રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ,
મેં મુસીબતમાં મદદ માંગી નહીં.

મરીઝ

પરપોટો – રમેશ પારેખ

પરપોટો પાણીમાં મુંઝાય હો ખલાસી,
પાણીમાં મુંઝાય હો રે, પાણીથી મુંઝાય,
પાણીથી કેમ કરી અળગા થવાય?
પરપોટો પાણીમાં મુંઝાય..

પાણીમાં બંધાણું એનું પોત હો ખલાસી,
અને પાણીમાં છપાણું એનું નામ.
સામગામ પરપોટા સોંસરો દેખાય,
અને પરપોટો ફૂટ્યો અહીંયા,

અરે પાણીમાં રહેવાને કાળીમાં ના રહેવા..
હો ખલાસી.. હો ખલાસી…
પરપોટો પાણીમાં મુંઝાય..

પાણીમાં દેખાય આખું આભ હો ખલાસી,
એમાં કેમ કરી ઉડવા જવાય,

પાંગળા તરાપા ને હોડીયું પાંગળી,
તે પાણીમાં તો એ ઉડે ભાઈ.
અરે પરપોટો કેવો રે નોંધારો ફૂટી જાય..
પરપોટો પાણીમાં મુંઝાય..

– રમેશ પારેખ

6 Comments »

 1. perpoto said,

  December 22, 2013 @ 11:37 am

  ક્યાં ફુટે ફુલે
  વ્હેણમાં પરપોટો
  મલકે મ્હાલે

  ર.પા. સાહેબને અર્પણ

 2. Dhaval said,

  December 22, 2013 @ 12:48 pm

  પાણીના હોવું ને પાણીમાં હોવું છતાં પાણીથી અલગ ઊભા રહેવાની કોશીશ કરવાની તકલીફ …પરપોટો પાણી જ છે અને પરપોટો ખાલી પાણી તો નથી જ ….

  ભાઈ પરપોટા, આ બધી વાત તો ખરી જ છે… પણ વિચાર કરી જો : બે ઘડી જીવવું એમાં આટલો મુંઝારો શું કામ ? એ કરતા તરે રાખ. પાણી ય ઘણું છે ને પરપોટા ય ઘણા છે. ચાંદનીમાં મલકી જવાનું ને તડકામાં ચમકી જવાનું ચાલુ રાખ… પછી તો ‘પુનરપી’ છે જ !

 3. vineshchandra chhotai said,

  December 22, 2013 @ 11:52 pm

  આ જ જિન્દ્ગિ ,ને જ પર્પોતો ……………….

 4. વિવેક said,

  December 23, 2013 @ 1:07 am

  ધવલની વાત પરથી પરપોટાની કેટલીક વાતો યાદ આવી:

  पानी के बुदबुदों सा ये जीवन मेरा हुआ,
  जब भी सतह पे आता हूँ, मैं तूट जाता हूं ।

  *

  ભલેને લોક એને ભાગ જળનો માનવાના,
  જીવન માપો તો છો ને અલ્પજીવી લાગવાના;
  ભરીને વાયુ ભીતરમાં અલગ રાખે છે દમ જે,
  એ પરપોટા છે સાચા અર્થમાં મોતી હવાના.

  *

  પરપોટો થઈ વિલાવાનું જળમાં થયું નસીબ,
  હોવાપણાંનો દેહ ન ત્યાગી શકી હવા.

 5. La' Kant said,

  December 23, 2013 @ 1:33 am

  “અરે પરપોટો કેવો રે નોંધારો ફૂટી જાય..
  પરપોટો પાણીમાં મુંઝાય..” જ્યાં રે’વું ત્યાં મુંઝાવું કે’વુ?
  ” હોવાપણાંનો દેહ ન ત્યાગી શકી હવા. …. ” દેહ-ત્યાગ તો નિશ્ચિત છે ને ?

  ” હું જળમાં ગ્યો,પરપોટો થ્યો,ફુલાઈને ફૂટ્યો, [ ફુલાય નહિ ,તો ફુટે ? ” ]
  ભરતીમાં જીવે દરિયો ઓટમાં પરપોટા જો!
  દરિયો છે ત્યાં લગી પરપોટા તો રહેવાના જો! [ ગતિ =હલચલ તો દરિયાનો સ્વભાવ.કેમ છુટે?]
  આ કેવું?પરપોટાનું જીવવું?હવાને બાંધી જીવે!
  પાણીનાં પોત પે’રે, ફૂટું – ફૂટું ક્ષણભર જીવે! [ક્ષણભર જીવે! ..]
  ફૂટીને થાય હવા,પવન તો વા’ય,એને શું થાય?
  રોક્યા રોકાય? રોકો તો અવળી દિશા ફરી જાય
  દરિયો સૂકાય સૂર્યથી,વાદળ થાય,પરપોટા જો!
  વાદળ વરસે થાય પરપોટા,કુદરતનો આ ક્રમ જો. ”

  -લા’ કાંત / ૨૩-૧૨-૧૩

 6. Harshad said,

  December 23, 2013 @ 12:22 pm

  Beautiful, like it.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment