ઝાંઝવા મંગાવવાં પડશે પ્રથમ,
માત્ર બળતી રેત એ કૈં રણ નથી.
ચિનુ મોદી ‘ઈર્શાદ’

મૂંઝવણ્ય – પ્રદ્યુમ્ન તન્ના

એ જી વાણ કરે રમખાણ તો ભીડ્યા ઓઠની મેલીએ ચોકી
પણ વણથંભ ચાલતી ચણભણ ચિતની હાયે જાયે ક્યમ રોકી ?!

તાવ હોયે તો વૈદ કને જઈ
ઓસડિયાં લઈં ફાકી,
ને ઝૂડ હોય તો નોતરી ભૂવો
ટૂમણથી દઈં હાંકી !
પણ ઉરની અકળ મૂંઝવણ્ય મીઠી કહીં જઈ દઈં ઓકી ?!
એ જી વાણ કરે રમખાણ તો ભીડ્યા ઓઠની મેલીએ ચોકી

કઠતો હોયે કમખો કે પછેં
સાવ કોરો કોક વાઘો,
ઉતારવાની દેર કે તુરત
સમૂળગો થાય આઘો
પણ પ્રાણ સું વળગી પીડ્ય પ્રીત્યુંની થાયે કહો ક્યમ નોખી ?!
એ જી વાણ કરે રમખાણ તો ભીડ્યા ઓઠની મેલીએ ચોકી

– પ્રદ્યુમ્ન તન્ના

ઓળઘોળ થઈ જવાનું મન થાય એવું ગીત. અડધાથી વધુ જીવન ઇટાલીમાં વિતાવ્યું હોવા છતાં કવિનું તળપદું ગુજરાતી કોઈપણ ગુજરાતી કરતાં વિશેષ ગુજરાતી છે.

વાણી ધમાલ મચાવે તો ભીડેલા હોઠની ચોકી મૂકીને શમાવી દેવાય પણ ચિત્તમાં જે વણથંભી ચણભણ ચાલે છે એને કેમની રોકવી ? તાવ હોય તો વૈદ અને બલા વળગી હોય તો ભૂવો બોલાવી શકાય પણ હૈયાની અકળ મૂંઝવણ ક્યાં જઈને ઓકી શકાય? કમખો ખૂંચતો હોય કે કોરા કપડાં ખૂંચતા હોય તો એને ઊતારી મેલતાવેંત એમાંથી સમૂળગી મુક્તિ પણ પ્રાણની જેમ પ્રણયની જે પીડા વળગી પડી છે એને કેમ કરીને નોખી કરવી ?

5 Comments »

 1. nehal said,

  September 26, 2014 @ 6:09 am

  Bahu j saras. ..

 2. Manish V. Pandya said,

  September 26, 2014 @ 7:08 am

  ઓલ્યા પ્રધ્યુંમ્મ્નજીએ કવિતામાં સંવેદનાઓ લખીને વાત કહી દીધી છે સાચી,
  કહી નાખો શબ્દોમાં, સઘળું મનમાં જે હોય તે, કદી કશું પણ ના રાખો બાકી.

 3. Dhaval Shah said,

  September 26, 2014 @ 8:53 am

  પણ પ્રાણ સું વળગી પીડ્ય પ્રીત્યુંની થાયે કહો ક્યમ નોખી ?!
  એ જી વાણ કરે રમખાણ તો ભીડ્યા ઓઠની મેલીએ ચોકી

  – વાહ ! વાહ !

 4. Sharad Shah said,

  September 26, 2014 @ 11:41 am

  પ્રદ્યુમનભાઈ, ખુબ જ સુંદર રચના અને દરેકને મુંઝવતો પ્રશ્ન છે ભિતરની બક-બક અને ઉકળાટ અને તેમાંથી ઉદ્ભવતી પીડા. આપણે બધા તેમાંથી છુટકારો મેળવવા માંગીએ છીએ પણ માર્ગ મળતો નથી ત્યારે હૃદયમાં ઊઠતા આ ભાવને કાવ્યાત્મક રીતે રજુ કરી ખરેખર કમાલ કરી છે. પ્રભુ આપણને આ મુંઝવણમાંથી ઉગરવા માર્ગ બતાવે તેવી પ્રાર્થના.

 5. VINESHCHANDRA CHHOTAI said,

  September 27, 2014 @ 1:41 am

  હરિઔમ ઃ ધન્યવાદ ) બહુજ સરસ રજુવાત ને સબ્દો નિ મજા જ બહુજ અનોખિ ……………ફરિ ફરિ અભિનન્દનદ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment