ચૂકવું છું ક્યારનોય વિરહ રોકડો કરી,
તારું મિલન તો ખૂબ નફાખોર હોય છે.

અંકિત ત્રિવેદી

નથી – હરીન્દ્ર દવે

આજ તો તમારી યાદ નથી કોઇની ફરિયાદ નથી
એ રાત નથી, એ ચાંદ નથી, એ આપસનો વિખવાદ નથી

ભુલાઇ ગઇ છે એ દુનિયા, ના સ્વપ્ન મહીં આવે સ્મરણો
એ રૂપને દેખી જાગેલો ઉરસાગરમાં ઉન્માદ નથી

કોઇની કહાની સાંભળતા કોઇના નયન ચાલ્યાં નીતરી
ને કોઇને બે પળ બાદ પૂછ્યું: કીધું કે ‘કહાની યાદ નથી’

દુનિયાની સહે ઝૂઝે તેને હું એ જ કહું છું આખરમાં
કે પાંખ પછાડી પિંજરમાં પંખી થાતું આઝાદ નથી

ભાવિની મુલાયમ ઘડીઓ પર મારી ન કદી મંડાય નજર
એને શી તમા એ મૃગજળની જેને મંજિલનો નાદ નથી ?

-હરીન્દ્ર દવે

તદ્દન નોખી ભાતની ગઝલ…… જાણે કવિ સ્વગત બોલતા હોય તેવું લાગે છે. વેદના ઘેરી છે….છેલ્લા બે શેરમાં સૂર બદલાય છે. બે ઘડી વિચારમાં પાડી દે છે છેલ્લા બંને શેર…..

2 Comments »

  1. Rajendra Karnik surat said,

    July 7, 2014 @ 8:38 am

    આટલી બધી વેદના શા માટે? પિંજરનું પંખી પાંખ પછાડી આઝાદ ન થતું હોય તો ય તે માલિકની ઉંઘ તો હરામ કરે જ છે. જેને માટે આવા કાવ્યો લખાયા છે તેવી વ્યક્તિઓને વૈજ્ઞાનીક જરૂરિયાત પુરતું જ હ્રુદય હોય છે. અસ્તુ.!

  2. Maheshchandra Naik (Canada) said,

    July 7, 2014 @ 12:43 pm

    સહજ વેદનાની પળો કવિશ્રીને વિહવળ કરી જ છે ત્યારે જ આવી સરસ ગઝલ આવે છે…..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment