તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
રાજેશ વ્યાસ 'મિસ્કીન'

નાનપણમાં – રમેશ પારેખ

નાનપણમાં બોરાં વીણવા જતા.
કાતરા પણ વીણતા.
કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા.
ટેટા પાડતા.
બધા ભાઇબંધોપોતાનાં ખિસ્સામાંથી
ઢગલી કરતા ને ભાગ પાડતા-
-આ ભાગ ટીંકુનો.
-આ ભાગ દીપુનો.
-આ ભાગ ભનિયાનો, કનિયાનો…
છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા-
‘આ ભાગ ભગવાનનો !’

સૌ પોતપોતાની ઢગલી
ખિસ્સામાં ભરતા,
ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી
રમવા દોડી જતા.

ભગવાન રાતે આવે, છાનામાના
ને પોતાનો ભાગ ખાઇ જાય-એમ અમે કહેતા.

પછી મોટા થયા.
બે હાથે ઘણું ય ભેગું કર્યું ;
ભાગ પાડ્યા-ઘરના, ઘરવખરીના,
ગાય, ભેંસ, બકરીના.
અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો ?

રબીશ ! ભગવાનનો ભાગ ?
ભગવાન તે વળી કઇ ચીજ છે ?

સુખ, ઉમંગ, સપનાં, સગાઇ, પ્રેમ-
હાથમાં ઘણું ઘણું આવ્યું…

અચાનક ગઇ કાલે ભગવાન આવ્યા;
કહે : લાવ, મારો ભાગ…

મેં પાનખરની ડાળી જેવા
મારા બે હાથ જોયા- ઉજ્જ્ડ.
એકાદ સુકું તરણું યે નહીં.
શેના ભાગ પાડું ભગવાન સાથે ?
આંખમાં ઝળઝળિયાં આવ્યાં,
તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને.

વાહ !- કહી ભગવાન મને અડ્યા,
ખભે હાથ મૂક્યો,
મારી ઉજ્જ્ડતાને પંપાળી,
મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી.

તેણે પૂછ્યું : ‘કેટલા વરસનો થયો તું’
‘પચાસનો’ હું બોલ્યો
’અચ્છા…’ ભગવાન બોલ્યા : ‘૧૦૦ માંથી
અડધાં તો તેં ખરચી નાખ્યાં…
હવે લાવ મારો ભાગ !’
ને મેં બાકીનાં પચાસ વરસ
ટપ્પ દઇને મૂકી દીધાં ભગવાનના હાથમાં !
ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય.

હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું અહીં.
જોઉં છું રાહ-
કે ક્યારે રાત પડે
ને ક્યારે આવે છાનામાના ભગવાન
ને ક્યારે આરોગે ભાગ બનેલા મને
ને ક્યારે હું ભગવાનનાં મોંમાં ઓગળતો ઓગળતો…

– રમેશ પારેખ

શું આલેખન છે !!!! અદભૂત !!

11 Comments »

  1. himanshu vyas said,

    December 30, 2013 @ 6:15 AM

    અદભુત કાવ્ય રચના ! ખુબજ સચોટ !

  2. ravindra Sankalia said,

    December 30, 2013 @ 7:10 AM

    ભગવાનના મનમા ઓગળતો ઓગળતો …… પછી આગળ શુ? ઓગળ્અતો ઓગળ્અતો ભગવાનનો બની ગયો?

  3. perpoto said,

    December 30, 2013 @ 10:06 AM

    ખુબ જ સુંદર કાવ્ય,પ્રામાણિક અને અવલોકનકારી…
    કોઇકવાર એવું જણાય છે,માણસ ફુટતો હોય છે,ફુગ્ગા જેવો અચાનક,ઓગળવાનાં સ્વપ્નો જોતો જોતો…

    ઝાંકળ હતું
    પરોઢે જોતું સ્વપ્નાં
    હેં! ઓગળવાના

  4. rasikbhai said,

    December 30, 2013 @ 11:21 AM

    ભગાવાન નો ભાગ ઈ જિન્દગિ નો ભાગ્ વાહ બહુ સરસ

  5. ધવલ said,

    December 30, 2013 @ 1:18 PM

    વાહ ! સલામ !

  6. Jayshree said,

    December 30, 2013 @ 6:24 PM

    આ જ કવિતા – કવિ શ્રી ના પોતાના અવાજમાં સાંભળવાનો એક અનેરો આનંદ છે.
    http://tahuko.com/?p=9788

  7. harnish said,

    December 31, 2013 @ 12:00 AM

    આ કાવ્યના તો કોઈપણ જાતના વખાણ પણ ઓછા પડે ! માસ્ટરપીસ.

  8. Sangita dave said,

    December 31, 2013 @ 12:25 AM

    Balpan ni nikhalasta ane motpan ni naffatata nu sachot alekhan

  9. Sandhya Bhatt said,

    December 31, 2013 @ 10:49 AM

    અદભુત…

  10. વિવેક said,

    January 1, 2014 @ 1:52 AM

    સુંદર કવિતા…

  11. Shah Pravinchandra Kasturchand said,

    January 4, 2014 @ 9:47 PM

    માળા ફેરવતા ફેરવતા ભગવાનના પડખામાં બેઠો હોવાનો ભાસ થઈ ગયો.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment