હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ ‘મરીઝ’,
ગઝલો ફક્ત લખાય છે દિલની ઝબાનમાં.
મરીઝ

પંચતત્ત્વ (ગણપતિ ગીત) – મકરંદ મુસળે

પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી,
દુંદાળા તારી મૂર્તિમાં એ જ તત્વ કાં બાકી ?

થાય વિસર્જન જળમાં તારું ત્યાં પણ તું ક્યાં ડૂબે?
પ્લાસ્ટર ઑફ પેરિસ ઓઢીને તળાવ આખું રુએ
જળચર મરવાનાં છે કેમિકલને ચાખી ચાખી.
પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી…

આતશબાજી, ધૂળ-ધુમાડા, શ્વાસ ગયો રૂંધાઈ,
ઢોલ, નગારાં, ડી.જે. ગર્જે કાન ગયા ગભરાઈ
આંખ હવાએ ચોળી રાતી, કાળી ખાંસી ખાધી
પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી…

સરઘસ ટાણે ટોળું આવી ક્યાંક પલીતો ચાંપે,
અગ્નિ નામે તત્વ ભરાઈ બેઠું બોમ ધડાકે,
આગ હવે જોવા ટેવાયા, આંખે પાણી રાખી.
પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી…

મારા મનનું પંખી માંગે એક જ ટુકડો આભ,
એય પચાવી બેઠા તારી મૂર્તિઓના પ્હાડ,
આભ બની લાચાર જુએ છે, મોઢું સ્હેજ વકાસી.
પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી…

બોલ શરમ રાખું કે માણસ-ધરમ હવે નિભાવું?
બોલ ગજાનન આ વર્ષે પણ તને ફરી બોલાવું?
તું સમજીને ના આવે એવી ઇચ્છા મેં રાખી.
પંચતત્ત્વનો દેહ ને એનું એક તત્વ છે માટી…

– મકરંદ મુસળે

અંગ્રેજી સામ્રાજ્ય સામે લડવા માટે જરૂરી એકતા પ્રજામાં જન્મે એ માટે બાળગંગાધર લોકમાન્ય ટિળકે ગણેશપૂજાના શ્રીગણેશ કર્યા ત્યારે એમને સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે એકતાના સ્થાને આ પ્રથા ધીકતો વેપાર બની જશે. ટોળું, કાન-ફાડ ઘોંઘાટ, સમયનો વેડફાટ, ઇવ-ટિઝિંગ, પ્રદુષણ અને કવચિત્ કોમી હુલ્લડ એ આજે આ તહેવારનું મુખ્ય આભૂષણ બની બેઠાં છે એવામાં કવિ મકરંદ મુસળે માટીથી શરૂ કરી એક પછી એક અંતરામાં એક પછી એક પંચત્ત્ત્વને સ્પર્શીને સાંપ્રત સમસ્યાને યથાર્થ વાચા આપે છે.

9 Comments »

 1. v c sheth said,

  September 8, 2014 @ 2:55 am

  કાવ્ય વાંચતાં , સિનેમા(પિક્ચર)નું કોઇ ભયંકર દ્રશ્ય પસાર થઇ ગયું.

 2. narendrasinh said,

  September 8, 2014 @ 4:10 am

  અત્યન્ત સુન્દર કવિતા ,બસ માનવ કુદરત ને સાથે લૈ ઉત્સવ મનાવે નહેી કે કુદરત સામે

 3. Rajendra Karnik surat said,

  September 8, 2014 @ 7:28 am

  મુસળે સાહેબને વિનંતી,
  આપના આભાર સહિત આ કાવ્ય દક્ષિણ ગુજરાતના હ્રદયના ધબકાર સમા ગુજરાતમિત્ર દૈનિકમાં સંકલીત કાવ્ય આપના નામ સાથે પ્રસિધ્ધ કરવાની વિંનંતી સહ મોકલ્યું છે. કોઇ ભુલ થઇ હોય તો ક્ષમા.

 4. ravindra Sankalia said,

  September 8, 2014 @ 8:50 am

  હુબ સરસ કવિતા. ગનેષ ઉત્સવની પ્રથા શરુ થૈ ત્યારે ખ્યાલ પણ નહી હોય કે એનુ આટ્લુ બધુ અધ્;પતન થશે.

 5. Makarand Musale said,

  September 8, 2014 @ 11:56 am

  રાજેન્દ્ર કર્ણિકઃ આપે કાવ્ય મોક્લ્યુ એ મને ગમ્યુ. આ કાવ્ય સામન્ય વચકો સુધી પહોચે તો સાર્થક થશે…. આભાર. ગીત અહીં મુકવા બદલ વિવેક ટેલરનો આભાર….

 6. ધવલ said,

  September 9, 2014 @ 12:37 am

  ચોટદાર ગીત ! નશ્વર દેહમાંય પંચ-તત્વ છે અને અહીં ખુદ ભગવાનને એક તત્વ (માટી) પણ નસીબ નથી !

  સમય જતા આ પણ બદલાશે… આ બધો ઘોધાંટ તો ઉપરછલ્લો છે… સંસ્કૃતિ એના કરતા ક્યાંય વધારે શક્તિશાળી છે.

 7. vineshchandra chhotai said,

  September 9, 2014 @ 6:23 am

  હરિઔમ ઃ નમ્સકાર ઃ ભારત દેશ ના સર્વે અખ્બાર મધ્યે આ કવિતા મોક્લવિ આપો તો બહુ જ સરસ ………………………………….ધન્ય્વાદ ને અભિનદન……..

 8. kishoremodi said,

  September 10, 2014 @ 6:27 pm

  વક્રોક્તિસભર સુંદર ગીત માણતા જાણે મનના જ ભાવ વણાતા હોય એવું આંદોલન પેદા થયું . આ ગીત અતિરેકતામાં મચેલા
  લોકોને તેમના કાનમાં માઈક બેસાડીને સંભળાવવું જોઈએ.કવિને સાંપ્રત સમસ્યાનું હૂબહૂ આલેખન કરવા બદલ મર અભિનંદન

 9. jAYANT SHAH said,

  September 17, 2014 @ 6:23 am

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment