ઈશ્વર એ પછી સહેજમાં સમજાઈ જશે
એકવાર અમો પોતાને સમજી લઈએ
ઓજસ પાલનપુરી

માનજો પ્રેમની એ વાત નથી – મરીઝ

માનજો પ્રેમની એ વાત નથી,
એ જો થોડીક વાહિયાત નથી.

આહ! કુદરતની અલ્પ સુંદરતા!
પૂરેપૂરો દિવસ પ્રભાત નથી.

હું તો કેદી છું ખૂદના બંધનનો,
બહારનો કોઇ ચોકિયાત નથી.

તેથી પુનર્જન્મમાં માનું છું,
આ વખતની હયાત, હયાત નથી.

ક્યાંથી દર્શન હો આખા માનવનૂં,
આખો ઈશ્વર સાક્ષાત નથી.

અન્ય અંધારા પણ જીવનમાં છે,
એક કેવળ વિરહની રાત નથી.

આખી દુનિયાને લઇને ડૂબું છું,
આ ફક્ત મારો આપઘાત નથી.

આમ દુનિયા વિના નહીં ચાલે,
આમ દુનિયાની કોઈ વિસાત નથી.

વાત એ શું કહે છે એ જોશું,
હજી હમણાં તો કંઈ જ વાત નથી.

ભેદ મારાં છે – તે કરું છું સ્પષ્ટ,
એમાં કોઈ તમારી વાત નથી.

મારું સારું બધું સહજ છે ‘મરીઝ’,
કેળવેલી આ લાયકાત નથી.

– મરીઝ

પ્રત્યેક શેરની સરળતા જુઓ !!!!!

7 Comments »

 1. sushma said,

  December 23, 2013 @ 4:21 am

  superb .. thx for sharing ! wish you happy holidays !

 2. Manubhai Raval said,

  December 23, 2013 @ 7:16 am

  આખીય ગઝલ માણવા લાયક છે

 3. siddharth j Tripathi said,

  December 23, 2013 @ 9:21 am

  Hunto kedi chhu khud na bandhanno

  Baharno koi chokiyat nahi .

  Apane sau apnaj bandhano thi J bandhayela chhi e !

 4. ધવલ said,

  December 23, 2013 @ 10:25 am

  છેલ્લા શેરની ઝળઝળાહટમાં આ બે ધારદાર શેર પર પહેલા એટલું ધ્યાન નહોતું ગયુંઃ

  આખી દુનિયાને લઇને ડૂબું છું,
  આ ફક્ત મારો આપઘાત નથી.

  આમ દુનિયા વિના નહીં ચાલે,
  આમ દુનિયાની કોઈ વિસાત નથી.

  અને, છેલ્લા શેરનો કાન આમળીને આમ પણ બોલતાઃ

  મારે ક્યાં કશું સહજ છે ‘મરીઝ’,
  કેળવાતી કોઈ લાયકાત નથી.

  – આ અર્થ પણ ઘણી વાર કામ લાગે છે 🙂 🙂

 5. perpoto said,

  December 23, 2013 @ 12:15 pm

  છે અને નથી
  દ્વૈતમાં ફસાયો છું
  વહું છું કાંઠે

 6. heta said,

  December 29, 2013 @ 10:19 am

  વાહ………

 7. Suresh Shah said,

  February 24, 2014 @ 12:57 am

  નારી ને યુગ યુગ્ થી શક્તિનુ સ્વરુપ માનવામા આવે છે. તમારી વાત સમજવી સહેલી નથી.

  – સુરેશ શાહ, સિંગાપોર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment