આંસુભર્યા તળાવમાં કાગળની હોડીઓ,
સ્ફુરે ગઝલ એ ચંદ્રકિરણનો પ્રસંગ છે.
ભગવતીકુમાર શર્મા

જેનીએ મને ચુંબન કર્યું

જેનીએ મને ચુંબન કર્યું જ્યારે અમે મળ્યા-
જે ખુરશીમાં એ બેઠી હતી એમાંથી ઊછળીને;
કાળ ! ચોર ! તને આદત છે બધી મીઠી વસ્તુઓ
તારી યાદીમાં સમાવી લેવાની, આ પણ નોંધ !
કહેજે કે હું થાકી ગયો છું, કહેજે કે હું દુઃખી છું,
કહેજે કે આરોગ્ય અને સંપત્તિ -બંને મને ચૂકી ગયાં છે,
કહેજે કે હું ઘરડો થઈ રહ્યો છું, પણ ઉમેરજે,
કે જેનીએ મને ચુંબન કર્યું.

– જેમ્સ લે હન્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)

માણસ પ્રેમમાં પડે ત્યારે સાવ સરળ બાબત પણ કેવી ઉત્તેજના, કેવો ગર્વ જન્માવે છે એનું સર્વાંગસંપૂર્ણ ઉદાહરણ ! વિદેશમાં મુલાકાત થાય ત્યારે ચુંબન કરવાની પ્રણાલિ તો સામાન્ય છે પણ અહીં ખુરશીમાંથી ઊછળીને ચુંબન કરવામાં આવે છે એ ‘ઉછળવા’ની ક્રિયા આખી વાતને અસામાન્ય બનાવી દે છે. ભલભલી યાદોને ચોરી લેતો સમય આ ક્ષણ ચૂકી ન જાય એ માટેની કવિની ટકોર વાતને કાવ્યની કક્ષાએ લઈ જાય છે.

રચનાની દૃષ્ટિએ જોઈએ તો અંગ્રેજીમાં જવલ્લે વપરાતા ટ્રોકેઇક મીટર (સ્વરભારવાળો શબ્દાંશ પછી સ્વરભારહીન શબ્દાંશ)નો અહીં પ્રયોગ થયો છે. સામાન્યરીતે અંગ્રેજી કવિતામાં સ્વરભારનો પ્રયોગ આનાથી ઊલટી રીતે થાય છે. અબઅબ-કડકડની પ્રાસરચના પણ પરંપરાથી જરા ઉફરી ચાલે છે.

એવી વાયકા છે કે ફ્લુની લાંબી બિમારીમાંથી ઊઠીને હન્ટ જ્યારે થોમસ કાર્લાઇલને મળવા જાય છે ત્યારે એની પત્ની જેન વેલ્શ કાર્લાઇલ ખુરશીમાંથી ઉછળીને એને ચૂમે છે. બે દિવસ પછી હન્ટનો નોકર આ કવિતા જેનને આપી જાય છે.

આ કવિતા વિશે વધુ જાણવું હોય તો : Jenny kiss’d me

આ કવિતાની કેવી-કેવી પ્રતિકવિતાઓ બની છે વાત પોતે આ કવિતાની લોકપ્રિયતાની દ્યોતક છે: પ્રતિકવિતાઓ

*

Jenny kiss’d me when we met,
Jumping from the chair she sat in;
Time, you thief, who love to get
Sweets into your list, put that in!
Say I’m weary, say I’m sad,
Say that health and wealth have miss’d me,
Say I’m growing old, but add,
Jenny kiss’d me.

– James Henry – Leigh Hunt

4 Comments »

  1. ravindra Sankalia said,

    December 28, 2013 @ 6:11 AM

    ઉત્કટ પ્રેમ દર્શાવતુ સરસ પણ જરા ઉફરા પ્રકારનુ કાવ્ય.

  2. beena said,

    December 29, 2013 @ 3:16 AM

    આપણે પ્રેમ કરવાનું ભુલી ન જઈએ માટે આ કાવ્ય.
    ચાલો ખુરશી પર આરામ ફરમાવવાનું છોડી
    કુદીને સહુ ને જાદુની ઝપ્પિ આપીએ.
    અને
    જેનિની કિસ આપીએ
    .જેથી આટલી સીધી સાદી વાત શિખવવા ઈસુએ ક્રોસ પર ચડવું ન પડે . —-અપરાજિતા

  3. PRAGNYA said,

    December 29, 2013 @ 8:50 AM

    ખુબ સરસ!!!

  4. Harshad said,

    December 30, 2013 @ 10:19 PM

    Like it.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment