પંખી બનવાની કંઈ જરૂર નથી
આંખ મીંચો અને ઉડાય સખી !
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ગિરિન ઝવેરી

ગિરિન ઝવેરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગીત તારાં જ ગાઉં - ગિરિન ઝવેરીગીત તારાં જ ગાઉં – ગિરિન ઝવેરી

હૈયે થાતું ગીત તારાં જ ગાઉં
તૃષાઘેર્યાં નૈને ભવભવ હતો હું ભટકતો,
અને ભગ્નાશાની કજલ રજની ડારતી હતી.
તું આવી તે ટાણે,
અને તારે ગાણે
ઉછાળ્યા આ હૈયે ઉદધિ મુદના, તેજ પ્રકટ્યાં;
નાચે હૈયું, ગીત ગાઉં મદીલાં !
કો જાણે શું ગીત કેવાં મદીલાં !
પરંતુ એ શીળા રસસમુદરે લીન થઉં ત્યાં
સુમન ડગલે તું વિલિન થૈ,
પગથી પર બે બે પગલી રહૈ,
ઋતુરાણી જાણે કુસુમ અદકાં બે ભૂલી ગઈ –
અભાગી માટે, હા, રુદનધન આજે મૂકી ગઈ !
આંસુ લો’યાં ગીત તારાં જ ગાઉં !

– ગિરિન ઝવેરી
(જ: ૧૬-૦૩-૧૯૨૩ ~ મૃ: ૧૩-૦૧-૧૯૫૧)

માત્ર અઠ્ઠાવીસ વર્ષની કુમળી વયે આ વિશ્વ ત્યાગી જનાર રૂપેણ કાંઠાના ઉમતા ગામના ગિરિન ઝવેરી બર્માના મોલમીન ખાતે મોટા થયા. બીજા વિશ્વયુદ્ધ પૂર્વે એ વતનભેગા થયા. અમદાવાદમાં બી.એ. થયા ને પછી એમ.એ.માં મુંબઈ યુનિવર્સિટિમાં પ્રથમ ક્રમે ઉત્તીણ થયા. સૂરતની એમ.ટી.બી. આર્ટ્સ કોલેજમાં બી.એ.ના પ્રાધ્યાપક થઈ એવી ચાહના મેળવી કે એમનો વર્ગ બંક કરવાની વાત તો અલગ, બીજા વર્ગના વિદ્યાર્થીઓએ પણ એમને સાંભળવા વર્ગમાં ઘુસી જતા. ૨૮ની નાની વયે ઝેરી મેલેરિયા (સેરિબ્રલ મેલેરિયા)ના કારણે આપણે એક પ્રતિભાશાળી કવિ, વિવેચક, ભાષાશાસ્ત્રી તથા ઊંડા અભ્યાસી ગુમાવ્યા… કલાપી (૨૬), નર્મદ (૩૩), મણિલાલ દેસાઈ (૨૭), રાવજી (૨૮)ની પંગતમાં જઈ બેઠા..

ગિરિન ઝવેરીની આ રચના ટાગોરની યાદ ન અપાવે તો નવાઈ.

Comments