મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે !
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે !
ઉમાશંકર જોશી

કંચુકીબંધ છૂટ્યા ને – પ્રિયકાન્ત મણિયાર

કંચુકીબંધ છૂટ્યા ને હટ્યું જ્યાં હીર-ગુંઠન
હૈયાનાં લોચનો જેવાં દીઠાં બે તાહરાં સ્તન.
વૃત્તિઓ પ્રેમની સર્વ કેન્દ્રિત થઈ જ્યાં રહી;
પ્રીતના પક્ષીનો માળો રાતી નીલી નસો મહીં.

અગમ્ય રૂપનાં કિન્તુ ત્વચા તો પારદર્શક,
મનનાં લોહને મારાં ચુંબક જેમ કર્ષક.
દીસંત આમ તો જાણે ઘાટીલી નાની ગાગર,
જાણું છું ત્યાં જ છૂપા છે શક્તિના સાત સાગર !

મન્મથ-મેઘ ઘેરાતા કાયાના વ્યોમમાં લસે,
તારા ત્યાં સ્તનના જાણે મોરલા ગ્હેકી ઊઠશે !
દીઠું મેં એવું એવું કૈં ભાવિ ને ગત કાલની
વસંતો ઊર્મિઓ વેરે સાંપ્રતે હ્યાં જ વ્હાલની;
કંચુકીબંધ છૂટ્યા ને

રહસ્યબંધને બાંધ્યો…

– પ્રિયકાન્ત મણિયાર

સંભોગશૃંગારની વાત થાય, સાવ જ ઉઘાડાં શબ્દોમાં થાય ને તોય એ સુચારુ કવિતાસ્વરૂપે જનમનને આકર્ષી શકે એવું દૈવત તો કોઈક જ કલમમાં હોય. “ચોલી કે પીછે ક્યા હૈ” જેવો ગર્ભિત પ્રશ્ન પૂછવાના બદલે કવિ સોંસરું જ કહે છે કે ચોળી ખૂલીને જ્યાં રેશમી બંધન હટ્યું કે હૈયાના લોચન સમા બે સ્તન નજરે ચડ્યાં. પણ રહો… હૈયાના લોચન ?! કવિ બે સ્તનને એમની નીચે ધબકતા હૃદયની બે આંખ હોય એમ જુએ છે… અહીં જ સંભોગશૃંગાર કવિતાની ચરમસીમાએ પહોંચે છે…

પ્રિયતમ સામે નિરાવૃત્ત થવાની અનંગવેગની ચરમક્ષણે લોહી કેવું ધસમસ ધસમસ વહેતું હશે ! સ્તનમંડળ પર ઉપસી આવેલી લોહીની રાતી-લીલી નસોમાં કવિને પ્રીતના પંખીનો માળો નજરે ચડે છે. અહો ! અહો !

અહમની સરહદ જ્યાં ઓગળી જાય એ પ્રેમ. સેક્સની પરાકાષ્ઠાએ જ પુરુષ કબૂલી શકે કે એનું મન કંચન નહીં, લોહ છે અને સ્ત્રીના સ્તન એને લોહચુંબકની જેમ આકર્ષે છે. કામના વાદળો ગોરંભે ચડે છે ત્યારે સ્તનની ડીંટડીઓની ઉત્તેજનામાં કવિને મોરનો ગહેકાટ અનુભવાય છે.

ગઈકાલની વસંતો આજે ઊર્મિઓ વેરી રહી છે ને કવિને ખુલતા કંચુકીબંધમાં રહસ્યના બંધનોમાં બંધાતું ભાવિ નજરે ચડે છે… આવનારા બાળકની વાત છે?

12 Comments »

 1. Chetna Bhatt said,

  January 23, 2014 @ 1:20 am

  બહુજ સરસ કવિતા અને તમે જે રિત વિવરણ્ કર્યુ..એ પણ્ બહુ ગમ્યુ…

 2. ravindra Sankalia said,

  January 23, 2014 @ 6:43 am

  સમ્ભોગશ્રુન્ગારનુ આવુ સરસ ગીત પહેલીજ વાર વાચ્યુ. બીજા કોઇ કવિએ આવા ગીતની રચના કરી હોય એવુ જાણવામા આવ્યુ નથી

 3. La' Kant said,

  January 23, 2014 @ 7:07 am

  “અહમની સરહદ જ્યાં ઓગળી જાય એ પ્રેમ. સેક્સની પરાકાષ્ઠાએ જ પુરુષ કબૂલી શકે કે એનું મન કંચન નહીં, લોહ છે અને સ્ત્રીના સ્તન એને લોહચુંબકની જેમ આકર્ષે છે. કામના વાદળો ગોરંભે ચડે છે ત્યારે સ્તનની ડીંટડીઓની ઉત્તેજનામાં કવિને મોરનો ગહેકાટ અનુભવાય છે.”

  સામાન્યત: આપણને ” આભડ્છેટ/ અશ્પ્રુશ્યતા” જેવુ વલણ નડવાની માનસિકતા આડી આવે જ છે !!! ઈશ્વરે/કુદરતે આ સ્ત્રી-ની કાયાની રચના જ એવી કરી છે કે, સહુથી વધુ આકર્ષક ભાગ/અંગ એ “સ્તન”,અન્ય અંગોની જેમ એક અંગ જ છે ….છતાં સ્વકીય બિલ્ટ-ઇન કલ્ચર મનના મલાજા -મર્યાદા એ અંગત વાત ..અને ખુલે-આમ આમ વાત કરવી એ હિંમત માગે છે …. વિવેક્ભાઇ તમે સરસ ઉઘડ્યા ….અભિનંદન
  મરાઠી કવિ ગ્રેસ ની એક કવિતાનું વસ્તુ યાદ આવે છે :- ” આ ચાંદ જેવું મુખ જેણે આપ્યું તને ઘાટીલા તન-બદન સાથે…એણેજ આપ્યાં છે આ જાંઘ,વાળ અને હોઠ મને ,તને ચૂમવા માટે !”
  શ્રુંગાર એ આપણા અસ્તિત્વનો એક અગત્યનો ભાગ/અંગ/પાસું / રસ એ સ્વીકાર કરીએ . તેને “નકાર” /અતિ-ગુપ્તતા ના આવરણમાં …ન રાખીયે , “સેક્સ” બદ-ખરાબ જ એ સાપેક્શ્તા થી દૂર રહીએ .”કોઇ પણ વાતે ” અતિ” થી પણ સભાનતા કેળવીએ .
  આંભાર .
  -લા’ કાંત / ૨૩.૧.૧૪

 4. Maheshchandra Naik (Canada) said,

  January 23, 2014 @ 2:11 pm

  શૃગારરસને કલાત્મક બનાવી સરસ રીતે કવિતાને મુલવવાથી કવિતાનુ હાર્દ માણી શકાય છે, આપનો આભાર અને કવિશ્રીને અભિનદન……………………..

 5. Himanshu Trivedi said,

  January 23, 2014 @ 4:35 pm

  ખુબજ સુંદર કવિતા … અને જે વિષય-વસ્તુને કવિશ્રીએ સ્પર્શ્યું છે તે મોટા ભાગે ગુજરાતી કવિતા-સાહિત્યમાં અસ્પૃશ્ય રહ્યું છે.

  જોકે મને કવિ શ્રી સુરેશભાઈ દલાલ નો અદભુત પણ અપ્રાપ્ય કાવ્યસંગ્રહ મળશે તો કદાચ મારી આ માન્યતા બદલાશે … એક કવિતા એ કાવ્યસંગ્રહમાંથી વર્ષો પહેલા મેં સાંભળેલી એની એકાદ-બે પંક્તિઓ જણાવું છે અને જો આપને એવું લાગે કે વાચકોને માફક નહિ આવે અને રૂચીભંગ થશે તો ના મુકતા (પણ કવિ શ્રી સુરેશ દલાલ જ છે તે જાણશો)-
  “અમસ્તી અમસ્તી આ મસ્તી ગમે છે, સ્તનોની સુંવાળી આ વસ્તી ગમે છે….
  સતાનોનાં ઉછળતા આ દરિયાની ભીતર, તારે ચંદ્ર એવી આ કિશ્તી ગમે છે….” (તમને આખી કવિતામાં જો રસ પડે અને એ રચના જોઈતી હોય તો મારા ઈ-મેઈલ પર લખશો તો હું ચોક્કસ મોકલીશ. એમ તો શ્રી રમેશ પારેખ અને શ્રી નયન દેસાઈ દ્વારા પણ કેટલીક ઉત્તમ ગજાની સંભોગ-શૃંગાર અને વિરહ-શૃંગારની રચનાઓ છે – પણ એવા કેટલા ગુજરાતીઓ જે નાકનું ટેરવું ચઢાવ્યા સિવાય એ કવિતાઓને માણી શકે!?

 6. Himanshu Trivedi said,

  January 23, 2014 @ 4:36 pm

  “સ્તનોના” એવું વાંચવું … “સતાનોના” નહિ…માફ કરશો.

 7. Himanshu Trivedi said,

  January 23, 2014 @ 4:40 pm

  અને … “તરે ચંદ્ર…” – “તારે ચંદ્ર…” એ ખોટું છે – માફ કરશો, ઘણાં સમય પછી ગુજરાતી ભાષામાં type કર્યું એટલે જોડણી કે શબ્દો વાંચ્યા વગર જ મૂકી દીધા – ક્ષમા યાચું છું.

 8. Harshad said,

  January 23, 2014 @ 8:10 pm

  Awesome!! I not have words to say anything about this. Have only feelings.
  Thank you Vivek for this awesome poem. ( I would say it is ‘Peacocki Poem’)

 9. Dhaval Shah said,

  January 24, 2014 @ 11:14 am

  કવિતા અને કવિની હિંમત બન્ને ને દાદ ! કવિતામાંથી હજુ ય માનવના જીવનના સૌથી મોટા એક ભાગને બાદબાકી કરવામાં આવે છે. ત્યારે આ કવિતા તો ઘણા વર્ષો પહેલાની છે. એટલે વધારે સલામ !

 10. નરેન્દ્ર કાણે said,

  January 25, 2014 @ 2:04 am

  કવિતા અને તેના મૂલ્યાંકન વિષે મારું જ્ઞાન બહુજ નગણ્ય છે પણ આ કવિતા વાંચતા મને કવિ શ્રી જગદીપ વિરાણી જે કુદરત ના વર્ણન વિષે જાણીતા છે તેમની એક કવિતા ના થોડા
  ચરણ યાદ આવ્યા તે
  નીચે મુજબ ઃ-
  આ ધડકતી છાતી ઉપર
  સુગંધ તારા શીરની રે
  શ્યામ કેશના ગુંચલા મારા
  આંગળ મહી રમતા રે–મને યાદ ફરી ફરી આવે મારા અંતર ને રડાવે

  આ કાવ્ય ૧૯૪૯ની સાલ માં ફિલ્મ ‘નસીબદાર ‘ માટે તેમણે લખેલું અને મુકેશજી એ ગાયું છે

 11. mahesh dalal said,

  January 25, 2014 @ 11:19 am

  ખુબ સરસ્…ાન્હદ આનન્દ્..

 12. harish shah said,

  January 23, 2016 @ 12:14 pm

  A great need to enable the same thing happened in class when everybody has been included with the same feeling. Rich creation of being the part of process to be expected as an art of expression which is universal in different format as personal rejoinder

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment