ઠેસ રૂપે જોયો, જોયો ઈશ્વરની જેમ
પથ્થર કોણે જોયો છે પથ્થરની જેમ ?
રમેશ પારેખ

આવો – જયન્ત પાઠક

ઉંબર વટીને અંદર તડકાની જેમ આવો;
થીજ્યા સમુદ્ર ભીતર ભડકાની જેમ આવો.

નાડી ચલે ન, થંભ્યો છે સાંસનો ય સંચો;
મુઠ્ઠી સમા હૃદયના થડકાની જેમ આવો.

પલળી ગયેલ પાલવ લૂછી શકે ન આંસુ;
વાલમ નિસાસ-કોરા કડકાની જેમ આવો.

આ ગોરસી અને આ મથુરાની વાટ ખાલી;
આવો કહાન દહીંના દડકાની જેમ આવો.

પાણી વલોવી થાક્યાં આ નેતરાં, રવૈયો;
નવનીત સારવંતા ઝડકાની જેમ આવો.

-જયન્ત પાઠક

આ ગઝલ વાંચીએ ત્યારે કવિ પ્રધાનપણે ગઝલકાર તરીકે કેમ ન ઓળખાયા એવો પ્રશ્ન સહેજે થાય. સાવ નવા જ કાફિયાઓ વડે અર્થની અદભુત જમાવટ અહીં થઈ છે. કોઈની ભીતર શી રીતે પ્રવેશવું? પગ હોય ત્યાં ક્યાં તો પગરવ હોય ક્યાં પગલાં. પણ તડકો શી રીતે અંદર આવે છે એ કદી આપણે વિચાર્યું છે? ન ટકોરા, ન પગલાં, ન પગરવ. તિરાડમાંથી એ તો ધસમસ ઠેઠ અંદર ધસી આવે. અને આવે તેય કેવો? જ્યાં જેટલું મોકળું હોય ત્યાં બધે અ-સીમ ફેલાઈ જાય. પ્રિયતમ હોય કે ઈશ્વર- આપણી ભીતર આવે ત્યારે એને તડકાથી વધારે જાજવલ્યમાન કયો આવકારો આપી શકાય? અને તડકો કંઈ એકલો નથી આવતો. એ સાથે ઉષ્મા લાવે છે જે ભીતર થીજી ગયેલ આખા સમુદ્ર જેવડી વિશાળ શક્યતાને પીગળાવી શકે છે. આ એ ક્ષણની વાત છે જ્યાં પ્રેમ કહો તો પ્રેમ અને ભક્તિ કહો તો ભક્તિનું અદ્વૈત સાયુજ્ય સ્થપાય છે. પ્રતીક્ષાનું પૂર્ણવિરામ એટલે પ્રિયજનની સચરાચરમાં પ્રાપ્તિથી વ્યાપ્તિની કથા. એ પછીના ચારેય શેરમાં પ્રેમિકા/ઈશ્વરના આવવાની ઝંખનાની આર્જવતા ક્રમશઃ આજ રીતે ચરમસીમાએ પહોંચે છે જે અનુભવવાનું વાચક પર જ છોડીએ…

(નેતરાં= વલોણાંનું દોરડું; રવૈયો= દહીં વલોવવાની લાકડી, વલોણું; નવનીત=માખણ;ઝડકો= વલોણું ઝટકો મારીને ફેરવવું તે)

6 Comments »

  1. સુનીલ શાહ said,

    January 25, 2008 @ 9:40 AM

    સુંદર ગઝલ અને એટલું જ સુંદર રસદર્શન.

  2. pragnaju said,

    January 25, 2008 @ 11:23 AM

    જયન્ત પાઠકનાં ગીત અને અછાંદસતો માણ્યા હતા.
    આજે તેમની ગમી જાય તેવી ગઝલ
    અને
    તેનું રસદર્શન માણી આનંદ થયો.
    તેમાં આ પંક્તી
    નાડી ચલે ન, થંભ્યો છે સાંસનો ય સંચો;
    મુઠ્ઠી સમા હૃદયના થડકાની જેમ આવો.
    … થડકાનો અનુભવ કરાવ્યો

    વધુ ગમી

  3. ડૉ. મહેશ રાવલ said,

    January 25, 2008 @ 2:24 PM

    ગોપીભાવની સુંદર અને નખશીખ,પ્રતિક્ષાથી પલળેલ ગઝલ!
    ભાવવિભોર કર્યા પંક્તિએ-પંક્તિએ……..

  4. Dhaval said,

    January 26, 2008 @ 10:10 AM

    ઉંબર વટીને અંદર તડકાની જેમ આવો;
    થીજ્યા સમુદ્ર ભીતર ભડકાની જેમ આવો.

    – સરસ …

  5. ઊર્મિ said,

    January 30, 2008 @ 2:11 AM

    ખૂબ સ-રસ ગઝલ.. પણ આટલો રસીલો રસાસ્વાદ વાંચીને તો હું ગઝલ જ ભૂલી ગઈ દોસ્ત!

  6. Tahuko lover too said,

    February 4, 2008 @ 11:20 AM

    Dear Vivekbhai,
    લો………I am here.આપનું કહેવું સરઆંખો પર.સમયનાં અભાવે આજે બહુ વાત નહિ કરી શકું, પણ પાછી જરુરથી આવીશ.જયન્ત પાઠકની આ રચના વિશે હું એટલુ કહીશ કે આ પ્રસન્ગની (મારું લયસ્તરો પર આવવું )શું એમને પહેલંથી ખબર હતી ? મને કેહતાં હોય તેવું લાગે છે.આજે આ વેબસાઈટ પર મારી પેહલી મુલકાત છે.અને કવિએ કહ્યું છે તેમ, “મુઠ્ઠી સમાં હ્રુદયનાં થડકાની જેમ આવી છું.” “થીજ્યા સમુદ્ર ભીતર ભડકાની જેમ આવી છું.” See you soon …..I am not going to tell you my name right now!!!!!!!! Surprise.Not that I want to hide my identity.I am very proud about who I am,but just to have little fun.To be honest with you I am not going to give you my right e mail adress untill I want to.talk to you next time.got to go.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment