અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !
મને મનગમતી સાંજ એક આપો...
જગદીશ જોષી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ભાવેશ ભટ્ટ

ભાવેશ ભટ્ટ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(જોઈ લે ભૂતકાળ) - ભાવેશ ભટ્ટ
આ કેવું સ્મિત છે - ભાવેશ ભટ્ટ
ઉદાસ ન થાય - ભાવેશ ભટ્ટ
ગઝલ - ભાવેશ ભટ્ટ
ગઝલ - ભાવેશ ભટ્ટ
ગઝલ - ભાવેશ ભટ્ટ
ગઝલ - ભાવેશ ભટ્ટ
ગઝલ - ભાવેશ ભટ્ટ
ગઝલ - ભાવેશ ભટ્ટ 'મન'
ગઝલ - ભાવેશ ભટ્ટ 'મન'આ કેવું સ્મિત છે – ભાવેશ ભટ્ટ

એના ચહેરા પર આ કેવું સ્મિત છે!
જેના લીધે આ નગર ભયભીત છે.

શિલ્પ એના જોઈ સમજાઈ ગયું,
શિલ્પી પોતે ક્યાંકથી ખંડિત છે.

વાત આ જાણે છે સૌ મારા સિવાય,
કે ખરેખર મારું શેમાં હિત છે.

અન્યનો છણકોય ટહુકો લાગતો,
જે સ્વયં ખુદથી જ અપમાનિત છે.

કેદ છે ગુમનામીના સૂરજમાં જે,
એમનો પડછાયો નામાંકિત છે!

કૈંકને તો હું જ ઓળખતો નથી!
મારું જીવન જેને આધારિત છે.

પાંદડાંઓ શિષ્ય માફક બોલતાં,
વાયરો જાણે કોઈ પંડિત છે!

– ભાવેશ ભટ્ટ

સરળ ભાષામાં વિચારતા કરી દે એવી ગઝલો લખવી એ ભાવેશ ભટ્ટનો ટ્રેડમાર્ક છે. એની ગઝલો વિશે ટિપ્પણી લખવાની જરૂર ભાગ્યે જ પડે. કવિતા અંગેની ટી.એસ. ઇલિયટની મશહૂર વ્યાખ્યા: ‘Genuine poetry can communicate before it is understood કહ્યું’ની જેમ જ એ વાંચતાવેંત પ્રત્યાયન સાધી લે છે અને તાળીઓ માંગી લે છે. પણ પછી થોડીવાર પછી એ બીજીવાર તાળી પાડવા મજબૂર કરી દે છે….

Comments (8)

(જોઈ લે ભૂતકાળ) – ભાવેશ ભટ્ટ

જોઈ લે ભૂતકાળ મારા ભાગનો
ક્યાં હતો અવકાશ વાટાઘાટનો ?

ચાકડાની દુર્દશાને પણ જુઓ!
વાંક ના કાઢ્યા કરો કુંભારનો!

જેની સોબતથી અમે ડરતા હતા,
એ બન્યો પર્યાય તારા વ્હાલનો !

એ મથે છે વાદળો સળગાવવા
આશરો જેને હતો વરસાદનો!

પાણી પાણી થઈ જશે એકાંત પણ
લઈ શકો આનંદ જો આભાસનો!

એમનાં તો આંસુ પણ લાગે અનાથ
જે ન સમજે અર્થ પશ્ચાતાપનો!

હાથ જોડીને મળ્યો, જ્યારે મળ્યો
એ રીતે બદલો લીધો અપમાનનો !

– ભાવેશ ભટ્ટ

સ્વભાવગત ખુમારીથી છલકાતી ગઝલ… બધા જ શેર ગમી જાય એવા…

Comments (6)

ઉદાસ ન થાય – ભાવેશ ભટ્ટ

કોઈ ક્યારેય પણ ઉદાસ ન થાય,
થાય તો મારી આસપાસ ન થાય.

એક દી સૂર્ય ના ઊગ્યો તો થયું –
ક્યાંક મારી ઊલટ-તપાસ ન થાય!

જો વીતે આપના વિચાર વગર
એ દિવસ મનનો ઉપવાસ ન થાય?

એ રીતે કોઈ ભીંત શણગારો
કે બીજી ભીંત નાસીપાસ ન થાય

રોજ ઈશ્વરની હું પરીક્ષા લઉં
એમ ઇચ્છું કે એ નપાસ ન થાય

– ભાવેશ ભટ્ટ

આજકાલ ગુજરાતી મુશાયરાઓની જાન બની ગયેલા ભાવેશ ભટ્ટની એક શાનદાર ‘પોઝિટિવ’ ગઝલ. બધાજ શેર સરળ, સહજ સાધ્ય પણ અર્થગાંભીર્યસભર.

Comments (11)

ગઝલ – ભાવેશ ભટ્ટ

તું નથી ગઈ તોય પાછી આવ ને;
ને મને તારામાં ચપટીક વાવ ને.

આ જગત પાછો તને આપે કદાચ,
સૌની પાસે તું મને ઉઘરાવ ને.

હું તને જોઉં તને ગમતું નથી ?!
આંખનો શું ધર્મ છે સમજાવ ને !

શું થયું? શું થઈ રહ્યું છે? શું થશે?
આ વિચારોને હવે સળગાવ ને.

તું ફરીથી આવ ને પાણી બની,
ને ડૂબાડી દે ડૂબેલી નાવને.

– ભાવેશ ભટ્ટ

સાદ્યંત સંતર્પક રચના…

Comments (9)

ગઝલ – ભાવેશ ભટ્ટ

અચાનક વહેણમાં બદલાવ આવે;
નદીમાં જો અમારી નાવ આવે.

અમુક ચહેરા વિષે એવું બને છે,
અરીસાનો કોઈ પ્રસ્તાવ આવે.

કોઈ પણ પંખી જો માળો ન બાંધે,
તો ક્યાંથી વૃક્ષનો ઉઠાવ આવે !

નથી સાંભળતો વૃદ્ધોની કોઈ વાત,
નહીંતર બાંકડાને તાવ આવે.

ભર્યું આકાશ આંખોમાં ખીચોખીચ,
અને સપનામાં કાયમ વાવ આવે.

– ભાવેશ ભટ્ટ

Comments (12)

ગઝલ – ભાવેશ ભટ્ટ

પગલે-પગલે શ્વાસનાં તોફાન છે;
ક્રોસ પર રહેવું બહુ આસાન છે.

તોય કાયમ જંગ હું જીતી ગયો,
આમ મારા મ્યાનમાં પણ મ્યાન છે.

કોઈની વિદાયથી આવું બને,
બહુ દિવસથી બારણાં બેભાન છે.

જે બચ્યું છે ના બચ્યા જેવું જ છે,
આંખ છે તો આંખમાં સમશાન છે.

જો ગણો તો એટલા લોકો નથી,
જેટલા વસ્તીમાં આગેવાન છે.

માંગશો જો, રોટલો, આપી દઈશ,
પણ તમારી થાળીમાં પકવાન છે.

– ભાવેશ ભટ્ટ

કેવી સરસ ગઝલ ! મત્લાનો શેર… વાહ ! ડગલે ને પગલે જિંદગીના તોફાનોની સામે ઝીંક ઝીલવા કરતાં તો કદાચ પયગંબર બનીને ક્રોસ પર લટકી રહેવું આજના જમાનામાં વધુ આસાન છે… અને ધીરજ, મૌન અને પ્રતીક્ષાનો મહિમા તો જુઓ.. કવિ કાયમ બધા જ જંગ જીતતા જાય છે… કારણ? તલવાર? ના… કવિના તો મ્યાનની ભીતર પણ કેવળ મ્યાન છે, તલવાર નહીં… સ્વભાવગત અહિંસા અને સહિષ્ણુતા માટે આનાથી વધુ ‘ધાર’દાર શેર બીજો કયો જડવાનો? બધા જ શેર એક-મેકથી ચડિયાતા છે પણ આખરી શેર જરા નિરાશા જન્માવી જાય એવો સપાટ છે..

“ભીતરનો શંખનાદ” લઈને આવેલા કવિનું બાઅ-અદબ બા-મુલાહિજા સ્વાગત છે…

Comments (17)

ગઝલ – ભાવેશ ભટ્ટ

ક્યારનો ચિંતા કરે છે કાલની !
ઠાર પહેલાં આગ અબ્બીહાલની.

આમ નવરો લાગું છું, પણ છું નહીં,
રાહ જોઉં છું તમારી ચાલની !

રમતાં-રમતાં બાળકે લીટા કર્યા,
હસ્તરેખા થઈ ગઈ દીવાલની !

રોજ ધક્કા ખાય છે એ કૉર્ટના,
વાત બહુ કરતો હતો જે વહાલની.

આભ નીચે એક જણ કચડાઈ ગ્યો,
છે જરૂરત કોઈને અહેવાલની?

– ભાવેશ ભટ્ટ

છે જરૂરત કોઈ પણ ટિપ્પણીની? સાદ્યંત સુંદર મનનીય ગઝલ…

Comments (10)

ગઝલ – ભાવેશ ભટ્ટ

જો પડ્યા એકાંત ને વાંધા હવે,
કોઈ ખખડાવો ન દરવાજા હવે.

કેમ તું વરસાદથી ગભરાય છે ?
રંગ તારા થઈ ગયા પાકા હવે.

હું થયો ચહેરા વગરનો જ્યારથી,
ભીંતની સમજાય છે ભાષા હવે.

ચાલવાનું ક્યારનું છોડી દીધું,
છો ને જીવનમાં પડ્યા ખાડા હવે.

આ તરસ મારી સમજણી થઈ ગઈ,
તું લઈ લે વાદળો પાછાં હવે.

– ભાવેશ ભટ્ટ

ચહેરાપોથી પર… એટલે કે ફેસબુક પર આ ગઝલ ક્યાંક વાંચી અને ગમી ગઈ…  અને આ રહી, તમારા માટે.

Comments (13)

ગઝલ – ભાવેશ ભટ્ટ ‘મન’

ચિંતા કરવાની મેં છોડી,
જેવું પાણી એવી હોડી.

ચોક્કસ ઘટના જેવો છું હું,
તું આવે છે વ્હેલી મોડી.

બારી એવાં દૃશ્ય બતાવે,
ભીંતો કરતી જીભાજોડી.

ટુકડા શોધું અજવાળાનાં,
કોણે મારી સવાર તોડી ?

એક જનમની વાત નથી આ,
કાયમની છે માથાફોડી.

– ભાવેશ ભટ્ટ ‘મન’

ભાવેશ ભટ્ટનો આમ કોઈ પ્રત્યક્ષ પરિચય નથી પણ એની કવિતાઓમાં હંમેશા થોડી તાજગી અનુભવાતી હોવાથી જ્યારે પણ કોઈ સામયિકમાં એમની કવિતા નજરે ચડે ત્યારે એ વાંચી લેવાની ફરજ પડે છે. આ ગઝલ પણ ટૂંકી બહેરની છતાં મજાની છે. સાવ વાતચીતની ભાષામાં ફરતાં-ફરતાં ક્યારે કવિતાની અડફેટમાં આવી ચડાય એ પણ ખબર ન પડે એવી સાહજિક્તા અહીં આકર્ષે છે. (જો કે આખરી શેરમાં કાયમની માથાફોડી કઈ છે એ સ્પષ્ટ થતું લાગતું નથી એ થોડું ખટકે પણ છે).

Comments (2)

ગઝલ – ભાવેશ ભટ્ટ ‘મન’

અંધારા પણ બાંધે માળો;
મારો સૂરજ કેવો કાળો.

જ્યારે આવો સ્વાગત કરશે,
મારા ઘરમાં છે કંટાળો.

લાખો આંસુ આવ્યાં ક્યાંથી?
બે આંખોનો છે સરવાળો!

સમય બતાવે સૌના ચહેરા,
ચારે બાજુ છે ઘડિયાળો.

પિંજરમાં જે રાખે તમને,
એવા ઈશ્વરને ના પાળો.

એકલતા તો બચકાં ભરશે,
જલદી-જલદી પાછી વાળો.

– ભાવેશ ભટ્ટ ‘મન’

ટૂંકી બહેરની સશક્ત ગઝલ. એક એક શેર સરસ થયો છે. દુ:ખમાં પરિણામેલા સંબંધની વાત કવિ કેવી સિફતથી કરે છે – લાખો આંસુ આવ્યાં ક્યાંથી? બે આંખોનો છે સરવાળો!

Comments (2)