શ્વાસ ચાલે એ જ છે હોવાપણું,
જીવતો પ્રત્યેક માણસ લાશ છે.
- અંકિત ત્રિવેદી

૧૫મી ઑગસ્ટ – ૧૯૫૮ – ઉશનસ્

ઓગણીસસો અઠ્ઠાવન;
ઉજ્જડ શાન્ત તપોવન;
હવનવેદીઓ હવડ અનુજ્જ્વલ,
રાખ વિશે નહિ ગરમી – હે અગસ્ટની પંદરમી !

એક સમય જે દિલ્લીતણું દુર્લભ ઇન્દ્રાસન,
પૂર્વ પરિશ્રમ ઉતારવાનું આજે તો નિદ્રાસન.
સહજ વાયુને ઝોલે
(કોઈ તપસ્વીને નહિ કારણ) અમથું અમથું ડોલે,
સતત સખત તપ સેવા કેરી હવે જરૂર કૈં ખાસ ન;
પૂરતી પક્ષ, સંબંધી, રુશ્વત, પરિચય, શરમાશરમી
.                                            – હે અગસ્ટની પંદરમી !

કોઈ નથી અહીં અલસ ઝમેલે લોકશિવે સત્કરમી ?
લઘુક લઘુક વાડાથી ઉફરો વિશ્વવિશાળો ધરમી ?
એક પ્રશ્ન પૂછું : ઉત્તર તું દેશે ?
સદીઓ પછીથી સ્વતંત્રતાના ગૌરવવેશે
અવતરી તું અહીં કણ્વાશ્રમ શા પુરાણદેશે,
તો ભરતગોત્રમાં સર્વદમન કો જનમ ન લેશે ?
કાલપુરુષની કઈ વ્યંજના વ્યક્ત કરે તું મરમી ?
.
– હે અગસ્ટની પંદરમી !

– ઉશનસ્

આઝાદીને માત્ર અગિયાર જ વર્ષ થયા હતા એ સમયની આ કવિતા આજે આઝાદીના સડસઠ વર્ષ પછી પણ લગરિક વાસી લાગતી નથી. આઝાદીના અગિયાર જ વર્ષમાં ભારતભૂમિનું તપોવન ઉજ્જડ અને શાંત થઈ ગયું. હવનવેદીઓ પણ ઉજ્જડ અને તેજસ્વિતાથી વિરક્ત. ઠંડી પડી ગયેલી રાખ. અંગ્રેજો પાસેથી પરત મેળવવું દોહ્યલું લાગતું દિલ્લીનું સિંહાસન નિદ્રાસન બની ગયું. હવે મહેનત કે લાયકાતની જરૂર નથી. ઓળખાણ અને રુશવતનો સિક્કો જ અહીં ચલણમાં છે. કવિ પ્રશ્ન તો પૂછે છે પણ ભીતરથી જાણે જ છે કે સદીઓ પછી પણ કણ્વઋષિના આ દેશમાં કોઈ સર્વદમન અવતરવાનો નથી.

3 Comments »

 1. Uttam Gajjar said,

  August 15, 2014 @ 3:39 am

  સૌ પ્રથમ તો આજે ઉશનસ્ નું આ કાવ્ય પસંદ કરવા બદલ વહાલા વીવેકની વીવેકબુદ્ધીને મારી સલામ!!

  હા, કવીની આર્ષવાણીને સાચી ઠેરવતો, કણ્વના આશ્રમમાં જ ઉછરેલો સર્વદમન ભારતને મળી ચુક્યો છે, જેને આજે સવારે ૬૫ મીનીટ સુધી લાલ કીલ્લાની રાંગ પરથી દીલથી બોલતો સાંભળ્યો.. ઈન્શાલ્લાહ ! અંધારયુગનાં ૬૭ વરસ પછી, ઠંડી પડેલી રાખમાંથી ફરી ચીનગારી
  જાગશે અને તેની ઉષ્મા અને તેનો પ્રકાશ પુરા ભારતમાં જ નહીં; સૌ પાડોશી રાષ્ટ્રોમાંય ફેલાશે… આમીન..ઉ.મ.. ઓગસ્ટ ૧૫, ૨૦૧૪–શુક્રવાર

 2. Dhaval Shah said,

  August 15, 2014 @ 12:38 pm

  સરસ ! ઉમદા શબ્દો !

 3. HARSHAD said,

  August 16, 2014 @ 10:22 pm

  Like it.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment