બે-ચાર શ્વાસની આ મને નાવડી મળી,
સાગર મળ્યો અફાટ ને બસ, બે ઘડી મળી.
વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for મનોજ ખંડેરિયા

મનોજ ખંડેરિયા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

કોઈ કહેતું નથી - મનોજ ખંડેરિયા
- કર્યું હતું - મનોજ ખંડેરિયા
.......અમને દોડાવ્યા - મનોજ ખંડેરિયા
(ટેરવાં સૂરજ બની ગયાં) -મનોજ ખંડેરિયા
(ત્રિપદી હાઈકુ ગઝલ) - મનોજ ખંડેરિયા
(પળ વચ્ચે જીવ્યો) - મનોજ ખંડેરિયા
અંગત અંગત : ૦૯ : વાચકોની કલમે - ૦૫
અંજની કાવ્ય - મનોજ ખંડેરિયા
અંધાર શબ્દનો - મનોજ ખંડેરિયા
અમથો અમથો ખુશ થાઉં છું - મનોજ ખંડેરિયા
અમે ચુપ થઈ ગયાં છીએ - મનોજ ખંડેરિયા
અરધી રાતે - મનોજ ખંડેરિયા
અર્થ શો ? - મનોજ ખંડેરિયા
આંગળીમાંથી - મનોજ ખંડેરિયા
આજ હવે - મનોજ ખંડેરિયા
આપણી જુદાઈ - મનોજ ખંડેરિયા
આપણી યાદગાર ગઝલો : ૧૭ : વરસોનાં વરસ લાગે - મનોજ ખંડેરિયા
આપણે યે સરવાનું - મનોજ ખંડેરિયા
આયનાની જેમ - મનોજ ખંડેરિયા
આસપાસ - મનોજ ખંડેરિયા
ઉપાડિયે - મનોજ ખંડેરિયા
એમ પણ બને -મનોજ ખંડેરિયા
કંકુ ને ચોખા - મનોજ ખંડેરિયા
કોને - મનોજ ખંડેરિયા
ક્યાંથી ક્યાં સુધી - મનોજ ખંડેરિયા
ખૂબ અઘરું છે - મનોજ ખંડેરિયા
ખેચાઉં છું કા ? - મનોજ ખંડેરિયા
ગઝલ - મનોજ ખંડેરિયા
ગઝલ - મનોજ ખંડેરિયા
ગઝલ - મનોજ ખંડેરિયા
ગઝલ - મનોજ ખંડેરિયા
ગઝલ - મનોજ ખંડેરિયા
ગઝલ - મનોજ ખંડેરીયા
ઘણી તકલીફ પ્હોંચી છે - મનોજ ખંડેરિયા
છું હું - મનોજ ખંડેરિયા
છોડવા પડશે-મનોજ ખંડેરિયા
જંગલ વિષે - મનોજ ખંડેરિયા
જીર્ણ તરણી - મનોજ ખંડેરિયા
તું ગઝલ તારી રીતે લખ – મનોજ ખંડેરિયા
દરવાજો ખોલ - મનોજ ખંડેરિયા
પરમ સખા મૃત્યુ :૦૯: ગુજરાતી ગઝલમાં 'મૃત્યુ' :કડી ૦૨
પળની છાયા - મનોજ ખંડેરિયા
પાણી છીએ – મનોજ ખંડેરિયા
પીછું - મનોજ ખંડેરિયા
પ્હોંચ્યા - મનોજ ખંડેરિયા
બતાવી દો એને ગઝલ આપણી - મનોજ ખંડેરિયા
બહાર આવ્યો છું… – મનોજ ખંડેરિયા
બે ભાગમાં - મનોજ ખંડેરિયા
મળી છે - મનોજ ખંડેરિયા
મળે - મનોજ ખંડેરિયા
મારો અભાવ - મનોજ ખંડેરિયા
મૃગજળની મિત્રતા – મનોજ ખંડેરિયા
યાદ - મનોજ ખંડેરિયા
રસ્તા વસંતના
રોક્યો છે - મનોજ ખંડેરિયા
લઇ ઊભા – મનોજ ખંડેરિયા
વચમાં જ્યાં થાય - મનોજ ખંડેરિયા
વરસોનાં વરસ લાગે - મનોજ ખંડેરિયા
વિકલ્પ નથી - મનોજ ખંડેરિયા
વિકલ્પ નથી - મનોજ ખંડેરિયા
વિદાયનું ગીત - મનોજ ખંડેરિયા
શિલાલેખો - મનોજ ખંડેરિયા
શું કરું - મનોજ ખંડેરિયા
શ્વાસ લેવા દે – મનોજ ખંડેરિયા
સાવ અટૂલા પડી ગયા – મનોજ ખંડેરિયા
હસ્તપ્રત - મનોજ ખંડેરિયાગઝલ – મનોજ ખંડેરિયા

યાદ ભૂંસાતી રહી કે હું – ખબર પડતી નથી
જ્યોત બુઝાતી રહી કે હું – ખબર પડતી નથી

હું થતો ભરચક ફૂલોની સાવ વચ્ચેથી પસાર
મ્હેક વીંધાતી રહી કે હું – ખબર પડતી નથી

કૈં યુગોથી છું સફરમાં તોય પ્હોંચાયું નહીં
કેડી રોકાતી રહી કે હું – ખબર પડતી નથી

ક્યાં હવે પળને લીલીછમ રાખનારાં આંસુઓ
આંખ સુકાતી રહી કે હું – ખબર પડતી નથી

એક લક્કડખોદ ઘસતો ચાંચ સૂની સાંજ પર
ડાળ છોલાતી રહી કે હું – ખબર પડતી નથી

– મનોજ ખંડેરિયા

ગઝલના પહેલા શેરમાં બંને કડીમાં તથા પછીના બધા શેરના અંતે જે શબ્દાંશ, શબ્દ કે શબ્દસમૂહ પુનરાવર્તિત થાય એને “રદીફ” કહે છે, જેમ કે આ ગઝલમાં “રહી કે હું – ખબર પડતી નથી” રદીફ છે…

ગઝલમાં લાંબી રદીફ નિભાવવી આમેય કપરું કામ છે. મોટાભાગની ગઝલમાં આવી રદીફ લટકણિયું બનીને જ રહી જતી હોય છે. આવી લાંબી અને પ્રમાણમાં અટપટી રદીફ અદભુત રીતે નિભાવવી એ ખરા કવિકૌશલ્યની સાબિતી છે… માટે જ મ.ખ. ગુજરાતી ગઝલનું ગિરિશિખર ગણાય છે.

Comments (8)

પ્હોંચ્યા – મનોજ ખંડેરિયા

સતત ડહોળાતી ઘટનામાંથી નીતર્યા જળ સુધી પ્હોંચ્યા
બિલોરી કાચ જેવી પારદર્શક પળ સુધી પ્હોંચ્યા

બીડેલાં દ્વાર વરસોથી નથી થઇ ખોલવાની ઇચ્છા
નહીંતર હાથ તો કૈં વાર આ સાંકળ સુધી પ્હોંચ્યા

અકારણ ત્યાંથી ઓચિંતા અમે પાછા વળી ચાલ્યા,
કદી પ્હેલી વખત જ્યાં ગમતીલા એ સ્થળ સુધી પ્હોંચ્યા

તને પામી જવા હર એક સત્યોની ક્ષિતિજ તોડી-
પછી પ્હોંચીને જોયું તો રૂપાળા છળ સુધી પ્હોંચ્યા

વટાવી મનની મૂંઝારી ને ગૂંગળામણની સીમાઓ,
ખબર શું કોઈને કે કઈ રીતે કાગળ સુધી પ્હોંચ્યા

-મનોજ ખંડેરિયા

એક વાત માર્ક કરજો- મનોજ ખંડેરિયાની ઘણીબધી ગઝલોના મક્તાનો શેર શબ્દ,કાગળ અથવા ગઝલિયત ઉપર હોય છે !!

Comments (4)

કોઈ કહેતું નથી – મનોજ ખંડેરિયા

લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો
તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી
આ નગરની વચોવચ હતો એક
ગુલમ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

પૂછું છું બારને-બારીને-ભીંતને
લાલ નળિયા-છજાં-ને વળી ગોખને-
રાત દિ’ ટોડલે બેસીને ગ્હેકતો
મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

કૈં જ ખૂટ્યું નથી, કૈં ગયું પણ નથી
જરઝવેરાત સહુ એમનું એમ છે;
તે છતાં લાગતું સઘળું લૂંટી અને
ચોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

સાવ સૂની બપોરે ઘડી આવીને
એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી
આંખમાં આંસુ આંજી અચાનક
શકરખોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

કેટલાં વર્ષથી સાવ કોરાં પડ્યાં
ઘરનાં નેવાં ચૂવાનુંય ભૂલી ગયા
ટપકતો ખાલીપો પૂછતો : મેઘ
ઘનઘોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

જિંદગીના રૂપાળા ચહેરા ઉપર
ઉઝરડા ઉઝરડા સેંકડો ઉજરડા
કોણ છાના પગે આવી મારી ગયું
ન્હોર, તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

પાછલી રાતની ખટઘડી એ હજી
એ તળેટી ને એ દામોદર કૂંડ પણ-
ઝૂલણા છંદમાં નિત પલળતો
પ્રથમ પ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

Comments (6)

અરધી રાતે – મનોજ ખંડેરિયા

અરધી રાતે
સૂના ઢોલિયે ભરત ભરેલા
મોર અચિંતા એકસામટા સીમ ભરીને ટહુકે….

ઘરના ખૂણે પડેલ હુક્કે
સમય ફરી  ઝગમગતો
તાજી  ગડાકુની કૈં વાસ પ્રસરતી વહે રક્તમાં
અંધકારની  હૂંફ ભરેલી ફૂલ-શય્યામાં
પર્ણ સમો  ફરફરતો તરતો ચ્હેરો
ચ્હેરો પીવા મન ભરીને આખું રે નભ ઝૂકે
રે  કૈં ઝૂકે….
પ્રાણ ઘાસની તાજીતમ લીલાશે
ભાન ભૂલી આળોટે
ગલગોટા શો શ્વાસ ભીતરથી ફોરે
મ્હોરે લજ્જાની મંજરીઓ
મહક મહકતી મંજરીઓની વચ્ચે બેસી
ધીમું ધીમું મૃદુ ટહુકતાં કોકિલ-કંઠી !
આજ તમે તો
અજાણ એવી કોક ઘટામાં જઈને બેઠાં
ને અહીં આજે
અરધી રાતે જુઓ ઢોલિયે
મોર અચિંતા એકસામટા આભ ભરીને ગ્હેકે….ગ્હેકે.

-મનોજ ખંડેરિયા

વિરહની વસમી રાત્રે અચાનક મોરલાંની જેમ ટહુકી ઊઠતાં સ્મરણમાત્રથી આખો પરિવેશ કેવો બદલાઈ જાય છે ! એક-એક કલ્પન કાબિલે-દાદ ! કટાવછંદની લયબદ્ધ ગતિમાં કવિતા એમ વહે છે જાણે કે સ્મૃતિ હિલ્લોળાં ન લેતી હોય!

Comments (5)

કોને – મનોજ ખંડેરિયા

લખવું છે નામ રેત પર કોને,
છે વફાદાર જળ-લહેર કોને.

કોણ કોને છળે, ખબર કોને,
રહગુજર કોને, રાહબર કોને.

કોઇ સામે નથી, કશું જ નથી,
તો ય તાકે છે નિત નજર કોને.

મ્હેકતી આંખ, મ્હેકતાં દૃશ્યો,
કોણ કરવાનું તરબતર કોને.

હું જ છું એક જે ગમું એને,
બાકી ભેટે છે પાનખર કોને.

મોતી નીકળ્યા કરે છે આંખોથી,
સ્વપ્નમાં આવ્યું માનસર કોને.

જાણું છું શ્વાસની દગાબાઝી,
છે ભરોસો હવા ઉપર કોને.

સર્વને આવકારે સમ-ભાવે,
ના કહે છે કદી કબર કોને.

બે ઘડી આ ગઝલ ગમી તો બસ,
દોસ્ત અહીં થાવું છે અમર કોને.

Comments (10)

આંગળીમાંથી – મનોજ ખંડેરિયા

સકળ જીવનની પીડા અવતરે છે આંગળીમાંથી
ન થતી જાણ ને વીંટી સરે છે આંગળીમાંથી

કરું જો બંધ મુઠ્ઠી- હસ્તરેખા થઈ જતી ભીની,
ઝીણું ઝાકળ સમું કૈં ઝરમરે છે આંગળીમાંથી

ન સ્પર્શાતું – ન તરવરતું – ન રોકાતું – ન સમજાતું
પવનથી પાતળું આ શું સરે છે આંગળીમાંથી

જીવનની શુષ્ક બરછટતાનું આશ્વાસન છે એક જ આ
સુંવાળું રોજ રેશમ ફરફરે છે આંગળીમાંથી

વીત્યાં છે વર્ષ પ્હેલા સ્પર્શની પૂનમને ઝીલ્યાને –
છતાં ભરતી હજી ક્યાં ઓસરે છે આંગળીમાંથી

પીળાછમ બોર જેવો પોષનો તડકો ઝીલ્યો એની –
હજી પણ વાસ કૈં આવ્યા કરે છે આંગળીમાંથી

ચમત્કારો નથી તો આ લખાતા શબ્દો બીજું શું?
સતત કાગળ ઉપર કંકુ ખરે છે આંગળીમાંથી

– મનોજ ખંડેરિયા

સૌજન્ય – ટહુકો.કોમ

આ ગઝલ ‘ટહુકો’ પર વાંચી અને એકદમ સોંસરવી અંદર ઉતરી ગઈ…..

Comments (9)

– કર્યું હતું – મનોજ ખંડેરિયા

એથી જ રંગરંગથી સઘળું ભર્યું હતું
આંખો મહીં પતંગિયાએ ઘર કર્યું હતું

નભમાં તરંગો આમ અમસ્તા ઊઠે નહીં
કોનું ખરીને પીછું હવામાં તર્યું હતું

ફળિયામાં ઠેર ઠેર પીળાં પાંદડાં પડ્યાં
એના જ ફરફરાટે ગગન ફરફર્યું હતું

આવીને પાછું બેઠું’તું પંખી યુગો પછી
ક્યાં અમથું શુષ્ક વૃક્ષ ભલા પાંગર્યું હતું

પોલાણ ખોલી બુદબુદાનું જોયું જ્યાં જરી
એમાંય એક આખું સરોવર ભર્યું હતું

આ શબ્દ મારા મૌનને એવા ડસી ગયા
ભમરાએ જાણે કાષ્ઠનું પડ કોતર્યું હતું

– મનોજ ખંડેરિયા

Comments (6)

ગઝલ – મનોજ ખંડેરીયા

રહસ્યોની ગુફામાં જઈ નિસરવું યાદ આવ્યું નહિ
સમયસર ‘ખુલ જા સિમ સિમ’ ઉચરવું યાદ આવ્યું નહિ

બરફ થૈ ને થીજી જાશુ સરળ સમજણ હતી કિંતુ
ભીના રહેવાના આનંદે નિતરવું યાદ આવ્યું નહિ

અમે જે બાળપણમાં ભીંત પર દોર્યું સરળતાથી
ઘણા યત્નો છતાં પાછું ચિતરવું યાદ આવ્યું નહિ

હતું એ હાથમાં ને રહી ગયું એ હાથમાં એમજ
ખરે ટાણે હુકમપાનું ઉતરવું યાદ આવ્યું નહિ

કલમથી શાહી બદલે દર્દ છંટકોર્યું છે કાગળ પર
બીજી કોઈ રીતે મન હળવું કરવું યાદ આવ્યું નહિ

– મનોજ ખંડેરીયા

સાદ્યંત સુંદર ગઝલ… અરેબિઅન નાઇટ્સની વાર્તા આ પહેલાં ગુજરાતી ગઝલમાં આટલી અદભુત રીતે ભાગ્યે જ કોઈ આલેખી શક્યું હશે… છંટકોર્યું જેવો શબ્દ પણ કેવી સહજતાથી ગઝલમાં ઊતરી આવ્યો છે !

આ ગઝલનો વિડિયો આપ અહીં માણી શક્શો.

પ્રસ્તુત ગઝલમાં બીજા નંબરનો શેર ચૂકી જવાયો હતો, જે જૂનાગઢથી કવિમિત્ર ઉર્વીશ વસાવડાએ મોકલાવી આપ્યો  છે. એ અહીં ઉમેરી દઉં છું… આભાર માનવો પડશે કે, ઉર્વીશભાઈ?

 

Comments (14)

જીર્ણ તરણી – મનોજ ખંડેરિયા

નયન માંજીને વિસ્મય આંજવાની આ તો કરણી છે
કલમ છે હાથમાં, શું રંગ-ઝરતી ફૂલ-ખરણી છે.

ચડું છું જે પગથિયાં એક ક્ષણમાં ગૂમ થઈ જાતાં
અને પૂરી ન થાતી કેમે એવી આ નિસરણી છે.

અહીંથી ત્યાં લગી છે પહોંચવાનું કેટલું દુષ્કર
વિરહ છે વસમી વૈતરણી, જીવન પણ જીર્ણ તરણી છે.

મળે છે સ્વચ્છ તડકો-ચાંદની-ઝાકળ ને વર્ષાજળ
ગગન આખુંય જાણે એક ગળણી નીલ-વરણી છે.

જીવનથી મોક્ષ માગે તું, જીવનને મોક્ષ માનું હું,
કે મારી જીવવાની સાવ અલગ વિચારસરણી છે.

હટે ક્યાં આંખથી આકાશ શૈશવની અગાસીનું
હજી પણ લોહીમાં એ ધ્રુવ, સપ્તર્ષિ ને હરણી છે.

કહો આથી વધુ શું જિંદગીમાં જોઈએ બીજું ?
ગઝલ છે, ગીર છે, ગિરનાર છે, સોરઠની ધરણી છે.

– મનોજ ખંડેરિયા

કેટલીક ગઝલો વાંચીએ એટલે ગઝલ, ગઝલકાર અને ગઝલના કથાવસ્તુ- ત્રણેયના પ્રેમમાં પડી જવાય છે. મ.ખ.ની આ ગઝલ કંઈક એવી જ જાદુઈ અસર મારા પર કરી ગઈ. હું તો ફૂલ-ખરણી શબ્દ પર જ ઓળઘોળ થઈ ગયો. દિવાળીની દિવસો ગયા એટલે ફૂલઝડી તો યાદ હોય જ પણ કલમને ફૂલ-ખરણી સાથે સરખાવીને કવિએ કમાલ કરી દીધી છે. ક્ષણ જેવી વીતી જાય છે કે ગાયબ થઈ જાય છે અને આવનારી ક્ષણો પણ અનંત છે. જીવનની નિસરણી જીવનપર્યંત કદી પૂરી થતી નથી… બધા જે શેર આસ્વાદ્ય પણ મારા જેવા વિજ્ઞાનના વિદ્યાર્થીને તો બધું ગાળીને સાફ સ્વરૂપે આપણને આપતી આકાશની ભૂરા રંગની ગળણી વધુ ગમી ગઈ.

Comments (8)

આજ હવે – મનોજ ખંડેરિયા

આભના જેવો જ કંઈ લાગે છે આજ હવે
મારા હોવાનો મને ભાર.

કેડીની જેમ હું તો રઝળું ચોમેર
મારા ભ્રમણનો આવતો ન અંત
આંબાની ડાળ જેવું આભ ભરી ઊગું ને
હાથ છેટી રહી જાય વસંત
ઓગળતો જાય હવે મીણની જેમ કાળ મારો
જેનો લઇ ઊભી આધાર.

છતટાંગ્યાં ઝુમ્મરની હું તો રે જ્યોત
મારી કાચમાંથી કાયા ઢોળાય
પછડાતી જાઉં આમ આખાયે ઓરડે ને
આમ નથી ઓરડે હું ક્યાંય

તારા ન આવવામાં ચંદનના ધૂપ શી હું-
બળતી ને મ્હેકે અંધાર.

-મનોજ ખંડેરિયા

કૃષ્ણ-વિરહમાં ઝૂરતી ગોપીનું ગીત છે…… સ્વ ની સંપૂર્ણ વિસ્મૃતિ…..

Comments (5)

Page 3 of 7« First...234...Last »