કંઈ કેટલા બનાવમાં જીવન વીતી ગયું
તારી ને મારી વાત બસ બાકી રહી અને…
– મેગી આસનાની

ગીત – વિનોદ જોશી

તું મીંઢળ જેવો કઠ્ઠણ
.                  ને હું નમણી નાડાછડી !
તું શિલાલેખનો અક્ષર
.                  ને હું જળની બારાખડી !

એક આસોપાલવ રોપ્યો,
તેં આસોપાલવ ફળિયે રોપ્યો તોરણમાં હું ઝૂલી,
તું અત્તરની શીશી લઇ આવ્યો પોયણમાં હું ખૂલી;

તું આળસ મરડી ઊભો
.                  ને હું પડછાયામાં પડી !

એક પાનેતરમાં ટાંક્યું,
મેં પાનેતરમાં મોતી ટાંક્યું પૂજ્યાં તેં પરવાળાં,
મેં શ્રીફળ ઉપર કંકુ છાંટ્યું પૂછ્યા તેં સરવાળા;

તું સેંથીમાં જઈ બેઠો ને હું પાંપણ પરથી દડી !

– વિનોદ જોશી

“તું આમ ને હું આમ”ની લોકગીતની ચાલમાં ચાલતું ગીત પણ એક-એક કલ્પન પાસાદાર. મને જળની બારાખડી સ-વિશેષ ગમી ગઈ… સાહ્યબો સાદા પથ્થર પરનો અક્ષર નહીં, શિલાલેખ પરનો અક્ષર છે. કેવું કલ્પન! શિલાલેખ પરનો અક્ષર એટલે સદીઓ વીતી જાય તોય ન બદલાય એવો. અને જળની બારાખડી ! કોઈ એક પળેય એ સ્થિર રહી શકે? વાહ ! વાહ ! વાહ !!

4 Comments »

  1. Sandip Bhatia said,

    October 25, 2014 @ 9:00 AM

    ગુજરાતી ભાષાની નજાકતને વિ.જો. પૂરેપૂરી ખોલી આપે છે. આ ગીતમાંતો કશુંય દુર્બોધ કહી શકાય એવું નથી. બધુંજ દીવા જેવું સ્પષ્ટ છે. પણ એમની ઘણી રચનાઓમાં અને ઘણી પંક્તિઓમાં એવું બને કે અર્થબોધ હજી પૂરેપૂરો થયો ન હોય પણ ભાષા અને ફોનેટીક્સનું ધોધમાર લાવણ્ય તમને, મૂકને અર્થની ઝંઝટ, કહેતું ક્યાંને ક્યાંય તાણી લઇ જાય. … મારું ગમતીલું ગીત. ..આભાર !

  2. Manish V. Pandya said,

    October 25, 2014 @ 9:01 AM

    સુંદર.

  3. M.D.Gandhi, U.S.A. said,

    October 25, 2014 @ 2:20 PM

    સુંદર ગીત છે…………

  4. વિવેક said,

    November 3, 2014 @ 1:04 AM

    @ સંદીપ ભાટિયા:
    ખૂબ સરસ રીતે આપે મૂલવણી કરી આપી… આભાર !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment