ઊભો રહું છું આયના સામે જ રોજ હું,
એક ન્યાયાધીશ, એક ગુનેગાર હોય છે.
હેમેન શાહ

વગર ! – ગૌરાંગ ઠાકર

ટોચની હો કલ્પના ક્યાં તળ વગર !
શક્યતા ક્યાં વૃક્ષની કૂંપળ વગર !

છાપ સિક્કાની મને બંને ગમે
માત્ર તું એને ઉછાળે છળ વગર !

પુષ્પ છું પરવા નથી શણગારની
ફક્ત ફોરમ આપ તું ઝાકળ વગર !

આભને પણ છે વિચારોનાં દુઃખો
ક્યાં રહે પળવાર એ વાદળ વગર !

એક એવા રણ વિષે કલ્પી જુઓ
દોડવાનું હોય જ્યાં મૃગજળ વગર !

પૂર્ણતા પુરવાર કરવા શું કરે !
દ્વારને હોવું મળે સાંકળ વગર !

વીજ જાણે આભ હ્સ્તાક્ષર કરે !
હાથ, શાહી કે કલમ, કાગળ વગર !

– ગૌરાંગ ઠાકર

8 Comments »

 1. વિવેક said,

  June 24, 2014 @ 12:49 am

  સુંદર ગઝલ… વીજળીના હસ્તાક્ષર સવિશેષ ગમી ગયા…

 2. Hardik Vora said,

  June 24, 2014 @ 4:16 am

  વાહ। ….મસ્ત

 3. સુનીલ શાહ said,

  June 24, 2014 @ 10:31 am

  મઝાની ગઝલ…

 4. yogesh shukla said,

  June 24, 2014 @ 12:10 pm

  આ તમારી રચના મને બહુજ ગમે છે, મેં બહુજ કવિ સંમેલન માં સાંભળી છે ,ખાસ કરી ને આબે પંક્તિ બહુજ ગમે છે

  છાપ સિક્કાની મને બંને ગમે
  માત્ર તું એને ઉછાળે છળ વગર !

 5. Bharat Trivedi said,

  June 24, 2014 @ 1:45 pm

  સુંદર ગઝલ. ગમી. વીજ જાણે આભ હસ્તાક્ષર કરે ! આવા અદભૂત વિચાર તો ગૌરાંગભાઈના દિમાગમાં જ ઉદભવે. અભિનંદન.

 6. perpoto said,

  June 24, 2014 @ 2:31 pm

  છાપ સિક્કાની મને બંને ગમે
  માત્ર તું એને ઉછાળે છળ વગર !

  સુંદર પંક્તિ..

  વિજળીના હસ્તાક્ષર..આ શબ્દો કોઇક કવિતામા વાંચ્યા છે..

 7. beena said,

  June 25, 2014 @ 12:23 am

  સુઁદર
  સુંદર કાવ્ય છે

  વાંચતા આવડે તો વિજમાં પણ એના હસ્તાક્ષર ઓળખાઈ જાય
  આમા તો સિક્કાની બન્ને બાજુ આપણૅને જોઈતી જ હોય છે
  અડધો સિક્કો સિક્કોજ ન રહે

  એમ છતાં ખુલ્લી રીતે કહેવું કે મને ગમે છે એ બહુ સ-રસ વાત
  કાવ્ય ગમ્યું

  સ્કૂલમાં અભ્યાસક્રમમાં હોત તો મોઢે ન કરતા શું???

 8. pragnaju said,

  June 25, 2014 @ 8:08 pm

  પૂર્ણતા પુરવાર કરવા શું કરે !
  દ્વારને હોવું મળે સાંકળ વગર !

  વીજ જાણે આભ હ્સ્તાક્ષર કરે !
  હાથ, શાહી કે કલમ, કાગળ વગર !

  મસ્ત ગઝલના આ શેર વધુ ગમ્યા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment