સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.
વિવેક મનહર ટેલર

મેળો આપો તો એક માનવીની સંગ – હરીન્દ્ર દવે

મેળો આપો તો એક માનવીની સંગ,
અને એકલતા આપો તો ટોળે,
જીવન આપો તો એવું આપો કે
શ્વાસ એના કેફના કસૂંબાને ઘોળે !

તરતાં ના આવડે લગાર અને તગતગતા
તડકાનો દરિયો લલકારે.
થાકેલી આંખો અંજાતી નથી, તોયે
થોડાં મૃગજળ ચળકે છે મઝધારે.

ટીંપેથી પાય તો ધરાઉં, સાવ તરસ્યો હું
રહી ગયો છલકાતી છોળે.

સૂની બપોરની આ એકલતા એકલતા
એકલતા બોલી અકળાવો.
ઊગતી સવારના આ ડહોળાતા રંગમાં
જો થોડી આ સાંજ ઘૂંટી લાવો.

કોઇએ ના હોઠે અડકાડ્યું એ અમરતને
કોણ હવે આકાશે ઢોળે?

હરીન્દ્ર દવે

સિદ્ધહસ્ત કવિની ખૂબી જ એમાં છે કે તે એક તીરથી સાત તાડના વૃક્ષો વીંધે… આ કાવ્ય ક્યાંથી ઉઘડે છે તે જુઓ- અર્થપૂર્ણ એક સંબંધ કવિ પ્રાર્થે છે. થાકેલી આંખો અંજાતી તો નથી પરંતુ કદાચ છેતરાઈ પણ જાય….. સતર્કતા થોડી ઢીલી મૂકાઈ પણ જાય….. ઈશ્વરે જે અફાટ માયા પાથરી છે તેમાં કવિને રસ નથી – એ તો ‘ટીપેથી પાય તો ધરાઉં’ એમ કહે છે…..અંતે કવિ આ સમગ્ર લીલામાં રહેલા એક સાતત્યને પિછાણે છે અને એક અનુત્તર પ્રશ્ન સાથે વિરમે છે….

4 Comments »

 1. pragnaju said,

  June 2, 2014 @ 8:54 am

  ઊગતી સવારના આ ડહોળાતા રંગમાં
  જો થોડી આ સાંજ ઘૂંટી લાવો.
  કોઇએ ના હોઠે અડકાડ્યું એ અમરતને
  કોણ હવે આકાશે ઢોળે?
  ‘વિપશ્યના’ની અધ્યાત્મિક અપલિફટિંગની પ્રક્રિયામાં મૌનનું મહત્વ સમજાવવા એક જ ઓરડામાં રહેતા બે જણાને એકબીજા સાથે વાત ન કરવાની સૂચના આપવામાં આવે છે. એક ઓરડામાં કેટલાક દિવસ સાથે રહેનારા બે જણા એકબીજાની હાજરી છતાં મૌન રહેતાં શીખી જાયે ત્યારે એમને ‘એકલતા’માંથી ‘એકાંત’ તરફ જવાની લાગણી સમજાય છે.

 2. Maheshchandra Naik (Canada) said,

  June 2, 2014 @ 11:20 am

  મેળો આપો તો એક માનવીની સંગ,
  અને એકલતા આપો તો ટોળે,
  જીવન આપો તો એવુ આપો કે
  શ્વાસ એના કેફના કસૂંબાને ધોળે !
  આવી વાત શ્રી હરીન્દ્રભાઈ દવે પાસેથી જ પ્રાપ્ત થઈ શકે, આપનો આભાર……………

 3. Ravindra Sankalia said,

  June 7, 2014 @ 8:52 am

  હરીન્દ્ર દવેની કવિતા બહુ વખતે વાન્ચવા મળી ને દિલ તરબતર થઇ ગયુ. એક માનવીનો મેળો અને ટોળામ એકલતા અદ્ભુત કલ્પના

 4. Neha said,

  March 26, 2017 @ 10:19 pm

  વાહ કવિ વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment