ક્યાં જઈ કરવી કહો ફરિયાદ પણ ?
માપસર વરસ્યો નહીં વરસાદ પણ.
ગિરીશ પરમાર ‘રઢુકિયા’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મેહુલ પટેલ ‘ઈશ’

મેહુલ પટેલ ‘ઈશ’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

ગઝલ - મેહુલ પટેલ 'ઈશ
ગઝલ - મેહુલ પટેલ 'ઈશ'
ગઝલ - મેહુલ પટેલ 'ઈશ'
ગઝલ - મેહુલ પટેલ 'ઈશ'
ગઝલ - મેહુલ પટેલ 'ઈશ'
ગઝલ -મેહુલ પટેલ 'ઈશ'
વેલેન્ટાઇન છે ! - મેહુલ પટેલ 'ઇશ'ગઝલ – મેહુલ પટેલ ‘ઈશ’

હાલ જ થયું છે અવતરણ, ઈશ્વરથી યુક્ત છું,
દુનિયા ધરો નહીં, હજી ધાવણથી તૃપ્ત છું.

સંતાપ ના તમા કોઈ, કંઈ પણ ફિકર નથી,
ધબકી રહ્યો છું તે છતાં હોવાથી મુક્ત છું.

ઓળખ ના પૂછશો મને, આપી નહિ શકીશ,
હું કોણ છું ખબર નથી, મારાથી ગુપ્ત છું.

ઉંમરનો તાગ તો ભલા મળવો કઠીન છે,
વરસોથી બાળ છું અને સદીઓથી પુખ્ત છું.

– મેહુલ પટેલ ‘ઈશ’

ચાર જ શેરની ગઝલ પણ પસાર થઈએ ત્યારે જે તૃપ્તિ અનુભવાય છે એ શબ્દાતીત છે. ઓરિજિનાલિટી જળવાઈ રહે અને ફેસબુકિયા વાહવાહીમાં ગુમરાહ ન થઈ જાય તો આ કવિ ગુજરાતી ગઝલની સબળ આવતી કાલ બનવા સક્ષમ છે…

Comments (10)

ગઝલ – મેહુલ પટેલ ‘ઈશ’

મને નૈ પૂછ who are you ?
अहम् ब्रह्मा, अहम् विष्णु |

વછૂટે લાશમાંથી પણ,
સનાતન બાગની ખુશબૂ !

there is no way to go out
किधर जाता हैं बच्चा तू ?

તમે જો રેત પાથરશો,
બનીને ઊંટ ચાલીશું !

available છે અત્તર-સ્પ્રે,
નથી મળતું અહી બસ ‘રૂ’.

મેં નાખી ડોલ કુવામાં,
return ખેંચી તો નીકળ્યો હું.

– મેહુલ પટેલ ‘ઈશ’

ગુજરાતી ગઝલના આયામ બદલાઈ રહ્યા છે એની પ્રતીતિ આ ગઝલ વાંચતા જ થાય. આજનો કવિ પરંપરા ચાતરીને ઉફરો ચાલવામાં નથી નામ અનુભવતો કે નહીં અસલામતી. સંસ્કૃત, હિંદી, અંગ્રેજી અને ગુજરાતી – ભાષા જાણે કે અહીં ઓગળી ગઈ છે. અને આખી રચના પણ સરવાળે આસ્વાદ્ય.

Comments (6)

ગઝલ – મેહુલ પટેલ ‘ઈશ’

તારા વિચારથી ન અહીં મારા વિચારથી
સૃષ્ટિનું ચક્ર ચાલે છે સારા વિચારથી

કોઈ ફૂલ એમાં ખીલશે, સુગંધ આપશે –
ચારે તરફ મેં મૂક્યા છે ક્યારા વિચારથી

મીઠાં પરિણામો મળે મીઠા વિચારના
ખારા રિઝલ્ટ આવશે ખારા વિચારથી

નાહકની વાહ-વાહી લૂંટી રહ્યો છું હું –
ઉંચક્યા છે મેં વિચારો તારા વિચારથી

– મેહુલ પટેલ ‘ઈશ’

કવિનું નામ ન લખ્યું હોય તો મરીઝની ગઝલમાંથી પસાર થયાની અનુભૂતિ થાય એવી સરળ ભાષા અને એવા જ ચોટદાર શેર. પણ ક્યારાવાળો શેર વાંચીએ ત્યારે સહજ વિચાર આવે કે કવિએ કેટલા વિચારપૂર્વક વિચારથી રદીફ ગોઠવી છે !

Comments (9)

વેલેન્ટાઇન છે ! – મેહુલ પટેલ ‘ઇશ’

બાગમાં ભમરાની લાંબી લાઇન છે
ફૂલ માટે રોજ વેલેન્ટાઇન છે !

કોની જોડે પ્રેમના કીધા કરાર ?
હોઠ પર કોની ગુલાબી સાઇન છે ?

જા જઈ પૂછી જો આદમ-ઇવને
ઈશ્કથી ચડિયાતી કોઈ વાઇન છે ?

તારી યાદોની મજાનું શું કહું !
તારા કરતાં પણ વધારે ફાઇન છે

આ અજાણ્યો કોલ બીજાનો હશે
એના નંબરમાં તો અંતે નાઇન છે

– મેહુલ પટેલ ‘ઇશ’

લયસ્તરો તરફથી એક “વેલ-ઇન-ટાઇમ” ગુલાબી ગઝલ આપ સહુ માટે… પહેલા ચાર શેર માટે કવિને સોમાંથી સો ગુલાબ !

Comments (8)

ગઝલ – મેહુલ પટેલ ‘ઈશ

ઓઢીને અંધાર ઊભો છું,
ઘેનમાં ચિક્કાર ઊભો છું!

દોડતા અઠવાડિયા વચ્ચે
હું બની રવિવાર ઊભો છું !

મારી અંદર ના પ્રવેશો, લ્યા
હું જ મારી બ્હાર ઊભો છું !

કેટલું મોડું કરીશ ઈશ્વર ?
ક્યારનો તૈયાર ઊભો છું

જે ગમે તે રૂપમાં ચાહો,
રૂપ લઈ દસ-બાર ઊભો છું

-મેહુલ પટેલ ‘ઈશ

મજાની ગઝલ… વચ્ચેના ત્રણ શેર ઉત્તમ…

Comments (10)

ગઝલ – મેહુલ પટેલ ‘ઈશ’

એક બાળક માટે શું છે આ જગત
ટોર્ચ ચાલુ-બંધ કરવાની રમત !

શ્વાસ ખેંચીને કરો કોશિશ જરા,
સાફ વંચાશે હવા પરનું લખત

ફોટો જોતા યાદ આવી જાય છે,
કેમેરામાં કેદ એક જૂનો વખત !

ઢીલ કરવાની નહિ એમાં કદી,
શેર સ્ફુરે એટલે લખવો તરત !

હું કહું, ‘ઈશ’ છે  છતાં તું ના કહે ?
ચાલ એક-એક ચાની થઇ જાએ શરત

– મેહુલ પટેલ ‘ઈશ’

મત્લાથી શરૂ થઈ એક પછી એક બધા જ શેર પાણીદાર આંખ-કાન સામે આવતાં હોય એવી સુખદ ક્ષણે મક્તાનો શેર મારા જેવા જૂનવાણી માણસને વિચારતો કરી મૂકે દે છે.  ઈશ્વરના અસ્તિત્વના સનાતન પ્રશ્નને એક-એક ચાની શરતથી મૂલવવાની વાત એક કલ્પન તરીકે ગમે એટલી સમસામયિક (contemporary) કેમ ન હોય, શેરને સપાટીથી નીચે આવવા દેતી નથી.

 

Comments (12)

ગઝલ -મેહુલ પટેલ ‘ઈશ’

સાચો યા ખોટો જોઈએ
ઈશ્વરનો ફોટો જોઈએ !

આખો સમુદ્ર શું કરું ?
અડધો જ લોટો જોઈએ

કેવી રીતે અરીસામાં-
પીઠનો લિસોટો જોઈએ ?

ચાલે પ્રભુનું સ્વર્ગમાં,
અહિયાં તો નોટો જોઈએ

ફૂલોને સ્પર્શવા નહિ,
શ્વાસોથી બોટો, જોઈએ

જૂનો સબંધ તોડવા,
ઝગડોય મોટો જોઈએ

– મેહુલ પટેલ ‘ઈશ’

ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરીને આગળ આવતા કવિઓમાં સુરતના મેહુલ પટેલ સરસ આશા અને અપેક્ષા જન્માવે છે. પ્રસ્તુત ગઝલના બધા જ શેર આસ્વાદ્ય છે પણ પીઠનો લિસોટો જોવાની વાત અને ફૂલોને શ્વાસથી બોટવાનું સાવ જ અનુઠું કલ્પન કવિમાં રહેલી શક્યતાઓનો સાક્ષાત્કાર કરાવે છે…

Comments (19)