આ મારા હાથમાં ખાલીપણાંના ફૂલો છે
કહે તો આપણો આ આજમ્હાલ શણગારું.
– રમેશ પારેખ

આવ્યા છે – હર્ષદ ચંદારાણા

ગરજતા મેઘ, ગાતાં વાદળાં ઘનઘોર આવ્યાં છે,
નવાં કૈં ગીત લઈને કેટલા ટાગોર આવ્યા છે.

હતું નભ સાવ ખાલીખમ, અડકતા પીંછી વાદળની,
થયું એ વહાલનો કાગળ, આ એવા પ્હોર આવ્યાં છે.

પડે માથે ને ચમકાવે, મને વિહ્વળ કરે છાંટા,
પહેરી મેઘ-ધનુનાં વસ્ત્ર એ ચિત્તચોર આવ્યા છે.

મને આ ચૂપ ભાળીને, ફરી ગાતો કરી દેવા,
પવન, વરસાદ, વાદળ, વીજ, ચારેકોર આવ્યાં છે.

અમે ઓવારણાં લીધાં, હૃદયમાં બેસણાં દીધાં,
અમારે દ્વાર, જળનું રૂપ લઈ ઠાકોર આવ્યાં છે.

– હર્ષદ ચંદારાણા

વાત તો એ જ છે. વરસાદની. વર્ષાઋતુની. પણ જે કમાલ છે એ અંદાજે-બયાંનો. ઘનઘોર વાદલ ગરજતો મેઘ લઈને આવે એ એક-એક વાદળમાં કવિને ક્યારેક કવિવર ટાગોર દેખાય છે તો ક્યારેક વહાલનો કાગળ લખતી કલમ નજરે ચડે છે.

ચાટુક્તિભરી સપાટબયાની અને સભારંજની એકવિધતાના ખાબોચિયામાં ડૂબવા પડેલી ગઝલ વિશે ચિંતિત થવાની ક્ષણે આવી કોઈ રચના હાથ લાગે ત્યારે સહજ હાશકારો અનુભવાય.

11 Comments »

  1. નિનાદ અધ્યારુ said,

    October 22, 2015 @ 12:48 AM

    મને આ ચૂપ ભાળીને, ફરી ગાતો કરી દેવા,
    પવન, વરસાદ, વાદળ, વીજ, ચારેકોર આવ્યાં છે.

    મસ્ત

  2. Harshad said,

    October 22, 2015 @ 9:04 AM

    સુન્દર ગઝલ.

  3. yogesh shukla said,

    October 22, 2015 @ 12:54 PM

    ગરજતા મેઘ લઈને વાદળાં ઘનઘોર આવ્યાં છે,
    નવાં કૈં ગીત લઈને કેટલા ટાગોર આવ્યા છે.
    વાહ ,,,વાહ ,,કવિ શ્રેી ,…

  4. Dipak Naik said,

    October 22, 2015 @ 1:26 PM

    અમારે દ્વાર શબ્દનું રૂપ લઇ ઠાકોર આવ્યા છે.

  5. Sureshkumar G. Vithalani said,

    October 22, 2015 @ 5:14 PM

    Very Nice Gazal. Congratulations to Harshadbhai Chandarana. Thank you for sharing.

  6. vimala said,

    October 22, 2015 @ 7:03 PM

    “અમે ઓવારણાં લીધાં, હૃદયમાં બેસણાં દીધાં,
    અમારે દ્વાર, જળનું રૂપ લઈ ઠાકોર આવ્યાં છે.”

  7. જોઈએ છેઃ ગુજરાતી સાહિત્યને કેટલાક ટાગોર ! | Girishparikh's Blog said,

    October 22, 2015 @ 10:48 PM

    […] હર્ષદ ચંદારાણાની ગઝલની લીંકઃ https://layastaro.com/?p=12092 […]

  8. Girish Parikh said,

    October 23, 2015 @ 1:03 AM

    ચંદારાણા “આવ્યા છે”.
    નવી ગઝ્લને લાવ્યા છે.

  9. Rajnikant Vyas said,

    October 23, 2015 @ 2:30 AM

    મમળાવવી ગમે એવી ગઝલ.

  10. Poonam said,

    October 23, 2015 @ 2:51 AM

    મને આ ચૂપ ભાળીને, ફરી ગાતો કરી દેવા,
    પવન, વરસાદ, વાદળ, વીજ, ચારેકોર આવ્યાં છે.
    મસ્ત…

  11. Pushpakant Talati said,

    October 30, 2015 @ 7:43 AM

    ખુબ જ સરસ, – આ ફક્ત પાંચ કડીઓ ની રચના નથી પણ ખરેખર તો પચ્ચીસ કડીઓ ની રચના છે.
    કારણકે ઉપરની ત્રણ + ત્યારબાદની છેલ્લી બે = પાંચ
    પરન્તું છેલ્લી બે જે નીચે મુજબ છે તે તો બે નહી પણ બાવીસ બરાબર છે તેથી ત્રણ + બાવીસ = પચ્ચીસ

    મને આ ચૂપ ભાળીને, ફરી ગાતો કરી દેવા,
    પવન, વરસાદ, વાદળ, વીજ, ચારેકોર આવ્યાં છે.

    અમે ઓવારણાં લીધાં, હૃદયમાં બેસણાં દીધાં,
    અમારે દ્વાર, જળનું રૂપ લઈ ઠાકોર આવ્યાં છે.

    ખુબ જ સરસ રચના. – રચનાકારને અભિનન્દન તથા શ્રી વિવેકભાઈ નો આભાર – પુષ્પકાન્ત તલાટી.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment