પૂછ્યું મેં કોણ છે ! ઉત્તર મળ્યો યયાતિ છે,
ને બહાર જોઉં તો આખી મનુષ્યજાતિ છે.
મુકુલ ચોક્સી

આપણી વચ્ચે આવજોની કોઈ ભીંત હશે – માધવ રામાનુજ

નજર એમને જોવા માગે તો આંખની શું ભૂલ!
દર વખત સુગંધ એમની આવે તો શ્વાસની શું ભૂલ!
સપના ક્યારેય પૂછીને નથી આવતા,
પણ સપના એમના આવે તો રાતની શું ભૂલ!…

*      *      *

પાસેપાસે તો યે કેટલાં જોજન દૂરનો આપણો વાસ;
જેમ કે ગગન સાવ અડોઅડ તો ય છેટાંનો ભાસ.

રાત-દિ નો સથવાર ને સામે,
મળવાનું તો કોઈ દાડો સુખ મળતું નથી;
આવકારનું વન આડબીડ,
બારણું ખોલી ફળિયામાં સળવળતું નથી;
આંસુને દઈ દીધો છે ભવનો કારાવાસ.

ઝાડથી ખરે પાંદડું,
એમાં કેટલાં કિરણ આથમ્યાનું સંભારણું હશે;
આપણી વચ્ચે આવજોની કોઈ ભીંત હશે,
કે યાદ જેવું કોઈ બારણું હશે;
પડખે સૂતાં હોય ને લાગે શમણાંનો સહવાસ….

– માધવ રામાનુજ

એક કાવ્યમાં જાણે ઘણાં કાવ્યો છે નહીં !!! શાંતિથી મમળાવવા જેવું – માણવા જેવું કાવ્ય…… ‘આપણી વચ્ચે આવજોની કોઈ ભીંત હશે’ – પંક્તિ શિરમોર લાગી.

10 Comments »

 1. perpoto said,

  September 7, 2014 @ 4:17 am

  આપણી વચ્ચે અવાજોની કોઈ ભીંત હશે,
  કે યાદ જેવું કોઈ બારણું હશે;

  આ કેવી ઇમારત હશે..

 2. B said,

  September 7, 2014 @ 6:21 am

 3. બાબુલાલ કે.ચાવડા said,

  September 7, 2014 @ 9:45 am

  તીર્થેશભાઇ, ‘અવાજોની કોઇ ભીંત’ નહીં પણ’આવજોની કોઇ ભીંત’એવા શબ્દો છે આ ગીતપંક્તિના.

 4. Rajendra Karnik surat said,

  September 7, 2014 @ 11:46 am

  આંસુને દઇ દીધો છે ભવનો કારાવાસ, —— કેવી વેદના અને કેવી સહન કરવાની રચનાત્મક વૃત્તી!!!.

 5. ધવલ said,

  September 7, 2014 @ 3:25 pm

  આપણી વચ્ચે આવજોની કોઈ ભીંત હશે,
  કે યાદ જેવું કોઈ બારણું હશે;
  પડખે સૂતાં હોય ને લાગે શમણાંનો સહવાસ….

  – સલામ ! સલામ ! સલામ !

 6. Jayshree said,

  September 7, 2014 @ 7:25 pm

  પાસપાસે તો યે કેટલા જોજન… આ જે ગીત છે (http://layastaro.com/?p=9798) – એની આગળ એક મુક્તક છે – એવું?

 7. તીર્થેશ said,

  September 8, 2014 @ 1:11 am

  આ ગીતની મારી પાસે મૂળ પ્રિન્ટ નથી. એક મિત્રે નેટથી મોકલ્યું અને મને ગમી ગયું એટલે પોસ્ટ કર્યું. જયશ્રી ની તેમ જ બાબુલાલભાઈની વાત સાચી લાગે છે…… જરૂરી ફેરફાર કરું છું. જો કોઈ મિત્ર પુસ્તકમાંથી મૂળ પ્રિન્ટ મોકલી શકે તો આભારી થઈશ.

 8. વિવેક said,

  September 8, 2014 @ 1:45 am

  આ ગીત રચના સાથે જે મુક્તક છે એ મૂળ કવિતાનો ભાગ નથી… એ માધવ રામાનુજનું જ મુક્તક છે કે કેમ એ પણ શંકાસ્પદ છે કેમકે એ મુક્તક છંદમાં પણ નથી…

 9. ravindra Sankalia said,

  September 8, 2014 @ 8:58 am

  પીયામિલનની ઝન્ખના આ કવિતામા આબેહુબ વ્યક્ત થઈ છે.

 10. kishoremodi said,

  September 10, 2014 @ 6:05 pm

  મિત્ર કવિ માધવ રામાનુજના ગીતને માણવાની મજા પડી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment