સ્હેજ પણ વર્તાય ના ઉષ્મા કદી નિગાહમાં,
શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for વિપિન પરીખ

વિપિન પરીખ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

...એટલે - વિપિન પરીખ
(આખરની તૈયારી) - વિપિન પરીખ
DISTANCE - વિપિન પરીખ
અવદશા - વિપિન પરીખ
આવતા ભવે - વિપિન પરીખ
ઈસુ તથા શ્રી મોહનદાસ ગાંધીને - વિપિન પરીખ
એ લોકો - વિપિન પરીખ
એ લોકો મને નહીં મારી શકે - વિપિન પરીખ
એક ટૂંકો પરિચય - વિપિન પરીખ
એવા દેશમાં - વિપિન પરીખ
ઓપરેશન પહેલાંની રાત -વિપિન પરીખ
કદાચ -વિપિન પરીખ
જતાં જતાં – વિપિન પરીખ
ત્યારથી - વિપિન પરીખ
પરિપક્વતા - વિપિન પરીખ
પુનઃ - વિપિન પરીખ
પૂર - વિપિન પરીખ
પ્રયત્ન - વિપિન પરીખ
પ્રેમને કારણો સાથે - વિપિન પરીખ
ફૂટપટ્ટી - વિપિન પરીખ
બે વૃક્ષ મળે ત્યારે - વિપિન પરીખ
ભિક્ષુક - વિપિન પરીખ
મુક્તક - વિપિન પરીખ
મુંબઈ - વિપિન પરીખ
વિપિન પરીખ હવે નથી.
વિસ્મય ? - વિપિન પરીખ
સફળ માણસો - વિપિન પરીખ
સહવાસ - વિપિન પરીખ
સુખ-દુ:ખ -વિપિન પરીખ
સૂર્યનું છેલ્લું કિરણ – વિપિન પરીખ
સોદો - વિપિન પરીખસૂર્યનું છેલ્લું કિરણ – વિપિન પરીખ

હિમાદ્રીએથી સરકી જઈને
પડે પ્રપાતે વળી ડૂબકી દઈ
તરે સરિતે થઈને પ્રફુલ્લ;
ને સૂર્યમુખી ચૂમીને લજાળ
ક્યાંયે જતું શ્યામલ અશ્વ-પીઠે !

– વિપિન પરીખ

વિપિન પરીખની કવિતા અંગે બે મત પ્રચલિત છે. એક વર્ગ એમને કવિ તરીકે માનવા તૈયાર નથી અને બીજો વર્ગ એમની કવિતાઓનો આશિક છે. કવિ પોતે આ વાત સ્વીકારે છે. બહુધા આપણે એમ માનીએ છીએ કે વિપિન પરીખ એટલે ઊર્મિશીલ અછાંદસ કાવ્યોનો શહેનશાહ જે કાવ્યાંતે ધારી ચોટ આપીને ભાવકને જકડી લે છે… એક નજર આ કવિતા ઉપર કરીએ… માત્ર પાંચ જ લીટીના કાવ્યમાં કવિ જૂજ શબ્દોની મદદથી સૂર્યના છેલ્લા કિરણનું કેવું સબળ ચિત્ર નીપજાવી શક્યા છે ! અને છે અછાંદસ પણ એનો લય કેવો પ્રબળ છે!! આ પણ વિપિન પરીખ છે……

Comments (13)

જતાં જતાં – વિપિન પરીખ

સલામ મારા દેશને – મારા દેશની માટીને,
મારા ભેરુઓને
જેમણે મારા શૈશવના ખૂણેખૂણાને આનંદથી કલ્લોલિત કર્યો.

સલામ પેલા ગુલાબના ફૂલને
જેણે મારા આકાશમાં મુલાયમ સ્વપ્નો ગૂંથ્યાં.

સલામ પેલી દર્દભરી કોયલને
જેણે મારા હૃદયને આંબાનું વૃક્ષ બનાવ્યું.

સલામ પેલી કામધેનુને જેણે પોતાની અમીધારાથી
મારા શરીરના કોષોને ધબકતા રાખ્યા.

સલામ મારી માને જેની આંખોએ મને ક્યારેય દૂર ન કર્યો.
અને સલામ શબ્દોને
જેમણે મારા હોઠને સતત ગૂંજતા રાખ્યા.

– વિપિન પરીખ

અછાંદસસમ્રાટ વિપિન પરીખનો ક્ષર દેહ નહીં, માત્ર અ-ક્ષરદેહ હવે આપણી વચ્ચે રહી ગયો છે ત્યારે કવિહૃદયનો યથાર્થ નિચોડ આપતું આ કાવ્ય સહેજે પ્રસ્તુત બની રહે છે. માણસ ખરા હૃદયથી કોને કોને સલામ ભરે છે જાણીએ તો માણસને આખેઆખો સમજી લેવાય… કવિ પણ પોતાનો બાયો-ડેટા આપવામાં પારદર્શક રાજીપો બતાવે છે…

Comments (9)

વિપિન પરીખ હવે નથી.

કવિ વિપિન પરીખ 16 તારીખે મુંબઈમાં અવસાન પામ્યા.  એક વખત અનાયાસ એમનો સંગ્રહ ‘કોફી હાઉસ’ હાથ લાગી ગયો ત્યારથી એમની ઓળખાણ થયેલી. ‘કોફી હાઉસ’માંની એમની સંવેદનશીલ, ચોટદાર અને છંદના ટેકા વિના ટટ્ટાર ઊભી રહેતી કવિતા, એવી દિલ પર વરસી કે એ ઘડીથી એમની સાથે માનસિક ઘરોબો થઈ ગયો.  એમની કવિતામાં જરૂરતથી વધારે એક પણ શબ્દ ન હોય. અને હંમેશા જરૂરતથી થોડી ઓછી નાટકીયતા હોય. અને એક વાર સમજાય તો રાતભર જાગવાની તૈયારી રાખવાની એટલી ધાર હોય. ઉંમરમાં એ સીત્તેરની ઉપર છે (એટલે કે ટેકનીકલી ‘આગલી પેઢીના કવિ’ છે) એવું એમની કવિતામાં કદી દેખાયું નથી. એ રીતે એમની કવિતા સમયને અતિક્ર્મી ગઈ છે.

એમના પોતાના જીવન વિષે ખૂબ જૂજ માહિતી ઉપલબ્ધ છે. એમનું કુટુંબ મૂળ ચીખલીથી. પણ એમનો જન્મ 1930માં મુંબઈમાં. પહેલા મૉડર્ન સ્કૂલ અને પછી વિદ્યાભવનમાં અભ્યાસ. આજીવન વ્યવસાય કૌટુંબિક હાર્ડવેરનો ધંધો. કવિતા મોડી ઉંમરે શરૂ કરી. ત્રણ સંગહો કર્યા: આશંકા (1975), તલાશ (1980) અને કોફી હાઉસ(1998). મારી… તમારી… આપણી વાત… (2003)માં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. સંગીત અને જ્યોતિષ એમના ખાસ શોખ.  (પૂરક માહિતી માટે આભાર : મહેશ દલાલ)

આજે પ્રસ્તુત છે એમની પ્રસિદ્ધ કવિતા એમના પોતાના હસ્તાક્ષરમાં. આવનારા દિવસોમાં એમની થોડી વધુ કવિતાઓથી એમને યાદ કરીશું.

Scan90002

Comments (16)

સહવાસ – વિપિન પરીખ

હું તને એમ નહીં પૂછું
“તારી આંખમાં આંસુ કેમ છે ?”
માત્ર એટલું જ કહીશ
“આવ, મારી બાજુમાં બેસ !”

– વિપિન પરીખ

વેદનાનું પોસ્ટમોર્ટમ કરવા ન બેસાય. એને તો હૂંફમાં પીગળાવી દેવાની હોય. સ્પર્શમાં ઓગાળી દેવાની હોય. ચાર આંખોની વચ્ચે સન્માનપૂર્વક દફનાવી દેવાની હોય.

Comments (17)

કદાચ -વિપિન પરીખ

મને મેવાડમાં મીરાં મળી નહીં.
મને વૃંદાવનમાં રાધા મળી નહીં.
પણ કદાચ,
એમાં મારો પણ દોષ હોય.
મેં મુંબઈ છોડ્યું જ ન હોય !

-વિપિન પરીખ

આ કવિતા એટલે ગાગરમાં સાગર.  કૈંક મેળવવા માટે કૈંક છોડવું પડે- એટલી સમજણ જો આવી જાય તો ભયો ભયો !  અહીં મને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નો ખૂબ જ પ્રખ્યાત શે’ર યાદ આવે છે: તારું કશું ન હોય તો છોડીને આવ તું; તારું જ બધું હોય તો છોડી બતાવ તું !

Comments (16)

સુખ-દુ:ખ -વિપિન પરીખ

સુખ,
ચાલીના નળમાંથી માંડમાંડ ટપકતું  પાણી ટીપે ટીપે.
દુ:ખ,
ચર્ચગેટના સ્ટેશન પર
ઊતરતાં ટ્રેનમાંથી એક પછી એક
માણસોના મોજાં…
દરિયો…

– વિપિન પરીખ

ચંદ શબ્દોના લસરકાથી તીણું શબ્દચિત્ર દોરવાની વિપિન પરીખની આવડત અદભૂત છે. મુંબઈના માણસના સુખ-દુ:ખનો હિસાબ એની જ ભાષામાં કવિએ કરી આપ્યો છે.

Comments (10)

પુનઃ – વિપિન પરીખ

રીટા,
એક વૃદ્ધ તમારી પાસે આવશે
એ કેટલા વખતથી હઠ લઈને બેઠો છે :
એને તમને કશું કહેવું છે
તમે એને ના ન કહેશો
એ આવશે
કશું બોલવાનો પ્રયત્ન કરશે
બોલી શક્શે નહીં, થોથવશે.
ધ્રુજશે ને પછી
એક શબ્દ પણ બોલ્યા વિના
પાછો ચાલી જશે,
પચાસ વર્ષ પહેલાં ચાલી ગયો હતો તેમ જ !

-વિપિન પરીખ

રીટા નામની કાલ્પનિક પ્રેયસી સાથેનો કાવ્યનાયકનો આ સંવાદ કવિતા પૂરી થાય ત્યારે હૈયામાં એક ટીસ જન્માવે છે. પચાસ વર્ષના એકપક્ષી પ્રેમ અને પચાસ વર્ષની નિષ્ફળ પ્રતીક્ષાના અંતે કાવ્યનાયક પ્રિયામિલનની આશા ત્યજી શક્યો નથી. પ્રેમ હઠીલો છે. શરીરે કરચલી પડી ગઈ છે, હોઠ થોથવાવા માંડ્યા છે અને પ્રેયસીને જે કહેવું છે એ કહેવાની હિંમત તો પચાસ વર્ષ પહેલાં પણ નહોતી અને કદાચ આજે પણ નથી પણ પ્રેમનો દેહ એવો ને એવો જ છે… અજર. અમર. સુરેશ દલાલ આ કવિતાને નિષ્ફળ પ્રેમની સફળ કવિતા તરીકે ઓળખાવે છે.

Comments (13)

એ લોકો – વિપિન પરીખ

મકાન પડી ગયું
બાળક દટાઈ ગયું ને
ડોસી બચી ગઈ.
‘આમ કેમ?’ એ પ્રશ્નને
એ લોકો કાટમાળ સાથે ઉપાડી ગયા.

– વિપિન પરીખ

Comments (9)

સોદો – વિપિન પરીખ

ચોર બજારમાં
બુદ્ધની એક સુંદર મૂર્તિ મળી ગઈ
નાની ને સુરેખ
થોડુંક ‘બારગેઇન’ કરવું પડ્યું પણ
બહુ સસ્તામાં સોદો પતી ગયો !
ઑફિસમાં ટેબલ પર જ રાખી છે
‘ડેકોરેટિવ’ તો લાગે જ છે પણ
પેપરવેઇટ તરીકે પણ કામ આપે છે !
તમને ગમી ?

-વિપિન પરીખ

આ કવિતા વાંચો અને એક ચાબખાનો સોળ પીઠ પર ન અનુભવાય તો જ નવાઈ ! ચોરબજારથી વાત શરૂ થાય છે ત્યારથી આખું કાવ્ય તિર્યક વ્યંજના સ્વરૂપે ‘વહેતું’ રહે છે. ઈશ્વરને ચોરબજારમાંથી ‘બરગેઇન’ કરીને સસ્તામાં ખરીદીને ‘ટેબલ’ પર શો-પીસ તરીકે તો ક્યારેક પેપરવેઇટ તરીક ગોઠવી દેવાની વાત છે. તમને ગમી (?)ના પ્રશ્ન સાથે કવિ એક વ્યક્તિગત અનુભૂતિને સાર્વત્રિક જડત્વનું રૂપ આપી દે છે. સાચો ઈશ્વર આજે આપણા કોઈના પણ દિલમાં વસે છે ખરો ? અખાનો ‘એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ વાળૉ છપ્પો યાદ આવી જાય છે… સાથે જ હરિવંશરાય બચ્ચનની ‘બુદ્ધ’ વિશેની એક કવિતા જે ‘બચ્ચન રિસાઇટ્સ બચ્ચન’ સીડીમાં અમિતાભે સ્વરબદ્ધ કરી છે એ પણ સાંભળવા જેવી છે.

Comments (14)

પ્રેમને કારણો સાથે – વિપિન પરીખ

મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી શકું છું.

‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં ‘મમ્મી’ કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી –
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.

બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે ‘લાયન્સ’ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.
બા નવી નવી ‘ડિશ’ શીખવા ‘cooking class’માં ગઈ નહોતી
છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.

મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.

-વિપિન પરીખ

ભાષા અને બા કદાચ એકબીજાના પર્યાય છે. દુનિયાની કોઈપણ ભાષાસંસ્કૃતિમાં બાળક પહેલાં બોલતાં જ શીખે છે અને પછી જ વાંચતા-લખતા. ગુજરાતી ભાષા આજે મરણાસન્ન થઈ છે કારણ કે આપણી બા આજે ‘મમ્મી’ કે ‘મૉમ’ બની ગઈ છે. ગુજરાતીઓ જેટલા અલ્પભાષાપ્રેમી વિશ્વમાં અન્યત્ર ક્યાંય જડે એમ નથી. ઘરમાં ખોટું અંગ્રેજી બોલવામાં ગૌરવ અનુભવવાની માનસિક ગુલામી ન છૂટે ત્યાં સુધી આપણું બાળક ગુજરાતી બનવાનું નથી અને આપણી ભાષા ટકવાની નથી. બા અભણ હતી, નોકરી નહોતી કરતી અને પાર્ટીઓમાં પણ નહોતી જતી. એણે રાંધવા માટે કોઈ ક્લાસ ભરવા નથી પડ્યા. પાકશાસ્ત્રની ચોપડીઓ પ્રમાણે તોળી-તોળીને એણે કદી રાંધ્યું નહોતું. એની રસોઈકળા સીધી દિલમાંથી નીકળતી હતી અને એના હાથ ત્રાજવાના મિલિગ્રામ-ગ્રામ કરતાં વધુ સચોટ હતા એટલે તોલ-માપ વિના પણ એ જે મસાલા નાંખતી હતી એ એની રસોઈને અમૃતકરાર આપી દેતા હતા. આજે ઝડપથી બાની બદલાઈ રહેલી પરિભાષા આપણી ભાષાના ભવિષ્ય સાથે શું સુસંગત નથી?

Comments (9)

Page 2 of 4123...Last »