ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને,
બે ગઝલની વચ્ચેના ગાળામાં ચૂમી છે તને.
મુકુલ ચોકસી

બોલાવવા છતાંય – અરુણા રાય (અનુ. વિવેક મનહર ટેલર)

બોલાવવા છતાંય
પ્રતિ-ઉત્તર ન મળે
તો હવે બહાર નહીં રખડું
બલ્કે ફરીશ પાછી
ભીતર જ

હૃદયાંધકારમાં બેસી
જ્યાં
બળી રહ્યો હશે તું.

ત્યાં જ મધ્યમ આંચમાં બેસી
ઝાલીશ
તારા મૌનનો હાથ !

-અરુણા રાય
(અનુ. વિવેક મનહર ટેલર)

*

કવયિત્રીઓ ભીતરના ભાવ જે સબળતા અને સરળતાથી રજૂ કરી શકે છે, ક્યારેક પુરુષો એ કરી શકતા નથી. અરુણા રાયની આ હિંદી કવિતા અનુવાદની જરાય મહોતાજ નથી. પણ કવયિત્રીનો ‘ઇનર ફૉર્સ’ આ દુષ્કર્મ કરવા માટે મને મજબૂર કરી ગયો.

અવાજ દેતાંય જો એ હવે ન મળે તો કવયિત્રી એને શોધવા બહાર જવાની નથી કેમકે એ તો કવયિત્રીના હૃદયના અંધારાને ઉજાળતો ધીમો ધીમો અંદર જ સળગી રહ્યો છે. પ્રેમના પાવક દીપકનો શબ્દહીન હાથ ઝાલીને કવયિત્રી ત્યાં જ બેસી રહેશે… સાંન્નિધ્યની મૂક ઉષ્માની અદભુત અભિવ્યક્તિ! સલામ ! સો સો સલામ !

*
पुकारने पर

पुकारने पर
प्रति-उत्तर ना मिले
तो बाहर नहीं भटकूँगी अब
बल्कि लौटूँगी
भीतर ही

हृदयांधकार में बैठा
जहाँ
जल रह होगा तू

वहीं
तेरी मद्धिम आँच में बैठ
गहूँगी
तेरे मौन का हाथ।

अरुणा राय

8 Comments »

  1. મીના છેડા said,

    October 11, 2014 @ 2:41 AM

    થોડાક સાદા શબ્દો અને એક ગહન અર્થ..
    કવિયત્રી અને અનુવાદક બનંનેને સો સલામ.

  2. Rina said,

    October 11, 2014 @ 4:02 AM

    Beautiful translation of a beautiful poetry

  3. Pushpakant Talati said,

    October 11, 2014 @ 4:13 AM

    શ્રી વિવેકભાઇ;
    આ મુળ હિન્દી કવિતા જ એટલી સીધી અને સરળ ભાષામા લખાયેલ છે કે તેનો ગુજરાતી અનુવાદ જરુરી જ નથી – છતાં વિવેકજીએ મહેનત લીધી તો સારું થયું.

    वहीं तेरी मद्धिम आँच में बैठ गहूँगी तेरे मौन का हाथ નો અનુવાદ -“ત્યાં જ મધ્યમ આંચમાં બેસી ઝાલીશ તારા મૌનનો હાથ ” કરેલ છે તો મારા મન્તવ્ય પ્રમાણે “મધ્યમ આંચમાં” ને બદલે કદાચ કવિયત્રી “આંચ ની મધ્યમાં” તેવું કહેવા માંગે છે કે તે મુજબ પ્રસ્તુત કરવા ચાહે છે. આ તો મારો વ્યક્તિગત અભિપ્રાય છે – બાકી વિવેક ભાઈ એટલે વિવેક ભાઈ. અનુવાદ બદલ તેમનો આભાર તો વ્યક્ત કરવો જ રહ્યો. –
    પુષ્પકાન્ત તલાટી

  4. વિવેક said,

    October 11, 2014 @ 8:09 AM

    @ પુષ્પકાન્તભાઈ તલાટી:

    કવિતાના અનુવાદ અંગે મેં લખ્યું જ છે કે, “અરુણા રાયની આ હિંદી કવિતા અનુવાદની જરાય મહોતાજ નથી. પણ કવયિત્રીનો ‘ઇનર ફૉર્સ’ આ દુષ્કર્મ કરવા માટે મને મજબૂર કરી ગયો.”

    આંચની મધ્યમાં હિંદીમાં લખવું હોય તો आँच के बीच લખાય એવું મને લાગે છે. બીહું, આંચની મધ્યમાં સળગી જવાય. અને અગ્નિ મધ્યમ આંચનો હોય તો તાપી શકાય. આ મારું મંતવ્ય છે. બાકી, કવિતાનું ખરું તાત્પર્ય જ એની બહુવિધ અર્થચ્છાયા છે.

  5. nehal said,

    October 11, 2014 @ 10:46 AM

    Waah. …sunder anubhav….kavya manvano…

  6. lata j hirani said,

    October 14, 2014 @ 12:32 AM

    with this beautiful poetry & beautiful translation, why do u use word ‘દુષ્કર્મ’ ?

  7. lata j hirani said,

    October 14, 2014 @ 12:34 AM

    વિવેકભાઇ, તમારો આ અનુવાદ મારી કોલમ ‘કાવ્યસેતુ’ માટે લઉં છું, ઇજાજત છે ને ?

  8. વિવેક said,

    October 15, 2014 @ 3:04 AM

    @ લતાજી:

    લયસ્તરો પોતે જ ગમતાંનો ગુલાલ છે… તમામ પ્રકારની રચનાઓ માટે આપને તમામ પ્રકારની ઇજાજત હોય જ.
    દોસ્તીનો એ હક છે…

    🙂

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment