જીવતરના આ ગોખે આંસુ નામે દીવો,
આંખોના ખૂણે ઝળહળતું પાણી છીએ
મનોજ ખંડેરિયા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મૂકેશ જોશી

મૂકેશ જોશી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

જ્યારથી - મુકેશ જોષી
.....તારા અક્ષરના સમ – મુકેશ જોષી
(ખાલી આકાશ) - મુકેશ જોષી
અમે કાગળ લખ્યો તો - મુકેશ જોશી
અવળી શિખામણો - મુકેશ જોશી
આંટો - મુકેશ જોશી
એક લઘુકાવ્ય - મુકેશ જોષી
કાગળ - મુકેશ જોશી
ગીત - મુકેશ જોશી
ગીત - મુકેશ જોષી
ગીત - મુકેશ જોષી
ગીત - મુકેશ જોષી
ગીત - મુકેશ જોષી
ગીત - મુકેશ જોષી
ગીત- મુકેશ જોષી
છાનો છપનો – મુકેશ જોષી
છોકરીના હૈયામાં – મુકેશ જોષી
ડૂસકાં - મુકેશ જોષી
તને વ્હાલો વરસાદ કે હું ? - મુકેશ જોષી
તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો - મૂકેશ જોશી
તમે જિંદગી વાંચી છે ? - મુકેશ જોષી
તારા અક્ષરના સમ - મૂકેશ જોશી
તું ભરતી ને હું ઓટ - મૂકેશ જોષી
તુ શું કરીશ ? - મુકેશ જોશી
ત્રિપદી - મુકેશ જોષી
ત્રિપદી - મૂકેશ જોષી
નામ લખીને - મુકેશ જોષી
પ્રેમમાં કયાં જાણકારી જોઈએ - મૂકેશ જોશી
ફાટ્યા ને તૂટ્યા.....- મુકેશ જોષી
બા - મૂકેશ જોશી
બે પંક્તિના ઘરમાં - મુકેશ જોષી
બોલ સખી - મુકેશ જોષી
મેં જિંદગીને મીરાંની સાથ પછી જોખી - મુકેશ જોષી
યાદગાર ગીતો :૩૦: હવે તારામાં રહું ? - મુકેશ જોષી
રહેજો મારી સાથે – મુકેશ જોશી
લાગી આવે - મુકેશ જોષી
લીંબોળી - મુકેશ જોશી
સખી - મુકેશ જોષી
સાજન મારો સપનાં જોતો, હું સાજનને જોતી - મૂકેશ જોષી
સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે – મૂકેશ જોશી
હવે તારામાં રહું? -મૂકેશ જોશીએક લઘુકાવ્ય – મુકેશ જોષી

પાડોશી બનવાની પૂર્વશરત એ છે,
બંને વચ્ચે કમસે કમ એક દીવાલ હોવી જોઈએ.
લાંબા દાંપત્યજીવનને અંતે
અમે એને ઊભી કરવામાં સફળ થયા છીએ,
હવે અમે એક જ ઘરમાં પાડોશી છીએ.

– મુકેશ જોષી

મહત્વનું શું – સંબંધ કે વ્યક્તિ ? વ્યક્તિ છે તો સંબંધ છે કે સંબંધ છે તો વ્યક્તિ છે ? – આવા પ્રશ્નોના ઉત્તર દરેક વ્યક્તિ પોતાની રીતે પોતાની જાત માટે શોધી કાઢતી હોય છે. કોઈ એક ઉત્તર દરેક માટે appicable હોતો પણ નથી. ઘણાબધા લોકો અસ્પષ્ટતાના grey area માં જ જીવન વીતાવી દેવાનું પસંદ કરતા હોય છે. લગ્નસંસ્થામાં જેટલી જાતને [ અને અન્યને પણ ] છેતરવામાં આવતી હોય છે તેટલી ભાગ્યે જ કોઈ સંબંધમાં છેતરામણી ચાલતી હશે. પ્રત્યેક પળે – પ્રત્યેક પળે – જાત સાથે અને અન્યોન્ય સાથે અણીશુદ્ધ સ્પષ્ટતા જાળવવી એ જ કદાચ શ્રેષ્ઠ માર્ગ હોઈ શકે.

Comments (10)

ગીત – મુકેશ જોષી

એને મૂળમાંથી ઝાડવું ઉખાડવું હતું,
મારે માળામાં બુલબુલને પાળવું હતું.

પંખી બનીને એ ઊડી જો હોત તો
જીવતરની ફેર કરત માગણી
બત્તીના થાંભલેથી બલ્બ ઊડી જાય એમ
ઊડી ગઈ ઓચિંતી લાગણી.
એને સૂરજથી જળને દઝાડવું હતું,
મારે પાણીને બર્ફમાં સુવાડવું હતું.

એક એક કિરણોને જીવ જેમ સાચવું
તોય તૂટી જાય રોજ સાંજ,
એક દિવસ સ્વરપેટી જાતે ઉઘાડી,
તો અંદર તૂટેલો અવાજ.
એને મૃગજળથી સપનું પલાળવું હતું
મારે સપનાનું ફૂલ ત્યાં ઉગાડવું હતું.

– મુકેશ જોષી

 

કલાપીની અમર પંક્તિ યાદ આવે છે …..’સાકી જે શરાબ મુજને દીધો,દિલદારને દીધો નહીં; સાકી જે નશો મુજને ચઢ્યો, દિલદાર ને ચઢ્યો નહીં……. ‘

Comments (6)

સખી – મુકેશ જોષી

હે સખી ! તારા વિનાની જિંદગી હું શું કરું ?
ધૂળમાં હું શું ઉમેરીને ફરી કંકુ કરું.

આસમાની ઓસરીમાં વાદળો રહેતાં નથી,
માછલી વિષે પૂછ્યું તો જળ કશું કહેતાં નથી.
સૂર્યની સાથે સંબંધોમાં બહુ ઝાંખપ પડી,
ને, હવા ભૂલી ગઈ ખુશબૂ તણી બારાખડી.
સૂર્યની સામે જ ઝાકળ શી રીતે ભેગું કરું ?

જોઈ લે ઓઢું ઉદાસીનો દુપટ્ટો આજ પણ,
આંખના ઘરથી અલગ રહેવા ગઈ છે સાંજ પણ.
સાચવેલા તારલા ટપટપ ખરે છે એટલા,
હું અને આકાશ બંને સાવ મૂંગાં એકલાં,
એક ખોબા આભને હું કઈ તરફ વ્હેતું કરું .

– મુકેશ જોષી

Comments (11)

ગીત – મુકેશ જોશી

મને તમારા સખીપણાના હજુય કેમ અભરખા
હજુય થાતું તાજાં તાજાં ગુલાબ ઊગે સરખાં.

હજી તમારા રમતિયાળ એ નદીપણામાં
મારી આખી જનમકુંડળી વહેતી
મૃગજળના ક્યારાઓ વચ્ચે કેમે કરવી
સ્મરણો વાવી ગુલાબજળની ખેતી
તમે આંખથી વાદળ છાંટો, હું ધારું કે બરખા….મને….

નથી સળગતો દીવો આ તો સૂરજ છે ને
સૂરજને હું કેમ કરીને ઠારું
કેટકેટલી માછલીઓ તરફડતી જીવે
આંખ વચાળે દરિયાથીયે ખારું
તમે બનો મંદિર, અહમનાં કાઢું હુંય પગરખાં….મને….

-મુકેશ જોશી

ખૂબી દ્રશ્યની નથી,ખૂબી નજરોની છે…..

Comments (9)

બે પંક્તિના ઘરમાં – મુકેશ જોષી

કમાલ છે ઈશ્વરની કેવું સ્તર રાખ્યું છે,
બે પંક્તિની વચ્ચે એણે ઘર રાખ્યું છે.

બે શબ્દોની વચ્ચે એના ઘરની બારી ખૂલે,
લયનો હિંડોળો બાંધી એ ધીમે ધીમે ઝૂલે.
શીર્ષકના તોરણમાં પણ અત્તર રાખ્યું છે. કમાલ છે….

અક્ષરના ઓશીકે પોઢી હસ્યા કરે એ મંદ,
એ ચાલે ને એની સાથે ચાલે સઘળા છંદ.
રસમાં લથબથ થાવાને સરવર રાખ્યું છે. કમાલ છે….

અર્થભરેલી ચાર દીવાલો એ પણ રંગબેરંગી,
અલંકારના ઝુમ્મર જોઈ હરખે ખૂબ ત્રિભંગી.
નેમપ્લેટમાં નામ છતાં કવિવર રાખ્યું છે. કમાલ છે…..

-મુકેશ જોષી

 

Comments (5)

ગીત- મુકેશ જોષી

કૂવા કાંઠે ભરવા આવે એક છોકરી પાણી,
પાણી પાણી થઈ જાતાં આ હું ને મારી વાણી.

આંબા પાછળ સંતાઈ હું એને જોતો રહું,
એ પાણી ભરવાને આવે, એને ભરવા સહુ

ઠેઠ ડુબાડે, ખેંચી કાઢે, જળથી ભરેલ ડોલ,
હું એનામાં ડૂબ્યો તોય ના ખેંચ્યો લે બોલ.

ઘટમાં પાણી રેડાતું, ઢોળાતું કૂવાથાળે,
ભડભડ મારો જીવ બળે પણ સ્હેજે નહીં પલાળે.

પાણી ભરતાં ભરતાં એની કાયા ભીની થાતી,
હુંય સૂર્યનું કિરણ હોત તો મુજથી હોત સુકાતી.

આંખોમાં છે દરિયો એના માથા ઉપર કૂવો,
જળની વચ્ચે ચાંદ મલકતો ધારી ધારી જુઓ.

પાણી ભરવા જાવું એનો રોજિંદો વહેવાર,
જે એને ટીકીને જોતું એને મન તહેવાર.

ઈંઢોણી પર બેડાં મૂકી પાછી વળતી ઘેર,
મારી આંખે એના ઘરમાં જળની લીલાલ્હેર.

 

એક રમતિયાળ ગીત….

Comments (10)

(ખાલી આકાશ) – મુકેશ જોષી

એક મનગમતો તૂટ્યો સંબંધ હવે હાશ !
શમણાંના કલરવતા,કલબલતા પંખી વિણ,
ખાલી ખાલી ને સાવ ખાલી આકાશ

ભીતરમાં ડોકિયાંઓ કરવાનાં બંધ
હવે દુનિયા જોવાની આંખ બહાર
બહારથી લાગે જે આખા એ આઈનામાં
અંદર તિરાડ આરપાર
જીવતર જીવવાનો હવે કેવો આનંદ
આ જીવનમાં કોઈ નથી ખાસ…. એક….

એકલતાની તો હવે આંગળી પકડી, ને
ખાલીપા સાથે છે દોસ્તી
સુક્કી આ આંખોની નદીઓમાં નાવ અમે
હાંક્યે રાખી છે કોઈ મોજથી
મૃગજળમાં રગદોળી નાખી છે ઈચ્છાઓ
કે લાગે ના કોઈ દિવસ પ્યાસ…. એક….

ઊખડે જો ઝાડવું મૂળિયાં સમેત
પડે ધરતીને હૈયે ચિરાડો
માણસમાંથી એક માણસ ઊખડે ને
તોય નામ કે નિશાન નહીં ખાડો
કૈકેયીનાં દીધાં વરદાન મારે માથે
કે ભોગવવો રણનો વનવાસ… એક….

જરા ધીમે ધીમે ફરી ફરીને એકે એક ફકરો વાંચવા જેવો છે. ઉત્તમ કક્ષાનું indirect statement દરેક ફકરામાંથી જડી આવે છે.

Comments (7)

ગીત – મુકેશ જોષી

કાગળના જેવી ઉધાઈ ગઈ રે, સાવ માણસની જાત
અંદરથી આખી ખવાઈ ગઈ રે, સાવ માણસની જાત

તેજના લિસોટા શો માણસ, ને
માણસ આ અંધારા ચગળે છે કેમ
ચશ્માંની જેમ એને દ્રષ્ટિ ઉતારી
ને આંખોમાં આંજેલો વ્હેમ

કોની તે નજરે નજરાઈ ગઈ રે, સાવ માણસની જાત
અંદરથી આખી ખવાઈ ગઈ રે, સાવ માણસની જાત

ભીતરમાં ભેજ તણા ઢગલાઓ થાય
છતાં માણસને એની દરકાર નહીં ?
હૈયામાં ટળવળતી સારપની વસ્તીને
સાચવવા કોઈ સરકાર નહીં ?

કુદરતની આંખો ડઘાઈ ગઈ રે, સાવ માણસની જાત
અંદરથી આખી ખવાઈ ગઈ રે, સાવ માણસની જાત

 

ભગવાન બુદ્ધની હયાતીમાં, તેઓની પ્રત્યક્ષ હાજરીમાં જ, તેઓના શિષ્યગણમાં બે જૂથો વચ્ચે પ્રચંડ વિવાદ- લગભગ મારામારી સુધીનો ઝઘડો- થયો કે ભગવાનનો ઉપદેશ અમે જે કહીએ છીએ તે જ છે !!!!! ભગવાન એટલા દુઃખી થયા કે તે સર્વને તે જ ક્ષણે ત્યાગીને એકલા ચાલી નીકળ્યા….. માણસ સારો-ઉમદા-શ્રેષ્ઠ હોઈ શકે,બાકી માણસજાત તો……….

Comments (8)

સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે – મૂકેશ જોશી

સોનેરી કિરણોની મબલક મિલકત જોઈ લોકો જોને સાચોજૂઠો વહેમ કરે છે,
રોજ મઝાની સાંજ નામનો ચેક લખીને સૂરજ એના ભાગનો ઈન્કમટૅક્સ ભરે છે.

સૂરજ પાસે નથી જ કાળુ નાણું, એની સાબિતીઓ કોણ જઈને લાવે ?
નથી નોકરી ધંધો તોય આટઆટલી મિલકત ક્યાંથી આવે ?
આવાં-તેવાં મ્હેણાં-ટોણે દરિયામાં ડૂબીને સૂરજ ચોમાસામાં ખૂબ ઝરે છે.

સૂરજ ગાંધીવાદી, પ્હેરે અજવાળાની ખાદી, એની રોજનીશીનું સત્ય જ કાફી !
મિલકત કરતાં બમણો વેરો ભરે છતાંય કરવેરામાં નહીં છૂટ કે માફી;
સૂરજને જો રિબેટ દેવા ધરતી, ચંદા, તારા એની આજુબાજુ ગોળ ફરે છે.

સૂરજ તો શું, આખેઆખા આભની બૅલેન્સશીટ થાય છે રોજેરોજની ટૅલી,
ટૅલી થાવામાં કારણમાં અંતરનો રાજીપો, અહીંયા નથી કોઈની મુરાદ મેલીઘેલી;
આભના પેલા મેહેતાજીને લઈ આવો કે અહીંના લોકો ગોટાળાને પ્રેમ કરે છે.

– મૂકેશ જોશી

વાંચતાવેંત ગમી ગયેલ મજાનું હળવું ગીત…

Comments (5)

ગીત – મુકેશ જોષી

ફાટ્યા ને તૂટ્યા સંબંધોને થીગડાં લગાવો
તો ક્યાં સુધી ચાલે ?
એકવાર મન માંહે પડતી તિરાડ પછી
આપમેળે લંબાતી ચાલે

અણિયાળા શબ્દોના આછેરા સ્પર્શથી
તૂટે જ્યાં લાગણીની માળા
ઊખડી પડે રે પછી વ્હાલના પોપડા
ભીતર જુઓ તો અગનજ્વાળા
હાલતી હવેલીને ક્યાંથી બચાવો
જ્યાં મૂળમાંથી પાયાઓ હાલે…ફાટ્યા ને તૂટ્યા….

પાસે પાસે તો હવે રહેવાના ડોળ ફક્ત
મન તો છેટાં ને ખૂબ આઘાં
કાંકરીભાર નહીં ખમતા સંબંધ હવે
પહેરે છે કાચના જ વાઘા
તૂટ્યા ને ફૂટ્યા સંબંધોનો કાટમાળ
લટકે પાંપણની દીવાલે….ફાટ્યા ને તૂટ્યા….

– મુકેશ જોષી

‘ Love that does not renew itself every day becomes a habit and in turn a slavery’ – Kahlil Gibran.

Comments (15)

Page 3 of 5« First...234...Last »