લાગણીએ ખુદ મને પાડ્યો ઉઘાડો, લાગણી કેવી તો કે’ કે જાણભેદુ,
આપણી જાત જ નડી છે, જાત પાછી આપણી કેવી તો કે’ કે જાણભેદુ.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for આદિત્ય જામનગરી

આદિત્ય જામનગરી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગઝલ - આદિત્ય જામનગરીગઝલ – આદિત્ય જામનગરી

એની સાથે ન ખેલ, ચીસો છે,
મૌન ઘરડી થયેલ ચીસો છે.

ગાલ પરની ભીનાશને વાંચો,
પાંપણોએ લખેલ ચીસો છે.

વૃક્ષ પરથી ખરેલ પર્ણો સૌ,
મૂળમાંથી ઊઠેલ ચીસો છે.

માણસો પ્રાર્થના કહે જેને,
એ પ્રભુને ધરેલ ચીસો છે.

સર્વ નિઃશ્વાસ થઈ ગયેલા શ્વાસ,
છાતીમાંથી છૂટેલ ચીસો છે.

– આદિત્ય જામનગરી

આદિત્ય આમ તો મારો મિત્ર છે. પણ એની રચનાઓનો વિગતે કદી પરિચય થયો જ નહોતો. આજે આ ગઝલ વાંચી અને હું આજીવન એનો ‘ફૅન’ બની ગયો… નાની બહેરના પાંચ જ શેરમાં કેવી અદભુત કમાલ !

મૌન એટલે ઘરડી થઈ ગયેલી ચીસો, ગાલ પરના આંસુની ભીનાશ એ પાંપણોના ચિત્કાર – આ કવિ કેવો જાદુ કરે છે !

Comments (17)