એક ક્ષણ જો યુધ્ધ અટકાવી શકો -
ટેન્ક પર માથું મૂકી ઊંઘી લઉં…
માધવ રામાનુજ

ગઝલ – હનિફ રાજા

છે અત્ર-તત્ર મિત્ર, પ્રણયનાં જ ચિત્ર જો,
ઋતુ જ જાણે થઈ ગઈ છે પ્રેમપત્ર જો !

વીખરાયેલાં હવામાં ગુલાબો સહસ્ત્ર જો,
પ્હેરી પવન વહે છે પરિમલનાં વસ્ત્ર જો !

જાજમ છે લીલાં ઘાસની રસ્તે વસંતનાં,
માથે ધરે છે વહાલથી કેસૂડાં છત્ર જો.

નેત્રોય સૂર્ય-ચંદ્રનાં વિસ્મિત છે આભમાં,
પાલવ વસુંધરાનો ચૂમે છે નક્ષત્ર જો.

કેવી રીતે જિતાય છે હૈયાની સલ્તનત,
હુમલો કરે છે કઈ રીતે નયણોનાં શસ્ત્ર જો !

ભજવે છે પવન પાત્ર અહીં મેઘદૂતનું,
પુષ્પો લખી સુગંધની લિપિમાં પત્ર જો.

સર્વત્ર છે વસંતનાં ઉત્સવની ઉજવણી,
ઉલ્લાસનું, ઉમંગનું બેઠું છે સત્ર જો.

મારી ગઝલ વસંતનો પમરાટ છે ‘હનિફ’,
અસ્તિત્વ મારું થઈ ગયું છે ઈત્ર-ઈત્ર જો.

– હનિફ રાજા

મજાની ગઝલ… પવન ખુશબૂના કપડાં પહેરીને મ્હાલતો હોય એ કારણે હવામાં જાણે હજારો ગુલાબ વિખરાયેલાં ન હોય એ ચિત્ર તો અદભુત થયું છે. જો કે “નક્ષત્ર” કાફિયામાં કવિ છંદ ચૂકી ગયા છે એ ન ગમ્યું.

4 Comments »

 1. B said,

  June 26, 2014 @ 4:50 am

  Beautiful ghazal .

 2. Pushpakant Talati said,

  June 26, 2014 @ 11:31 pm

  વાહ !! !
  દિલ બાગ – બાગ હો ગયા. – અફલાતૂન

  બીજી કડી માં પહેલી લિટી માં “ગિલાબો સહસ્ત્ર” કે ગુલાબો સહસ્ત્ર” ?
  અને તે જ રીતે છઠ્ઠી કડી માં બીજી લિટી માં “સિગંધની લિપિમાં” કે “સુગંધની લિપિમાં” ?
  વળી પાંચમી કડી માં “નયણોનાં” ને બદલે “નયણનોનાં” વધુ યોગ્ય જણાય છે.

  આ તો મારો માત્ર અભિપ્રાય જ છે. – પુષ્પકાન્ત તલાટી

 3. વિવેક said,

  June 27, 2014 @ 1:10 am

  @ પુષ્પકાંતભાઈ:
  ટાઇપિંગની ભૂલ છે… આભાર…

 4. yogesh shukla said,

  June 28, 2014 @ 6:43 pm

  સુંદર રચના

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment