આમ જો કહેવા હું બેસું તો યુગો વીતી જશે;
આમ જો તું સાંભળે તો એક ક્ષણની વાત છે.
ભગવતીકુમાર શર્મા

ગઝલ – રઈશ મનીઆર

તમે આવી ગયા, તો રાત અંધારી હવે કેવી!
હવે દીવાનગી છે બસ, સમજદારી હવે કેવી!

ઈજા થઈ છે, વહ્યું લોહી, એ કાગળ પર ઉતરવાનું!
ફકત શાહીમાં બોળેલી કલમકારી હવે કેવી!

રઝળતી લાગશે, તો પણ તમારે રસ્તે રઝળે છે,
સલામત છે અમારી જાત, નોંધારી હવે કેવી!

ગમી જો જાય તમને તો આ મિલ્કત પણ તમારી છે
સભા વચ્ચે મૂકી દીધી, ગઝલ મારી હવે કેવી!

ગમે તે પળ તુ આવે તો, ભલે, હે મોત મેહબૂબા!
તરત ચાલી નીકળશું, કોઈ તૈયારી હવે કેવી!

કફન પર સાદગી શોભે, કફન કોરું જ રહેવા દો
જીવનભર બહુ કરી, આજે, મીનાકારી હવે કેવી!

– રઈશ મનીઆર

લયસ્તરો પર છેલ્લા ત્રણ દિવસથી ખીલેલ ‘રઈશ-વિશેષ’ના બિલિપત્રનું આ ત્રીજું પાંદડું… સભાની વચ્ચે મૂકીને લોકાર્પિત કરી દેવાયેલી આ ગઝલ વિશેષ ટિપ્પણીની મહોતાજ નથી…

5 Comments »

 1. bharat vinzuda said,

  February 8, 2014 @ 9:15 am

  બહુ સુંદર ગઝલ છે. ટિપ્પણીની મહોતાજ નથી…

 2. Chandresh Thakore said,

  February 8, 2014 @ 2:24 pm

  વાહ, રઈશભાઈ, વાહ ઃ ગજબ કરી. … એક એક શેર અફલાતુન!
  કફન પર સાદગી શોભે, કફન કોરું જ રહેવા દો
  જીવનભર બહુ કરી, આજે, મીનાકારી હવે કેવી! … શેર સવિશેષ ગમ્યો.

 3. Rakesh said,

  February 9, 2014 @ 11:37 pm

  aafrin! Wah!

 4. Harshad said,

  February 11, 2014 @ 9:04 pm

  અફલાતુન ગઝલ . બે ઘડિ શુન્યમનસ્ક થૈ જવાયુ.

 5. B M PARMAR said,

  February 11, 2014 @ 11:41 pm

  બહુ સુંદર ગઝલ છે. રઈશ મનીયાર ને ટિપ્પણીની મહોતાજ નથી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment