સમજાતું નથી તારી આ કુદરત શું છે ?
એની તને પરવા અને દહેશત શું છે ?
પાપી છીએ, સંતાડીએ મોઢું તો અમે;
અલ્લાહ ! તને પરદાની જરૂરત શું છે ?
મરીઝ

દૂધ દૂધ હસતો કપાસ ! – ભાનુપ્રસાદ પંડ્યા

કાલાનાં ગલોફાં બેય બાજુ ફાડીને
.                          દૂધ દૂધ હસતો કપાસ !
સ્ત્રોવરની જેવડું સાંકડું લાગે છે ખેત
.                         સીમનોય કરતો ઉપહાસ.

ગોટેગોટામાં શ્વેત ઝૂકીને અમળાતો
.                         સાગરના પાડતો ચાળા :
દરિયાનાં ફીણ બે’ક પળનાં મે’માન
.                         શીદ રેતીમાં મારતો ઉછાળા ?
કાયમ છલકાઉ ના પૂનમની પરવા કે
.                         મારે ના જોઈએ અમાસ !

કાલાંથી પ્રગટેલું હાસ મારું ગૂંથાતું
.                         અવનિ આખીને વીંટળાશે,
ઉઘાડાં અંગ બધાં ઢાંકીને મનખાને
.                         રોમરોમ હળવું હસાવશે,
ચાંદનીના અજવાળાં પાથરશે ઘેરઘેર
.                         સૂરજનો કરશે ઉજાસ !

– ભાનુપ્રસાદ પંડ્યા

કાલાં ફાટેને અંદરથી દૂધ જેવો કપાસ હસતો લચી પડે છે ત્યારે એના ઉજાસ સામે ખેતર અને સીમ પણ સાંકડા લાગે છે. બે ઘડીના મહેમાન દરિયાનાં સફેદ ફીણ કે એક દી’ના અતિથિ અમાસ-પૂનમથી પણ કાલાંની સફેદી વધુ શુભ્ર છે.

નવી પેઢીને તો કદાચ કાલાં એટલે શું એ પણ સમજાવવું પડે.

9 Comments »

 1. Manish V. Pandya said,

  February 6, 2015 @ 4:19 am

  દુગ્ધ-ધવલ રૂમાંથી વસ્ત્ર બને છે તેવા કાલાનું કાવ્ય ગમ્યું. સુંદર રચના.

 2. Rajnikant Vyas said,

  February 6, 2015 @ 4:56 am

  કાલાંથી પ્રગટેલું કપાસનુ હાસ્ય આખી અવનિને વીંટળાઇ વળે એ કેવી સુન્દર કલ્પના!
  કાવ્ય બહુ ગમ્યુ.

 3. Dhaval Shah said,

  February 6, 2015 @ 7:44 am

  કલ્પનોની જાણે લ્હાણી ! વાહ !

  જોકે પ્રમાણિક પણે મારે કહેવું જોઈએ કે કપાસનુ ખેતર મારે કદી દિવસમાં ય જોવાનું થયું નથી. તો રાતે જોવાની તો વાત દૂર જ રહી.

 4. sagar kansagra said,

  February 6, 2015 @ 11:46 pm

  વાહ

 5. desai umesh said,

  February 7, 2015 @ 8:20 pm

  વાહ ..કાલા ની વાત..

  બે ઘડીના મહેમાન દરિયાનાં સફેદ ફીણ કે એક દી’ના અતિથિ અમાસ-પૂનમથી પણ કાલાંની સફેદી સામે ઝાંખા છે.
  વાક્ય બરાબર લાગે છે ?

 6. VIPUL PARMAR said,

  February 9, 2015 @ 2:28 am

  કાલાંથી પ્રગટેલું હાસ મારું ગૂંથાતું
  . અવનિ આખીને વીંટળાશે,
  ઉઘાડાં અંગ બધાં ઢાંકીને મનખાને
  . રોમરોમ હળવું હસાવશે,

  ખુબ સરસ ……….

 7. વિવેક said,

  February 10, 2015 @ 1:06 am

  @ ઉમેશ દેસાઈ:

  આભાર. આપની વાત સાચી છે… ભૂલ છે.

 8. સંદીપ ભાટિયા said,

  February 10, 2015 @ 2:32 am

  કવિતામાં ફૂલ રોજ ખિલે. પણ કપાસ દોહ્યલું. કવિએ આખા ગીતમાં કપાસના સ્મિતને ગાયું. મજા પડી. કવિને વંદન. આભાર, વિવેક.

 9. વિવેક said,

  February 11, 2015 @ 1:10 am

  @ સંદીપ ભાટિયા:

  આભારનો આભાર…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment