એ વર્તણૂંક એમની મારા પ્રતિ રહી,
મૃત્યુનો જિંદગીથી જે વ્યવહાર હોય છે.
– ગની દહીંવાલા

હોઈયેં જ્યાં – રાજેન્દ્ર શુક્લ

એક ને એક જ સ્થળે મળિયેં અમે,
હોઇયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે,
પિંડ ક્યાં પેટાવવા પળિયેં અમે,
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે!

હેત દેખીને ભલે હળિયેં અમે,
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે,
પાંચ ભેળા સાવ શેં ભળિયેં અમે?
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે!

ઊભરાવું હોય તો શમવું પડે,
ઊગિયેં જો તો જ આથમવું પડે,
મેરું ચળતાયે નહીં ચળિયેં અમે,
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે!

કૈંક સમજ્યા ત્યારથી બેઠા છિયેં,
હાથમાં હુક્કો લઇ આ ઢોલિયે,
ક્યાંથી મળિયેં કો’કને ફળિયેં અમે?
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે!

શબ્દના દીવા બળે છે ડેલિયે,
આવતલ આવી મળે છે ડેલિયે,
સ્વપ્ન જેવું શીદ સળવળિયેં અમે?
હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે!

– રાજેન્દ્ર શુક્લ

4 Comments »

  1. વિવેક said,

    August 20, 2014 @ 9:17 AM

    કવિની ખૂબ જાણીતી અને ઉત્ત્મ ગઝલોમાંની એક… એમના સ્વમુખે આ ગઝલ અવારનવાર સાંભળવાનો લ્હાવો લીધો છે…

  2. La' Kant said,

    August 20, 2014 @ 11:47 AM

    ” બ્લૂમ વ્હેર યુ આર પ્લાંટેડ ” , ‘જે છે તે મહીં જ’ …ની સમજણ, આત્મ્સાત થાય ત્યારે … આવું આવું થાય ?

  3. Pancham Shukla said,

    August 22, 2014 @ 3:31 PM

    ટાઈપ સેટિંગ અને જોડણી કવિએ રાખી છે એમ રાખવા વિનંતિ. ‘ગઝલ સંહિતા’, મંડલ – ૫, પૃષ્ઠઃ ૪૪ જોઈ લેવા વિનંતિ.

  4. Pancham Shukla said,

    August 28, 2014 @ 3:45 PM

    ‘ગઝલ સંહિતા’, મંડલ – ૫, પૃષ્ઠઃ ૪૪ મુજબ સુધારો કરી લેવા બદલ આભાર.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment