આપણી વચ્ચે હતી સ્નેહની જે એક કડી,
ભલભલા કષ્ટ કે મનભેદને બસ એ જ નડી.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for માલા કાપડિયા

માલા કાપડિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(સાંજ) – માલા કાપડિયા

આ સાંજને
કેવી માયા છે મારી ઉદાસી સાથે!
તે પણ ચુપચાપ છે
મારા ક્ષુબ્ધ શ્વાસની માફક.
રોજ સવારે,
સૂર્ય નહિ,
એક ઇચ્છા ઊગે છે.
પાછલી રાતનાં શમણાં
ગુલમહોર થઈ ઊગે છે આંખોમાં
બારણાંને ટેરવે એક પ્રશ્ન
‘એ આવશે?’
રોજ સાંજે,
સૂર્ય નહિ,
એક ઇચ્છા ઢળે છે.
અને સાંજ
મારી ઉદાસીનો મલાજો પાળે છે!

– માલા કાપડિયા

નાની અમથી રચના. પણ એક જ નાની અમથી પ્રતીક્ષા અને નિષ્ફળતાની લાગણીને કવયિત્રીએ જે રીતે વર્તુળાકારે આંકી છે એની મજા છે. કવિતાની પહેલી બે અને આખરી બે પંક્તિઓ એકમેકનો પડઘો પાડે છે એ ઉપરાંત કવિતામાં રોજ સવારે સૂર્યના ઊગવા અને સાંજે સૂર્યના અથમવાની ઘટનાને એકસરખા શબ્દોમાં ઢાળીને કવયિત્રી નિરાશાના ભાવને જે રીતે દ્વિગુણિત કરે છે એ કારણે કવિતા સીધી હૃદયને સ્પર્શી જાય છે…

Comments (4)

શૂન્યતા – માલા કાપડિયા

મને મારો જ ડર લાગે
એટલી બધી શૂન્યતા
શા માટે
ફેલાઇ હશે અવકાશમાં?

ઉદાસ શિર
ઢાળી શકાય કોઇના
ખભા ઉપર
એવો એક
સંબંધ પણ નથી ?

અને
આથી જ
એકલવાયી સાંજે
અરીસામાં
મારા જ ખભા પર
માથું ઢાળી
હું
રડી લઉં છું.

– માલા કાપડિયા

એક સઘન અભિવ્યક્તિ……..

Comments (8)