અહીં સ્વપ્નો કલરફુલ છે,
અને જીવન છે રાખોડી.
વિવેક મનહર ટેલર

રંગપિયાલો – હસિત બૂચ

રંગપિયાલો ચડ્યો, રગેરગ રંગપિયાલો ચડ્યો;
ક્ષણભર પણ વીંટળાઈ આપણે અમર માંડવો રચ્યો.

રૂં-રૂં ફૂલ થઈ મઘમઘિયાં,
સુરભિ શ્વાસ છવાઈ;
હોઠ મળ્યાં, ઉરપરણ લહરિયાં,
બજી મૌનશહનાઈ;
અહો, આપણા આશ્લેષે શો અમલ નિરાળો ધર્યો !

ગગન બારીએ ઝૂક્યું-હરખ્યું,
ક્ષિતિજ આંખ મલકાઈ;
અહો, ઓરડે કેસર વરસ્યું,
પીઠી અલખ લગાઈ;
અમી આપણે લૂંટ્યું-લુટાવ્યું, કાળે મુજરો ભર્યો !

– હસિત બૂચ

લયસ્તરો પર પ્રદ્યુમ્ન તન્નાનું એક મજાનું સ્પર્શકાવ્ય માણ્યું ને આ ગીત યાદ આવી ગયું…

આલિંગનનું આવું મજાનું ગીત કદી માણ્યું છે? ક્ષણભર બે જણ વીંટળાયા એમાં તો અ-મર માંડવો રચાઈ ગયો… કેવો છે આ માંડવો? રૂંવા-રૂંવા ફૂલ થઈને મઘમઘે છે ને એની સુવાસ શ્વાસમાં પ્રસરે છે… જ્યાં બે ઓષ્ઠદ્વય એક થયાં કે તરત હૈયાના પાંદડા લહેરવા માંડે છે અને મિલનની આ ક્ષણોમાં જે શહનાઈ માંડવામાં ગૂંજી ઊઠે છે તે વળી મૌનની શહનાઈ છે… દ્વૈતમાંથી અદ્વૈત થવાની ક્ષણે શબ્દોની શી આવશ્યક્તા? ત્યાં તો મૌન જ લહેરાશે… કેવો પ્રેમનો અમલ ! કેવું અમી ! ખુદ કાળ પણ લળી લળીને સલામ ભરે છે…

(રૂં-રૂં= રૂંવા-રૂંવા; ઉરપરણ= હૈયાનાં પર્ણ; અમલ= નશો; મુજરો = સલામ)

3 Comments »

  1. Rina said,

    January 31, 2014 @ 2:02 AM

    Beautiful. …….

  2. ધવલ said,

    February 1, 2014 @ 10:46 AM

    બહુ સરસ ગીત ! એક એકથી ચડિયાતી પંક્તિ … ને છેલ્લે ‘કાળે મુજરો ભર્યો’ … વાહ !

  3. Harshad said,

    February 1, 2014 @ 12:29 PM

    Beautiful. Like it.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment