ભીતરે વૈશાખ છે આઠે પ્રહર,
ને અષાઢી આંખ થાતી જાય છે .
પણ તને આ વાત ક્યાં સમજાય છે !
નેહા પુરોહિત

દેવ બન્યા તે પહેલાં….. – મનીષા જોષી

આપણા સૌની સામૂહિક ચેતનાના ઢગલા પર બેઠેલા
સહસ્ત્ર દેવ-દેવીઓની દૈનિક ક્રિયાઓ હું જોઈ શકું છું.
મંદીરના ગર્ભગૃહમાં
દૂધમાં તણાઈ રહેલા સળવળતા સાપની વચ્ચેથી માર્ગ કરતા
મને મળી આવે છે પથ્થરનો કાચબો.
સ્વર્ગ સુધી લઈ જતા
તેના ચાર પગ પર ચઢવા જતા
હું કેટલીયે વાર નીચે પટકાઈ છું.
પાપ અને પુણ્યની કસોટી કરતા
આ બે થાંભલાઓની વચ્ચે
આમ તો ઘણી જગ્યા દેખાય છે
પણ હું ક્યારેય તેમની વચ્ચેથી પસાર નથી થઇ શકતી.
જો કે ત્યાં મૂકેલા નંદીના પાળિયા પર સવારી કરીને
હું ઊડી શકું છું આકાશમાં.
નીચે નજર કરું તો દેખાય છે
રસ્તા પર રઝળતાં નધણિયાતાં પ્રાણીઓ
અને ઉત્સવપ્રિય લોકોનાં ટોળાં.
અને સહેજ ઉપર જોઉં તો દેખાય છે
કેટલાયે જાણીતા અને ઓછા જાણીતા દેવો,
તેમની અર્ધ-જાગૃત અવસ્થામાં, અનાવૃત્ત,
દેવ બન્યા તે પહેલાંના અવતારમાં.
વરદાન આપતાં શીખ્યા તે પહેલાંના રૂપમાં.
માત્ર બે જ હાથ અને બે પગવાળા,
ગોળ કૂંડાળું કરીને ગંજી પત્તાં રમી રહેલા દેવો.

– મનીષા જોષી

દેવ એ માનવની કલ્પના છે. પાપ-પુણ્યની વ્યાખ્યા ભલભલા માંધાતાઓ પણ નથી કરી શક્યા. કાવ્ય ગર્ભિત અર્થોથી સભર છે. પરંપરાગત સ્થૂળ ભક્તિથી મોહભંગ થતાં સાંખ્ય ઇત્યાદિના માર્ગે સ્વર્ગારોહણનો પ્રયાસ કરે છે કવિ. જરાક દ્રષ્ટિ વિશાળ થતા દેખાય છે બે વર્ગ – એક કે જે ઓછો ચતુર છે……તે દેવપૂજામાં રત છે. અને બીજો જે થોડો વધુ ચતુર છે તે દેવ બનીને પ્રમાદમાં રત છે.

8 Comments »

 1. ABDUL GHAFFAR KODVAVI said,

  September 14, 2014 @ 3:22 am

  તો શું દેવ અને દેવીઓ ને તમો ધતિંગ માનો છો ?

  અગર આવીજ માંન્યતા માટે છે તો પછી એમની

  પૂજા શા માટે થાય છે ?કોણ કરાવે છે ?કોને લાભ છે

 2. Rina said,

  September 14, 2014 @ 3:27 am

  Awesome

 3. Harshad said,

  September 14, 2014 @ 11:36 am

  Really beautiful.Like it. Gods and Goddesses are real but the people who follows them need deep introspection .All religions are build up on development of mankind and humanity, to develop and increase the personal deep feelings for the betterment of mankind,no matter which religion they follows.

 4. Shah Pravinachandra Kasturchand said,

  September 14, 2014 @ 2:43 pm

  માતાને ગર્ભમાં દેખાતા બાળકનાં અનેકાનેક રૂપોની સુમધુર કવિતા જાણે ન હોય !
  ખરેખર ખૂબ સુંદર કૃતિ !

 5. Maheshchandra Naik ( Canada) said,

  September 14, 2014 @ 3:15 pm

  સરસ કવિતા……………

 6. વિવેક said,

  September 15, 2014 @ 3:01 am

  સુંદર મજાની કવિતા… સંક્ષિપ્ત પણ બળકટ વિશ્લેષણ…

 7. preetam Lakhlani said,

  September 17, 2014 @ 12:36 pm

  કેટલા વરસો પછી મને મલી કવિતા….

 8. Bipin Desai said,

  September 21, 2014 @ 7:19 am

  હું પણ આમજ વિચારું છું। એક શક્યતા એ લાગે છે કે આ બધા સુપર માનવો હતા। ..અથવા એ જમાના નાં સામાન્ય મ્મ્નાવીઓ કરતા વધુ વિકસિત – માનસિક રીતે – હતા. પણ હતા તો માનવીજ….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment