલીંગ તો આ કાવ્યમાં બતાવ્યું છે તેમ ગોવાળીયો ઘાબાજરિયું લઈને ક્ષમા માંગેછે.: ક્ષમામાં એ તાકાત છે કે તે વેરને પસ્તાવામાંબદલી શકે છે.
    ક્ષમા સાચે જ ખૂબ હીલીંગ પાવરધરાવે છે. ઈસુએ તેને શુળી પર ચડાવનારાઓને દીલ થી ક્ષમા આપી અને ઈસુ મૃત્યુ પછી ફરી જીવતા થઈ ગયા અને મઝા તો જૂઓ કે જુડાસ ને પોતાની ભૂલ સમજાઈ અને એણે આત્મ હત્યા કરી લીધી.
    પ્રેમ એ વેર, દ્વેશ, આક્રોશ, વાયલંસ , આક્રમકતા, ટેર રીઝમ નો ઉપચાર છે .
    આ કાવ્યમાં ઘાબાજરિયું લાવનાર ના અશ્રુઅનુભવાય છે એ કાવ્યની સુંદરતા છે
    અભિનંદન સૌમ્ય ભાઈ

  18. beena said,

    December 5, 2014 @ 12:55 AM

    તા . ક.
    ગોવળને એ વાત પણ સાચી લાગે છે કે સ્વ ધર્મ બજાવવો એ પણ તપ જ છે. માટે મહાવીર ને થોડુંક સંભળાવી પણ દે છે. સૌથી સુંદર તો મને એ લાગ્યું કે મારી દિકરી ભણી શકે માટે પાઠ કઢાવી નાખા જે , અને પાઠ કઢાવી ના નાખે તો એટલિસ્ટ એ રીમાર્ક લખાવજે કે સોરી કીધું અને ઘાબાજરીયું લઈ આવ્યા હતા. ભૂલ્ચૂક લેવી દેવી , આ એક સંસ્કાર માં ઊંડી ઊતરેલીવાત છે કે અભણ ગોવાળ પણ એવું નથી ઈચ્છ્તો કે એની દિકરી મા-બાપ વિશે ખોટી સમજ કેળવે. ક્ષમા માત્ર મહાવીર નથી કરતા પણ પોતાનું ડોબું ગુમાઈ જાય તો આટલું મોટું નુકસાન થાય , બાપની વઢ ખાવી પડે તો પણ આખરે જા તને માફ કરી દઈએ છીએ . આ એક કોમની ,આખા સમાજ માં ઊંડી રહેલી સમજ નું કાવ્ય છે. મને ખૂબ ગમ્યું. (મને બહુ ઓછા કાવ્યો ખરેખર ગમે છે )

  19. saravaiya said,

    December 16, 2014 @ 5:10 AM

    સુંદર અનુભુતી યુક્ત કવિતા બિલ્કુલ મારા પોતાના ટોનમાં થયેલ રચના અને તળપદી બોલીની મિઠાશ સૌમ્ય ભાઇ ધ્ન્યવાદ

  20. Janak M Desai said,

    February 9, 2015 @ 6:04 PM

    આ ભાષા ચોક્કસ પણે ઉત્તર ગુજરાતમાં બોલાતી હતી. હું પાલનપુરી છું. બનાસકાંઠામાં આ કાવ્યમાં વપરાયેલા અનેક શબ્દો નિયમિત બોલાતા હતા.
    આયો
    સું
    કોન
    હોંભર
    ધોરણમો
    સોડીન
    મોંડમોંડ.
    ઈણે
    ઈસ્કૂલથી
    આઈને
    ભાને
    ઘોંચ્યા.
    નૈ
    ઓંખ
    ઉઠાડી મેલ
    જ્યું
    જ્યો
    જઈતી
    આલી’તી
    ઘરમોં
    વોંક
    હાડીહત્તર
    ખરોક
    નઈ
    હાચવી
    આલ્વા
    મંડ્યો
    પસીય
    તન
    ઈમ
    થ્યું ક
    અલાઉં
    ભગવોન
    બઉ
    પૂસવા
    મુ
    કઉસું

    હખેથી
    દેરાં

  21. smita parkar said,

    March 13, 2015 @ 4:25 AM

    વાહ ,,,,ખુબ મજા આવિ…..કેત્લિ નિર્દોશ્તા ચ્હે કવિતા મા ….ખુબ ગમ્યુ …ઃ))

  22. tapan said,

    March 23, 2017 @ 10:24 AM

    આ શું બકવાસ છે? ભગવાન નવરો છે ડોબા સાચવવા ? કારણ વિના કોઈ કામ સોપી જાય અને જેમાં પાછી હા પણ ન કીધી હોય એના માટે ખીલ્લા ખોસી જાય ને તોય વાંક ભગવાનનો ? અને ઓય ભગવાનની કરુણતા તો જુઓ.એણે ક્યારેય ભરવાડ નો વાંક નથી કાઢ્યો . કળા ના નામે ઐતિહાસિક તથ્યો સાથે આવી નિમ્ન કક્ષાની મજાક ? પાછું પૂછે છે કે તું ભગવાન થવાનો હતો એની એને ખબર નતિ. તે અલા ભાઈ,કોઈ સાદો માણસ હોય એને ય કોઈ કારણ વિના ખીલા મરાય?

  23. વિવેક said,

    March 24, 2017 @ 1:32 AM

    @ તપનભાઈ:

    પ્રતિભાવ બદલ આભાર પણ મને લાગે છે કે આપ કવિતાનું ખરું હાર્દ જ ચૂકી ગયા છો… ખરી કવિતા કવિએ લખેલા શબ્દોની વચ્ચેની ખાલી જગ્યામાં લખાયેલી હોય છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment