ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
'ઘાયલ' નિભાવવી'તી અમારે તો દોસ્તી,
આ એટલે તો દુશ્મનોના ઘર સુધી ગયા.
અમૃત 'ઘાયલ'

ગઝલ – કુલદીપ કારિયા

ઝાડવું ને સ્ટ્રીટલાઇટ પાસપાસે છે
જોઈએ કે કોને કોનો ચેપ લાગે છે

વાદળા આકાશમાં વ્યાપેલ ખેતર છે
કોઈ એને ખેડીને પાણી ઉગાડે છે

બારી પાસે જો નથી કાતર તો શેનાથી
એ સ્વયંના કદ મુજબ આકાશ કાપે છે

વ્હેતા પડછાયામાં નાહી લો ધરાઈને
સારું છે તમને નદીનું સપનું આવે છે

બારણા પાસે બધા દૃશ્યો થયાં ભેગાં
જલ્દી અંદર ઘૂસવા સૌ ધક્કા મારે છે

એફબી પર જઈ અને સૂંઘી શકે છે સૌ
ફૂલ જે ઘરથી હજારો ગાઉ આઘે છે

હૂંફમાં પણ મેળવણ જેવી અસર છે કે?
ભાન ખોવાતું જતું ને ઊંઘ જામે છે

– કુલદીપ કારિયા

આજની ગઝલનો એક અલાયદો અવાજ… કુલદીપ કારિયા… સાવ નવા નક્કોર કલ્પન અને અનૂઠા શબ્દચિત્રો… ફેસબુક તો ગુજરાતી ગઝલમાં ઘણીવાર જોવા મળે છે પણ એફબી શબ્દ તો કદાચ પ્રથમવાર જ પ્રયોજાયો હશે… બધા શેર મજાના પણ છેલ્લો શેર… દૂધમાં મેળવન નાંખીએ ને દહી જામતું જાય્વાળી વાત હૂંફ અને ઊંઘમા પરિપ્રેક્ષ્યમાં કમાલ કરીને કવિ દિલ જીતી લે છે…

10 Comments »

 1. suresh baxi said,

  July 12, 2014 @ 11:17 am

  ખુબ સરસ રચના

 2. perpoto said,

  July 12, 2014 @ 11:38 am

  હૂંફમાં પણ મેળવણ જેવી અસર છે કે?
  ભાન ખોવાતું જતું ને ઊંઘ જામે છે

  વાહ!

  બસ એક જ
  ખટાસ ટીપું,ફાડે
  દુધ સોંસરું

 3. Shah Pravinchandra Kasturchand said,

  July 12, 2014 @ 11:50 am

  રચના ખરેખર જ સરસ છે.
  જો આપણી સાચી તરસ છે.

 4. Yogesh Shukla said,

  July 12, 2014 @ 3:57 pm

  બહુજ સારી ગઝલ વાંચવા મળી ,,,,,

  બારણા પાસે બધા દૃશ્યો થયાં ભેગાં
  જલ્દી અંદર ઘૂસવા સૌ ધક્કા મારે છે

 5. MAheshchandra Naik said,

  July 12, 2014 @ 6:37 pm

  સરસ રચના,
  ભાન ખોવાતુ જતું ને ઊંઘ જામે છે…….

 6. preetam Lakhlani said,

  July 14, 2014 @ 4:14 pm

  કુલદિપ્, ગઝલમાં એક નોખો અને અનોખો બુલદી આવતી કાલનો નવો અવાજ છે..

 7. KULDEEP KARIA said,

  July 15, 2014 @ 12:53 am

  વિવેકભાઈ, પ્રિતમભાઈ અને બીજા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભારી છું…

 8. Devika Dhruva said,

  July 15, 2014 @ 10:10 am

  નવી જ ભાત પાડતી એક સુંદર ગઝલ. મક્તા તો સરસ છે જ પણ સૌથી વધારે ગમ્યો આ શેર.

  બારી પાસે જો નથી કાતર તો શેનાથી
  એ સ્વયંના કદ મુજબ આકાશ કાપે છે…..

  બહોત ખુબ…

 9. Harshad said,

  August 6, 2014 @ 9:04 pm

  Beautiful.

 10. yogesh shukla said,

  August 24, 2014 @ 4:06 pm

  સુન્દર
  બારી પાસે જો નથી કાતર તો શેનાથી
  એ સ્વયંના કદ મુજબ આકાશ કાપે છે

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment