દસ આંકડા જ છે છેટો ભૂલો પડ્યો ટહુકો,
દસ આંગળામાં નથી દમ કે ફોનને અડકે.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for May, 2013

ક્રાન્તિનાદ – કૃષ્ણલાલ શ્રીધરાણી

(પૃથ્વી)

અસંખ્ય મુજ બાંધવો રવડતા, સડ્યાં ચીંથરાં
ધરી શરીર-માળખે કકડતી ધ્રૂજે ટાઢમાં;
સહે સળગતા બપોર-દવ ચૈત્ર-વૈશાખના,
વિતાન ઘર-છાપરું : દિશ દીવાલ : શય્યા ધરા !

અસંખ્ય મુજ રાંકડાં કકળતાં રહે લાડકાં
ભૂખે ટળવળી : અને હૃદય દુઃખના તાપમાં
બળી-સમસમી પડે સકળ પાશવી પાપમાં.
રમે મરણ જીવને અતુલ માનવીનાં મડાં.

પરંતુ નવ હું સ્તવું વચન આળપંપાળનાં,
ન ઇચ્છું લવલેશ લ્હાવ ધન, વસ્ત્ર કે ધાન્યના;
સહો સખત ટાઢ ને પ્રખર તાપ મધ્યાહ્નના,
મરો ટળવળી મુખે હૃદયહીન દુષ્કાળના !

સહુ વીતક વીતજો ! વિઘન ના નડો શાંતિનાં !
બળી-ઝળી ઊઠી કરો અદમ નાદ સૌ ક્રાંતિના !

– કૃષ્ણલાલ શ્રીધરાણી

નાની વયે પિતાને ગુમાવનાર કવિ બાળપણમાં મોસાળમાં જૂનાગઢ ખાતે ભણવા ગયા. નાની ઉંમરે જ “ટ્રેડિશનલ” શાળાશિક્ષણ એમને જરાય કોઠે ન પડ્યું. ગણિતની પરીક્ષામાં ઉત્તરવહી સાવ કોરી રાખી અને ઉપરથી નોંધ મૂકી કે સફાઈ માટેના દસ માર્ક્સ મને મળવા જ જોઈએ અને વિજ્ઞાનના પેપરમાં કવિતા લખી આવ્યા… જો કે ગુજરાતી ભાષાનું સદભાગ્ય કે એમના વિધવા માતાને એવું સૂઝ્યું કે ગાંધીની આંધીમાં જાગેલ દેશભક્તિના જુવાળમાં બેમાંથી એક પુત્રે તો રાષ્ટ્રીય શાળામાં ભણવું જ જોઈએ અને કૃષ્ણલાલ ભાવનગરની ‘દક્ષિણામૂર્તિ’ શાળામાં દાખલ થયા જ્યાંનું શિક્ષણ એમને કોઠે પડી ગયું… ત્યાર બાદ ગાંધીજીના પ્રત્યક્ષ સંપર્કમાં ગૂજરાત વિદ્યાપીઠ (અમદાવાદ) અને પછી ટાગોરની નિશ્રામાં શાંતિનિકેતન ખાતે ભણ્યા અને પછી ન્યૂયૉર્ક જઈ MA, MS અને PhD પણ કર્યું…

પ્રસ્તુત સૉનેટમાં કવિ આંચકો લાગે એવી વાત કરે છે. ચંદરવો જેમના ઘરનું છાપરું છે, દિશાઓ જ દીવાલો છે અને ધરતી જ પથારી છે એવા ગરીબજનોના પ્રત્યક્ષ ઉત્કર્ષના બદલે કવિ ઝંખે છે કે એમને વધુ ને વધુ તકલીફો પડે, શાંતિ નામનું વિઘ્ન ન નડે જેથી કરીને ક્રાંતિનો માર્ગ મોળો ન પડે… ઉમાશંકર જરૂર યાદ આવે કે ‘ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે.’

Comments (4)

ગઝલ – હરીશ ઠક્કર

મિલાવું હાથ તો એમાં મિલાવટ હું નથી કરતો,
સંબંધોમાં સમય વર્તી સજાવટ હું નથી કરતો.

નથી માંગી કદી માફી, સજા માંગી છે હંમેશા,
તકાજો ન્યાયનો હો તો પતાવટ હું નથી કરતો.

નથી હું માફ કરતો તે છતાં બૂરું નહીં ચાહું,
ઉપેક્ષાથી વધારે દુશ્મનાવટ હું નથી કરતો.

વલોવાઈને જ્યારે આછરે ત્યારે ભરી લઉં છું,
ગઝલમાં શબ્દની જૂઠી જમાવટ હું નથી કરતો.

હશે ત્યાંથી જ રસ્તો ટોચ પર પહોંચી જવાનો, પણ –
ચરણમાં સ્થાન લેવાની બનાવટ હું નથી કરતો.

– હરીશ ઠક્કર

ગઝલકાર સુરતના છે એ કારણોસર નહીં પણ આ ગઝલકાર માટે મને શરૂથી જ પક્ષપાત રહ્યો છે. અને આપ અહીં જોઈ જ શકો છો કે એનું કારણ દીવા જેવું સ્પષ્ટ છે…

Comments (15)

કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ – કૈલાશ પંડિત

હે…
ક્યારે પૂરા થશે મનના કોડ ?
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

ઢળતો દેખાય છે સૂરજ આકાશમાં
ઘેલો થઇ ખેલે છે ફૂલોથી બાગમાં
ભમરાની જેમ તો ય માની જો જાય તો
કહેવી છે વાત એવી મારે પણ કાનમાં

હે.. મારા જોબનનું ઉગ્યું પરોઢ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

કલકલતાં ઝરણાંમા નદીયું છલકાય છે
નદીયુંના વ્હેણમાં સાગર મલકાય છે
ચાંદાને જોઇ સાગર ઝૂલે છે ગેલમાં
ધરતીનો છેડો જઇ આભમાં લહેરાય છે

હે.. નદીને સાગર થવાના જાગ્યા કોડ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

આંખોની વાત હવે હોઠો પર લાવીએ
ફૂલોની પાસ જઇ કોરા થઇ આવીએ
રોપીને આસપાસ મહેંદીના છોડને
માટીના કુંડામાં તુલસી ઉગાડીએ

હે.. હવે હમણાં તો હાથ મારો છોડ
કે સાહ્યબો… મારો ગુલાબનો છોડ

–  કૈલાશ પંડિત

આકસ્મિક જ રેડિઓ પર આ રચના સાંભળી અને કવિના નામમાં કૈલાશ પંડિતનું નામ બોલાયું,ત્યારે ખાસ્સું આશ્ચર્ય થયું. કૈલાશ પંડિતનું નામ આવે એટલે તેઓની આગવી શૈલીમાં થતી વ્યથાની ઠોસ રજૂઆત યાદ આવી જાય… તેઓનું આવું મસ્ત રમતીલું ગીત સાંભળીને મજા આવી ગઈ….

Comments (6)

પ્રવાસમાં ! – ગની દહીંવાળા

મને થતું : ઢળી પડીશ હું અમુક શ્વાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

હસી રહી’તી મંજિલો, તજી ગયો’તો કાફલો
થઇ રહ્યો’તો રાત-દિન દિશાઓનો મુકાબલો
ઊઠી ઊઠીને આંધીઓ તિમિ૨ હતી પ્રસારતી
રહી રહીને જિંદગી કોઇને હાક મારતી

મને થતું કે કોણ એને લઇ જશે ઉજાસમાં?
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

ખરી જતાં ગુલાબને હવે ઝીલીશું ખોબલે
ઊડી જતી સુવાસને સમાવી લેશું અંતરે
ખડા થઇ જશું, વહી જતાં સમયની વાટમાં
ભરીશું હર્ષનો ગુલાલ, શોકના લલાટમાં

મને થતું કે ફેર કંઇ પડે હ્ર્દયની પ્યાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

વિકીર્ણ સોણલાંઓને વિવિધ રીતે સજાવશું
ઠરી ગયેલ ઊર્મિને હ્રદય-ઝૂલે ઝુલાવશું
હવે કદી પવિત્ર જળ ધરા ઉપર નહિ ઢળે
નયન-સમુદ્રથી જગતને મોતીઓ નહિ મળે

મને થતું : વસાવું આ સુવર્ણને સુવાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

તમે જ રાહ ને તમે જ રાહબર હતા ભલા ?
તમે જ શું દશે દિશા? તમે જ તૃપ્તિ ને તૃષા ?
ખરું પૂછો તો ‘આદિ’થી હતી તમારી ઝંખના
અદીઠને અનેકવાર મેં કરી છે વંદના

મને થતું કે એ જ છે હ્રદયની આસપાસમાં
ભલું થયું, તમે મને મળી ગયાં પ્રવાસમાં !

-ગની દહીંવાળા

Comments (5)

અતિથિગૃહ – રૂમી (અનુ. વિવેક મનહર ટેલર)

આ મનુષ્ય હોવું એ એક અતિથિગૃહ છે.
દરેક સવારે એક નવું આગમન.

એક આનંદ, એક હતાશા, એક હલકટાઈ,
કેટલીક ક્ષણિક જાગૃતિ
આવે એક અણધાર્યા મુલાકાતી તરીકે.

સર્વનું સ્વાગત કરો અને મનોરંજન પણ!
ભલે તેઓ દુઃખોનું એક ટોળું કેમ ન હોય,
જે હિંસાપૂર્વક તમારા ઘરના
રાચરચીલાંને પણ સાફ કરી નાંખે,
છતાં પણ, દરેક મહેમાનની સન્માનપૂર્વક સરભરા કરો.
એ કદાચ તમને સાફ કરતા હોય
કોઈક નવા આનંદ માટે.

ઘેરો વિચાર, શરમ, દ્વેષ,
મળો એમને દરવાજે સસ્મિત
અને આવકારો એમને ભીતર.

જે કોઈ આવે એમના આભારી બનો,
કારણ કે દરેકને મોકલવામાં આવ્યા છે
એક માર્ગદર્શક તરીકે પેલે પારથી.

– રૂમી
(અનુ. વિવેક મનહર ટેલર)

*

આ કવિતા માટે એક લેટિન વાક્યપ્રયોગથી વિશેષ કશું મનમાં આવતું નથી: res ipsa loquitur (It speaks for itself) (એ સ્વયંસ્પષ્ટ છે)

*

This being human is a guest house.
Every morning a new arrival.

A joy, a depression, a meanness,
some momentary awareness comes
as an unexpected visitor.

Welcome and entertain them all!
Even if they’re a crowd of sorrows,
who violently sweep your house
empty of its furniture,
still, treat each guest honorably.
He may be clearing you out
for some new delight.

The dark thought, the shame, the malice,
meet them at the door laughing,
and invite them in.

Be grateful for whoever comes,
because each has been sent
as a guide from beyond.

– Rumi
(English Translation by Coleman Barks)

Comments (10)

ગઝલ – નયન હ. દેસાઈ

વૃક્ષો ડૂબ્યાં ને ઘર ડૂબ્યાં પાણીને કૈં કહો
કોનાં વહે છે અશ્રુઓ જાણીને કૈં કહો.

નીકળે છે અર્થહીન હવે વાણીને કૈં કહો
કહેવાનો અર્થ શું છે ? પ્રમાણીને કૈં કહો.

કોઈ ડૂબે તો કેટલું ? ડૂબી જવાનો મર્મ ?
તળિયાને ક્યાંક તટ ઉપર તાણીને કૈં કહો !

વહેવું ધ્વનિ કે અર્થ ગતિ કે કોઈ સ્થિતિ
ખોબો ભરો કે અંજલિ નાણીને કૈં કહો !

નયન દેસાઈ

ચાર જ શેરની એક અદભુત ગઝલ… પાણી-જાણી-નાણી જેવા ચુસ્ત કાફિયાઓમાં કવિએ કેવું કમાલનું કામ કર્યું છે ! કયા શેરને વખાણવો અને કયાને નહીં એ કોયડો બની જાય છે…

Comments (7)

ગઝલ – હરીશ ઠક્કર

એવું નથી કે લાગણી જેવું કશું નથી,
મારે હવે એ બાબતે કહેવું કશું નથી.

અવઢવ કશી જો હોય તો એ પણ પૂછી લીધું,
ફિક્કું હસીને એ કહે : એવું કશું નથી.

મારે જગતના નાથને શરમાવવો નથી,
નામ એક એનું લેવું છે, લેવું કશું નથી.

સાચું તો માત્ર વહેણ જે આંખોથી આંસુનું,
ઝરણાં-નદીનું વહેવું તે વહેવું કશું નથી.

– હરીશ ઠક્કર

સુરતના તબીબ-કવિ હરીશ ઠક્કરની ગઝલ સાધના અને ગઝલ યાત્રાનો હું નિકટનો સાક્ષી છું. સામયિકોમાં ગઝલો પ્રકાશનાર્થે મોકલાવતા ન હોવાના કારણે ગુજરાત આ સક્ષમ ગઝલકારથી લગભગ વંચિત રહી ગયું છે પણ અકાદમી-પરિષદના નિર્ણાયકો સંપૂર્ણ તાટસ્થ્યથી ચયન કરે તો એમનો તાજેતરમાં જ પ્રકાશિત થયેલ પ્રથમ ગઝલસંગ્રહ “કહેવું કશું નથી” સોએ સો ટકા આ વર્ષના શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ તરીકેના પારિતોષિકનો હક્કદાર છે…

Comments (9)

ડૂસકાં – મુકેશ જોષી

મારું ઓશીકું ભલે લાગતું ફૂલેલું
દોસ્ત ! એમાં ડૂસકાં ભર્યાં છે,
કાચા ને કાચા ઉજાગરા વસંતમાં
રાતોની રાતભર ખર્યા છે.

છાતીમાં,ખોબામાં,ખિસ્સામાં અંધારું
બીજે ક્યાં સંઘરું અમાસ,
પાછલા જન્મોના ડૂમા ઉછેરવાની
શરતે મળ્યા છે મને શ્વાસ.
આરસનો પથ્થર છું એમ કહી
કેટલાંકે મારામાં નામ કોતર્યાં છે.

દરિયો ભરીને સહુ લઈ જાતાં ચાંદની
મારો ભરાય નહીં કુંભ,
વાતે વાતે મને ઉથલાવી પાડે છે
તડકાનું આખું કુટુંબ.
દીકરાની જેમ કહ્યું માનતા નથી
જે સપનાં મેં મોટાં કર્યાં છે.

  – મુકેશ જોષી

Comments (17)

ગોરજ ટાણે – મકરંદ દવે

બારણે બેસી નીરખું સાંજ-સવાર,
કોઈ ગોવાળનાં ગોધણ રૂડાં
આવે-જાય અપાર,
બારણે બેસી નીરખું સાંજ-સવાર.

કિરણોની લખ છૂટતી ધેનુ,
અબરખી એની ઊડતી રેણુ,
કોઈની વેણુ, વાગતી પાઈ દુલાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.

મનની મારી કોડ્યથી કાળી,
ઝૂરે આતમધેન રૂપાળી,
ધૂંધળી ભાળી, સાંકડી શેરી-બજાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.

ઘડીક ભારે સાંકળ ભૂલે,
ખુલ્લાં ગોચર નયણે ખૂલે,
હરખે ઝૂલે, ઘંટડીના રણકાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.

કો’ક દી એનો આવશે વારો,
પામશે એક અસીમનો ચારો,
ગોકળી તારો, ગમતીલો સથવાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.

પાડજે સાદ નવા પરિયાણે,
ચેતનનાં અદકાં ચરિયાણે,
ગોરજ ટાણે, ઓથમાં લેજે ઉદાર
બારણે બેસી નીરખું સાંજ-સવાર.

-મકરંદ દવે

ભક્તિમય પ્રકૃતિ…..પ્રકૃતિમય ભક્તિ

Comments (5)

ઓછું પડે – ભરત વિંઝુડા

તું નજીક આવે અને જ્યારે અડે
જીવવા માટે જીવન ઓછું પડે

તું જ છે આઠે પ્રહરની આરઝુ
ને મને થોડી ઘડી તું સાંપડે

કેટલી તકલીફ પડતી હોય છે
સાવ સાચું બોલવાનું આવડે

કેમ વાવાઝોડું આવી જાય છે ?
એક બારી જે ઘડીએ ઊઘડે

હું જ મારી સામે આવી જાઉં છું
કોણ બીજું સામે આવીને લડે

તારી મૂર્તિઓ મને દેખાય છે
મન વગર હાથે ઘણાં શિલ્પો ઘડે

– ભરત વિંઝુડા

ભરત વિંઝુડાના તરોતાજા અને પાંચમા સંગ્રહ “આવવું અથવા જવું”માંથી આ ગઝલ આપ સહુ માટે… નખશિખ રોમેન્ટિઝમ જીવતા ગઝલકારની આ ગઝલ પણ પ્રણય અને આધ્યાત્મની નાનાવિધ છાયાઓ સાથે ઉપસી આવે છે…

Comments (7)

Page 1 of 3123