તમારી યાદ આવ્યા બાદની મારી દશા -
ખુદાની તો શું ? ખુદની બાદબાકી થઈ ગઈ.
વિવેક ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for હરિહર જોશી

હરિહર જોશી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




સખી! પરણ્યાને હળવે જગાડું…- હરિહર જોષી

સખી ! પરણ્યાને હળવે જગાડું !

વહેલી સવારનું સપનું મમળાવતી
હું ખુદના પડછાયામાં ભળતી
વીતેલી રાત મારી આંખ્યુંમાં કોણ જાણે
ઘી ને કપૂર જેમ બળતી
હવે અધમણ રૂની બાળી દિવેટ એના અજવાસે આભલાં લગાડું
સખી ! પરણ્યાને હળવે જગાડું !

મેડી છોડીને ચાંદ ચાલ્યો ઉતાવળો
એ પલકારે વહી ગઈ રાત.
કહેતાં કહેતાંમાં પ્હો ફાટ્યું ને
સાવ મારી કહેવાની રહી ગઈ વાત !
એવું થાતું કે પે…લા બુઝાતા ચાંદને ઝાલરની જેમ રે ! વગાડું
સખી ! પરણ્યાને હળવે જગાડું !

પીપળા સન્મુખ જઈ ઊભી રહું તો
મારી માનેલી માનતાઓ ફળતી
એવી શ્રદ્ધાથી નિત મસ્તક નચાવી
હું મીઠા ઉજાગરાને દળતી
મને ચીડવતું ગામ કહીઃ ‘ભાંગ્યું ભરૂચ તો કોઈ કહે ભાંગ્યું રજવાડું ! ‘
સખી ! પરણ્યાને હળવે જગાડું !

– હરિહર જોષી

 

મધુરું મજાનું ગીત….

Comments (1)

હજી હમણાં જ બેઠો છું – હરિહર જોશી

કોઈની વાટ નીરખતો હજી હમણાં જ બેઠો છું
અધૂરું ગીત ગણગણતો હજી હમણાં જ બેઠો છું

હતાં ચોમેર મારાં બિંબ દર્પણના નગર વચ્ચે
ડરીને ભીડમાં ભળતો હજી હમણાં જ બેઠો છું

ખબરઅંતર ખરેલાં પાનનાં પૂછી: દિલાસા દઈ
ઈરાદા મોસમી કળતો હજી હમણાં જ બેઠો છું

અજાણ્યા માર્ગમાં મળશે બીજો પંથી એ આશામાં
હું રસ્તે આંખ પાથરતો હજી હમણાં જ બેઠો છું

મુઢ્ઢીભર આગિયા સાથે હતા અજવાળવા રસ્તો
તમસમાં ખુદ ઝળહળતો હજી હમણાં જ બેઠો છું

– હરિહર જોશી

એક માત્ર “હજી” શબ્દ જ આખી ગઝલની ફ્લેવર બદલી નાંખે છે…

Comments (11)