એવા વળાંક પર હવે ઊભો છે કાફલો;
અહીંથી જવાય રણ તરફ, અહીં નદી તરફ.
કિસન સોસા

અમીં નહીં ! અમીં નહીં ! – પ્રદ્યુમ્ન તન્ના

રમતું’તું રાત્યદંન જીભે જિનું નામ
ઈ જીવતો ને જાગતો જો આવી મળ્યો આમ
તો ઝબ્ભ લીધો ઝાલી, હવે છોડે ઈ બીજાં,
સઈ ! અમીં નહીં ! અમીં નહીં !

જેટલું સુગાળવી નજરે નિહાળી રિયાં
આવતાં ને જાતાં સહુ લોક
એટલું હસીને અમીં જૂઠી મરજાદનાં
ઓઢણ ઉતાર્યાં છડેચોક !
એ જી ઊભી બજાર બીચ વીંટ્યો કાળો કામળો
કે ઓર કો’ મલીર હવે ઓઢે ઈ બીજાં,
સઈ ! અમીં નહીં ! અમીં નહીં !

ઘેર ઘેર થાય ભલે વાત્યું વગોવણીની
જીવને ના છોભ જરી થાતો,
જગના વે’વારથી વેગળો તે વ્હાલપનો
જોઈબૂઝી બાંધ્યો છે નાતો!
એ જી ભવ ભવના ભાગ લીધાં આંકી લેલાડ
કે ચાંદલો ગમે તે હવે ચોડે ઈ બીજાં,
સઈ ! અમીં નહીં ! અમીં નહીં !

– પ્રદ્યુમ્ન તન્ના

એક નોખી ભાતનું તળપદી ગીત……

8 Comments »

 1. Harshad said,

  March 2, 2014 @ 10:01 am

  Beautiful !!!

 2. Maheshchandra Naik (Canada) said,

  March 2, 2014 @ 11:53 am

  સરસ રચના……………………..

 3. Shah Pravinchandra Kasturchand said,

  March 2, 2014 @ 2:32 pm

  ઈ વાંચિને રાજી નોં થાય ઇ બીજા
  અમીં નહીં ! અમીં નહીં ,
  હમજ્યા મારા ભઈ!

 4. harnish jani said,

  March 2, 2014 @ 2:37 pm

  ઈટાલિયન કન્યા રોઝાલ્બાને પરણ્યા પછી બન્નેની મનોદશા આ અમી નહિ અમી નહિ જેવી જ હશે.ધન્ય છે પ્રદ્યુમ્નભાઈને.આ કાવ્ય એમને અંજલિરૂપ મુકવા બદલ સંપાદકોને ધન્યવાદ.

 5. ધવલ said,

  March 2, 2014 @ 7:27 pm

  સલામ !

 6. વિવેક said,

  March 3, 2014 @ 7:11 am

  @ હરનિશ જાની:

  નિતાંત પ્રણયોક્તિનું આ ગીત ભલે ૧૯૮૭માં લખાયું હોય એની પૂર્વભૂમિકા ૧૯૬૮ની છે.

  આ ગીત વિશે કવિની પોતાની કેફિયત પણ માણવા જેવી છે:

  “‘૧૯૬૫ના સપ્ટેમ્બર દરમિયાન હું અને રોઝાલ્બા નેપલ્સમાં પરણ્યાં. ઝઝા અંતર અને ખર્ચની સમજી શકાય એવી બાધાને લઈ એકેય કુટુંબી એ ટાણે હાજર રહી શક્યું નહોતું. પત્ની સંગ ભારત પાછાં ફરતાં સંજોગોવશાત્ ત્રણેક વર્ષો નીકળી ગયાં. પહેલી જ વાર ઘરે આવતી પરદેશી વહુને જોવા કુટુંબ આખુંય ભેળું મળ્યું. બાપુએ રમૂજમાં સવાલ કર્યો, ‘દીકરી! તારે ગામ કોઈ ન જડ્યો તે મારા દીકરાનો હાથ ઝાલ્યો?!’ સવાલને સમજતાંની સાથે જ બાપુ સંગ આંખ પરોવતી એ બોલી, ‘બાપુજી ! ભાગ જાતું’તું મારે રસ્તે થઈ, ઓળખ્યું ને ઝબ્બ લીધું ઝાલી, હવે છોડે ઈ બીજા!’ સ્થળ-કાળ, દેશ-વિદેશ, રહેણી-કરણી, ધર્મ અને ભાષાની ભિન્નતાને સાંકળતા પ્રેમોદગાર થકી નીપજ્યું છે આ વ્રજ ગીત ‘”

 7. Mehul A. Bhatt said,

  March 3, 2014 @ 12:57 pm

  v.nice

 8. raanaabhai said,

  March 7, 2014 @ 5:34 am

  અમીં શબ્દ મારા ગામમાં અમેં માટે વપરાય બરોબર તે જ અર્થ જોઇ પોતિકું લાગ્યુ પરંતુ વિવેક ભાઇનુ અવતરણ વાંચી લાગે છે લાગણી માટે સમય ૮૭ હોય કે ૬૮ અથવા ૧૪ની એતો આજ કહેવાતી વાતજ લાગે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment